Tuesday, March 5, 2013

આપણું જીવન - એક અનંત દોડ ...

કોઈ વખત આપણે એકાંતમાં હોઈએ ત્યારે જુદા જુદા વિચારો મનમાં આવે, અને સાથે જ ઘણા બધા પ્રશ્નો પોતાની જાતને પૂછીએ . એના જવાબો જો કે સરળ નથી હોતા, અને હોય છે તો પણ આપણે એને જવાબ માનતા જ નથી . હા, એ જ તો આપણી મનુષ્યોની ખાસિયત છે , કે પછી નબળાઈ છે? એવો જ એક સવાલ આજે મનમાં ઉદભવ્યો . 

નાનપણમાં જયારે આપણી પાસે સમય હતો, મિત્રો હતા, ગામનું પાદર હતું, રમતનું મેદાન હતું, એ જૂની સાઈકલ હતી ... ત્યારે જે ખુશી અને સંતોષ મિત્રો સાથે રમવામાં અને ગામમાં ફરવામાં થતા, એ હવે મળે છે? 

કોઈ કહેશે કે હા, મળે છે ... કેમ? કારણકે આપણી પાસે ભૌતિક સંપત્તિઓ છે માટે? તો કદાચ તમે બહુ નસીબદાર છો કે એમાંથી ખુશી મેળવી શકો છો, અથવા તો તમે સાચું સ્વીકારતા ડરો છો ...

ભૌતિક સંપત્તિ એ એક જાતની જાળ છે . હા, જાળ ... એટલા માટે કે આપણને સંતોષ જ નથી થવા દેતી . એક વસ્તુ, પછી બીજી વસ્તુ, પછી ત્રીજી  ... અને એ એમ જ ચાલે જ જાય ... કોઈ દિવસ એનો અંત જ નથી આવતો ... આપણે એની પાછળ જ પડ્યા રહીએ છે, પહેલા એને મેળવવા માટે અને પછી એનાથી પણ મનને વધુ લોભાવતી વસ્તુ પાછળ ! આ એક અનંત શ્રુંખલા છે!

ખબર છે શું ફર્ક છે બાળપણમાં અને અત્યારે? એ કે નાનપણમાં આપણી જરૂરિયાતો બહુ માર્યાદિત રહેતી, કારણકે આપણે કુદરતી આનંદ મેળવી શકતા હતા ... રમતો રમીને, મિત્રો સાથે હળીમળીને, ગામને પાદર ધીંગામસ્તી કરીને ... ખેતરો અને તળાવોમાં, નદીઓ અને બજારોમાં ફરીને ... એ નાનપણનો કુદરતી આનંદ યાદ છે? ત્યારે સમય હતો ... :)

સમય, એક એવી વસ્તુ જેનો આપણી જોડે કોઈ ઈલાજ નથી ... જેની સામે મનુષ્ય હારી જાય છે ... મને કહો, ગમે તેટલા પૈસા હોવા છતાં આપણે સમય ખરીદી શકીએ ? ના ... એ શક્ય નથી .

હવે આપણે પૈસા પાછળ દોડીએ છીએ, આગળ વધવાની દોડ અનંત છે . એમાં ને એમાં જ સમય વીતી રહ્યો છે, અને આપણે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ . એ સતત દોડથી કંટાળેલા આપણે ભૌતિક વસ્તુઓથી પોતાની જાતને ખુશ રાખવા મથીએ છીએ . મનને એવું મનાવીએ, કે આનાથી આનંદ મળશે . સમય ઓછો હોય છે, એટલે એવી વસ્તુઓ પાછળ જઈએ જેનાથી ઓછા સમયમાં વધુ આનંદ મળશે એવી આશા હોય !

વધુ પૈસા કમાવી અને પછી વધુ વપરાશ કરે, એવું વિચારીને કે જલસા કરો ને! પણ એ ખરેખર તો એટલા માટે છે, કે તમે તમારા મનને મનાવવા માંગો છો ... પોતાને ન ગમતું કાર્ય કરવું પડે છે, એ વાત ને ભૂલાવવા માટે પૈસાનો  અને ભૌતિક વસ્તુઓનો સહારો લઈએ છીએ ... એટલા માટે, કે ભૌતિક વસ્તુઓમાં જ આનંદ છે એમ માની એની માટે વધુ સંપત્તિ એકઠી કરવા માંગીએ છીએ ... 

પણ એ વસ્તુઓ જરૂરી છે? એનાથી ખરેખર ફર્ક પડે છે? એક ગાડી લાવીએ, પછી એનાથી મોટી ગાડી જ નજરમાં આવે છે . જે હાથમાં છે તે વસ્તુ છોડીને આપણે બીજી વસ્તુનું જ વિચારીએ છીએ . યાદ કરીને કહો, કે એવી કઈ વસ્તુ તમે કરી, જે વગર વધુ પૈસે ના થઇ શકત ... અને તેના ન થવાથી તમને બહુ મોટો ફર્ક પડત ! હું માનતો નથી કે એવી કોઈ વસ્તુ હશે ... અત્યારે તમારી જોડે વધુ સંપત્તિ હશે તો પણ તમે એનો એવો તો ઉપયોગ નથી જ કરતા, કાઈ સોનાની થાળીમાં તો નથી જ જમતા ! ખાલી એકઠી કરવામાં જ લાગેલા હઈશું કદાચ!

આ વસ્તુથી કોઈ બાકાત નથી, ગરીબ કે તવંગર બધાને કોઈ ને કોઈ વસ્તુ પાછળ ઘેલું લાગેલું જ હોય છે . પરંતુ આપણે કોઈ એવું નથી વિચારતા કે ખરેખર જે વસ્તુની આટલી તાલાવેલી છે એ શું અનિવાર્ય છે? કદાચ નથી જ, અને જે વખતે એ સમજાય ત્યારે ઘણું બધું હાથમાંથી નીકળી ગયું હોય છે ... 

એક ઘર લીધું, પછી બીજું લીધું, પછી ગાડી લીધી, ફર્નીચર ... અને એની સામે લોન લોન અને લોન ... અને પછી એ લોન ભરવામાં દર મહિનાનો હપ્તો પૂરો કેમ કરવો એમ વિચારીને વધુ મજુરી કરવાની ... આ તો એક ઉદાહરણ માત્ર છે, બિનજરૂરી એટલે કે જે અનિવાર્ય ના હોય એવી દોડધામ માટેનું ...

આનો એક જ ઉકેલ છે, હાજર સમય અને વસ્તુની કદર અને સદુપયોગ! બિનજરૂરી વસ્તુઓનો પીછો છોડી સંતોષપૂર્વક પોતાનું કામ કરવું .બિનજરૂરી વસ્તુઓ પાછળની દોટ છોડી દેવાથી મનની અને શરીરની કાર્યદક્ષતામાં વધારો થાય છે, એકાગ્રતા અને ધ્યાનપૂર્વક અધ્યાત્મિક સ્તરે આગળ વધવામાં પણ આસાની થાય છે, અને જીવનમાં નિયમિતતા કેળવાય છે .

પોતાના માનસિક, શારીરિક અને અધ્યાત્મિક વિકાસ માટે આપણે દરેકે આ વસ્તુ સમજવાની જરૂર છે અને એની પર અમલ કરવાની પણ!

મહાભારતનું ચિંતન : સ્વામી સચ્ચિદાનંદ

આજે ઘણા સમય પછી કઈક લખવાનું મન થયું, ત્યારે સૌપ્રથમ વિચાર આવ્યો કે છેલ્લે વાચેલું પુસ્તક કયું છે? અને એના વિષે થોડી વાતો કરીએ જેથી બીજા મિત્રો જેમને ખબર નથી તેઓ પણ એનો લાભ ઉઠાવી શકે।

"મહાભારતનું ચિંતન" એટલે ગીતાનો યથોચિત અનુવાદ, જે શ્રીકૃષ્ણનાં વિચારોને સાર્થક કરે છે। જ્યારે અર્જુન યુધ્ધમાં થાકીને સન્યાસીની જેમ વાતો કરે છે, પોતાના હથિયારોનો ત્યાગ કરવાની પલાયનવાદી માનસિકતા પ્રકટ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને એમ કરતા અટકાવે છે। એ માટે તેઓ અર્જુનને જે કર્મનો અને મનુષ્યજીવનનાં કર્તવ્યોનું જ્ઞાન આપે છે તે જ ગીતા છે।

અર્જુન પોતાના બાંધવો-સગાવહાલાઓ સામે યુદ્ધ કરવાની માની એવું બહાનું ધરીને કરે છે, કે લોકો મને શું કહેશે। લોક્લાજથી ડરીને તે યુદ્ધ છોડીને ભાગવાની વાત કરે છે।ત્યારે શ્રીકૃષ્ણ એને સમજાવે છે, કે લોક્લાજથી પણ મોટું કર્તવ્ય પાલન છે।જો ક્ષત્રીય પોતાનું હથિયાર મૂકી દે, તો એ કર્તવ્યનો ત્યાગ થયો કહેવાય। એને પોતાના રાજ્ય, પ્રજા અને શાંતિ માટે શાસ્ત્રો ઉઠાવવા જ પડશે, એના વિના શાંતિ નહિ સ્થપાય। 

"દંડ વગર શાંતિ શક્ય નથી" એવું સમજાવીને તેઓ કહે છે, કે દુષ્ટ લોકો સામે યુધ્દ કરવું એ રાષ્ટ્રના અને પ્રજાના હિતમાં છે . તેની સામે ડાહી ડાહી વાતો કરવાથી કહી નહિ ઉપજે અને ઉપરથી તે તમને જ કાયર સમજશે। તે પ્રજાને રંજાડશે અને દેશનો વિનાશ કરવાના રસ્તાઓ જ શોધશે। 

પાંડવો બધી રીતે કૌરવોને સમજાવવાના પ્રયત્નો કર્યા, છતા તેમની સજ્જનતાને કાયરતા સમજીને હમેશા તેમને ઉપેક્ષિત જ કરવામાં આવ્યા।અને જયારે છેવટે યુદ્ધનો અને ન્યાયનો સમય આવ્યો ત્યારે અર્જુન પીછેહટ કરે છે, જે અત્યારે અસ્થાને છે। શ્રીકૃષ્ણ કહે છે, કે જે સમયે જે કરવાનું છે તે કરવું જ જોઈએ . એવા સમયે ન્યાય જે માંગે છે તે આપવું જ રહ્યું . ત્યારે અહિંસાની પીપુડી વગાડીને ભાગી જવું સૌથી સરળ છે, અને ન્યાય માટે લડીને સંઘર્ષ કરવો એ વીરોનું જ કામ છે .

સ્વામીજી સમજાવે છે કે જેમ અર્જુન ભાગેડુવૃત્તિ બતાવે છે, તેવી જ રીતે ઘણા વર્ષોથી ભારત દેશ સાથે પણ આ જ થતું આવ્યું છે . કેટલાક લોકો દેશના યુવાધન અને પૌરુષને ખોટી દિશા બતાવી રહ્યા છે . અહિંસાના નામે તેઓ દેશને અંદરથી પૌરુષહીન બનાવી રહ્યા છે . એની માટે તેઓ ધર્મનો સહારો લઇ ભગવાનનો ડર બતાવે છે . અહિંસાનો સાચો અર્થ એ છે, કે અર્થહીન હિંસા ના કરવી . નહિ કે સ્વરક્ષણ કે દેશ માટે આપત્તિના સમયે પણ બેસી રહેવું . એ તો ભાગેડુવૃત્તિ અને પલાયનવાદ થયો કહેવાય, જેનાથી સમાજનો વિનાશ જ થાય . અસામાજિક વૃત્તિઓને તેનાથી તાકાત મળે અને સમાજને લાંબે ગાળે નુકસાન જ થાય . તેમાંથી સમાજને બહાર કાઢવો જોઈએ અને તેની માટે યુવાનોને પ્રાચીન હિંદુ ધર્મનું સાચું જ્ઞાન મળે એ જરૂરી છે। 

તેઓ કહે છે, કે જે ધર્મ પોતાના અનુયાયીઓ અને દેશની પ્રજાનું રક્ષણ ના કરી શકે તે લાંબુ તાકી ન શકે . અને તેથી ન તો તે દેશ ટકી શકે . એવા કેટલાયે ધર્મો છે જે અહિંસાને નામે નામશેષ થઇ ગયા, અને કેટલાયે છે જે પોતાની તાકાતથી સમગ્ર વિશ્વમાં પોતાની ધજા ફરકાવી શક્યા  છે . મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોએ પોતાનો ફેલાવો કરવા માટે ઘણા યુદ્ધો કર્યા છે, અને તેથી જ તેઓ આજે પણ સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે . 

અહી વાત ધર્મોની કે સંપ્રદાયોની નથી, કે નથી કોઈ ભગવાનની। વાત છે મનુષ્યના મૂળભૂત અધિકારો અને સામાજિક કર્મો અને કર્તવ્યોની . આપણે આપણી જવાબદારીઓમાંથી "સન્યાસ"નું નામ લઈને છટકી ન શકીએ, સન્યાસ તો ઘરે બેઠા પણ મળી શકે જો મન સ્થિર હોય તો! એની માટે કઈ ઘરેથી ભાગી જવાની જરૂર નથી . અહિંસાનો સહારો લઈને આપણે ન્યાય અને અન્યાય વચ્ચેનો ફર્ક ભૂલી જઈએ તે ખોટું છે, અને સમાજ-દેશનો વિનાશ કરનારી વિચારધારા છે . 

સ્વામીજીએ ખૂબ ચોટદાર દલીલોથી ગીતાનો કર્મ સિધ્ધાંત સમજાવ્યો છે, અને એની માટે તેમને મહાભારતના એક એક પ્રસંગનો ખૂબ સરસ રીતે ઉપયોગ કર્યો છે . તે કહે છે, કે ગીતા એ કોઈ ધર્મ કે સંપ્રદાયથી ઉપર એક વિચારધારા છે, જે સમાજ અને દેશના વિકાસ અને રક્ષણ માટે આપણને પ્રેરણા આપે છે! આ પુસ્તક વાંચવાથી એ વિચારધારાનો એક દ્રષ્ટિકોણ જરૂર નજર  સામે  આવે છે .

સ્વામી સચ્ચિદાનંદ - એક પરિચય 
વધારે જાણકારી તેમની website www.sachchidanandji.com/ પરથી મળી શકશે।

તેઓ મનુષ્યના કર્મશીલ હોવા પર ભાર મુકે છે અને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે અને આ પુસ્તકમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્રના યુધ્ધમાં ગાયેલી ગીતાનો મહિમા એ રીતે જ દર્શાવ્યો છે।