મિત્રો, આ લખવા માટે હું ખુદ ઘણો આતુર હતો, પણ કામને લીધે થોડુંક મોડું થઈ ગયું.
હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી. સૌરાષ્ટ્ર એટલે... કાઠીયાવાડ, ઝાલાવાડ, ગોહીલવાડ અને સોરઠનો સમન્વય... અને મારી ભૂલ થતી હોય તો યાદ કરાવજો...
(જૂનાગઢના પાદરે...)
અમારો પ્રવાસ અમદાવાદથી શરૂ કરીને રાજકોટ થઈને જૂનાગઢ થઈને ગીરના જંગલ સુધી પહોંચ્યો.
સવારે ૭ વાગ્યે અમદાવાદથી ગાડી લઈને નીકળ્યા. વચ્ચે થેપલાં, મસાલાવાળી પૂરી અને અથાણાંની મિજબાની ચાલી.
જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યે એક ઓળખીતાને લાભ આપ્યો જમવાનો! અને ત્યાંથી સાસણ તરફ ગાડી હંકારી...
આગળ જતાં ખબર પડી કે સિંહ જોવા હોય તો દેવળિયા જવું પડશે...એટલે અમે એ તરફ વળ્યા...
જૂનાગઢથી લઈને સાસણ જતાં વચ્ચે દેવળિયા આવે, જ્યાં ગીરનાં જંગલમાં જો સિંહના ખબર હોય તો તંત્ર દ્વારા બસમાં બેસાડીને જંગલમાં ૩૫ થી ૪૦ મીનીટ ફેરવવામાં આવે છે.
અને એક સીમા પછી આપણાં વાહનો પ્રતિબંધિત છે.
અને અમારા સદનસીબે ત્યાં સિંહ જોવા મળી ગયા! સિંહને જોઈને જ આંખો ચાર ને જીભડા બાર! આનંદની તો સીમા જ નહોતી...
(દેવળિયાના જંગલમાં...)
એ વનરાજીમાં એવા સોરઠના સાવજને...વનરાજને જોઈને એમ થયું કે આ જ જંગલનો રાજા! શું એની છટા... શું એની બેફિકરાઈ...અને શું એની ઊદારતા...
(સોરઠનો સાવજ... લાક્ષણિક પળોમાં...)
(સાવજ્થી દૂર... ડર્યા વિના...)
વાહન એની એકદમ લગોલગ હોવાં છતાં એને તો જાણે કાંઈ પડી જ નથી!
જાણે કે આપણને જોઈને વિચારતો હોય કે," જુઓ જુઓ.. પિંજરામાં મનુષ્યોનું ટોળું આવ્યું...આપણી જેમ એને પણ કોઈક દિવસ તો પુરાવું પડ્યું!"...
પોતાની મસ્તીમાં મસ્ત એવા આ રાણાને જોઈ એની તસ્વીરો લેતાં મન નો'તું ધરાતું...પણ છતાંય બહાર તો જવું જ પડે ને...
ગીરથી લગભગ ૫.૩૦ જેવા નીકળીને અમારી ગાડી હાલી સોમનાથ તરફ...
સોમનાથ... આપણા ચાંદામામાએ જેની સ્થાપના કરી હતી તે... ભારતનાં ૧૨ જ્યોર્તિલીંગોમાંનું એક...
અરબી સમુદ્રના કિનારે... દરિયાદેવ જેની સતત પૂજા કરતા રહે છે...અને એનાં પગમાં અભિષેક કરતાં થાકતાં નથી...
(જય સોમનાથ...)
સોમનાથનો દરિયો... ભયંકર તોફાની...ઊંચા ઊંચા મોજા ઊછાળતો...જાણે કે શિવના તાંડવની યાદ ના અપાવતો હોય?
અને એમાંય વળી ચૌદસ-પૂનમના દિવસો... એટલે તો જાણે દરિયો, "મારું કે મરૂં... લઈ જાંઊ કે ખાઈ જાંઊ..."
અહીં દરિયા કિનારે ન્હાવાની મનાઈ હોવા છતાં લોકો પોતાની જાતને રોકી શકતાં નથી...
અને શિવ-શંભુ...ભોળાનાથનાં દર્શનનો લ્હાવો...રોજ સવારે અને સાંજે ૭ વાગ્યે થતી આરતીમાં માનવ મહેરામણ આજે પણ ઊભરાતો જ રહે છે...
શિવલીંગની સામે ઊભા રહિયે તો જાણે કોઈ અલૌકિક આનંદ મળે...એમ શાંતિ અનુભવાય...ત્યાંથી હટવાની ઈછ્છા જ ન થાય...
ત્યાંની હવામાં જાણે શિવતત્વ જ સમાયેલું છે..જે મનને ખૂબ જ શાંતિ અને નીર્મળતા આપનારું છે...
ખબર નથી કેમ... ભગવાનને તો કોઈનો ડર ન હોય.. પણ છતાંય અહીં ઘણી બધી પોલિસ ખડકી દેવાઈ છે...
અને બીજું એ... જે દરેક હિંદુ ધર્મસ્થાનની સમસ્યા છે... ગંદકી...આટલું મોટું ધામ હોવા છતાં ગંદકીનું પ્રમાણ વધી જ રહ્યું છે...
સવાર-સાંજ શિવને ભજી... આરતીમાં શિવનાં ગુણ-ગાન કરી અને બીજી સવારે અમે નીકળી પડ્યા... દીવ તરફ...
દીવ... નામ સાંભળતાં જ દરિયો...પાણી... સરસ મજાનાં કિનારા યાદ આવી જાય...
અને સાથે સાથે...પેલું ગીત પણ, "की पीने वालों को... पीने का... बहाना चाहिये..." મોટે ભાગે... દીવનું નામ આવે એટલે એ જ વાત હોય...
(ગંગેશ્વર મહાદેવ...)
(દીવની જેલ...)
(ફોર્ટ...)
પણ એના સિવાય પણ દીવમાં ઘણી ફરવા લાયક જગ્યાઓ છે...
દીવ પોર્ટુગીઝોએ વસાવેલું શહેર છે એટલે એમાં એની ઝલક છતી થાય છે..વાસ્તવમાં અહીં ગુજરાતી લોકો જ વધુ છે, છતાં પણ એ વીતેલા જમાનાની યાદ અપાવે છે...
દીવનો કિલ્લો અને જેલ એ પોર્ટુગીઝોનાં જમાનાની મોટી અમાનત છે...અને એ એવું મજબૂત બાંધકામ છે કે આટઆટલાં વર્ષો પછી પણ અડીખમ ઊભી છે...
એનાં સિવાય સરસ દરિયા કિનારાઓ...જ્યાં લોકો ન્હાવાની મજા માણે... અને અહીંનો દરિયો શાંત છે... જાણે ઉદારતાથી આપણને ન્હાવાની પરવાનગી આપતો ના હોય...
અહીં નાગોઆ બીચ અને ઘોઘલા બીચ બહુ જ વિખ્યાત છે... એ સિવાય ગંગેશ્વર મહાદેવ્નું મંદિર, સનસેટ પોઈંટ, સમર હાઊસ અને બીજી એવી જગ્યાઓ જે બહુ લોકો નહી જાણતા હોય...
એવા બીચ પણ છે જ્યાં માંડ દસથી પંદર લોકો પણ જોવા નથી મળતા...ત્યાં વિદેશી મુસાફરો તડકો ખાતા હોય છે...
દરિયામાં ન્હાવાની મજા જ ઓર છે...
દરિયો જાણે આપણી સાથે રમત કરતો હોય એમ દર વખતે કપડાંનાં ગજવામાં ભીની માટી ભરી દે...
એક વાર ધીરે તો બીજી વાર જોરથી..એમ કરીને વધુને વધુ પલાળતો રહે...
મારું માનો... તો ગોવા કરતાં પણ દીવ વધું સુંદર અને સ્વચ્છ છે...અને અહીંના લોકો પણ સરળ છે...
આપણને ગોવાની જેમ અહીં ખોટી ભીડ નહિ લાગે...અને ખરેખર "રજામાં મજા" સાર્થક છે...
બસ... ત્રણ દિવસનો આ પ્રવાસ દીવથી જ પતાવી અમે પાછા અમદાવાદ તરફ નીકળી પડ્યાં...
પાછાં આપણી રોજબરોજ શરૂ...કામ કાજ અને નોકરીઓ.. એ જ ખરૂં...
પાછાં આવવાનું મન તો કોઈને ન થાય પણ...આવવું તો પડે જ ને...
તન અને મનથી એકદમ તાજાં થઈને હવે કામ તરફ વળવાનો પ્રયત્ન કરીશું ને...