Tuesday, January 13, 2009

મકરસંક્રાતીની શુભકામના...

વ્હાલા મિત્રો, ઉતરાયણની તૈયારીઓ થઈ ગઈ કે નહી? હા, થઈ જ ગઈ હશે... અને કદાચ ઘણા મિત્રો તો છેલ્લા ૧૫ દિવસથી પતંગની મજા માણે છે. એ જોઇને મને પણ મારા નાનપણના દિવસો યાદ આવી ગયા જ્યારે મિત્રો સાથે એક મહિના પહેલાથી જ પતંગ ચગાવવાની અને લૂંટ્વાની મજા માણતા'તા!

એ વખત ખરેખર પતંગની જેમ જ ઊડવાનો હતો. આજે આપણામાથી ઘણા પાસે સમય નથી અને કદાચ એ મસ્તી તો નથી જ!પણ મિત્રો, સમય છે ભલે થોડોક..પણ માણી લેવામા જ મજા છે ને? ૧ દિવસ કે ૨ દિવસ્.. મજા માણીએ તો જ મતલબ છે ઉતરાયણનો. એ વ્હેલી સવારથી ધાબા પર જઈને, ચીકી ને શેરડી ખાવાની...અને એ શીયાળાની જોરદાર ઠંડી પણ સહન કરીને..પતંગ ચગાવીને પેચ લગાવવાના...મિત્રો ને સગાઓની સાથે,ઊંધીયુ-જલેબીની જ્યાફત ઊડાવવાની...આખો દિવસ ધાબા પર રહીને...ભલે ગોરો વાન શ્યામ થઈ જાય,છતાંય થાક્યા વગર બૂમો પાડવાની :).

હજુ પણ એ શોખ તો છે જ, પણ એવો સમય નથી કે તમારી જેમ રોજ પતંગ જોવા પણ મળે:). છતાંય હું બાકી નથી,તમારી જેમ જ હું પણ તૈયાર જ છું. અમદાવાદની સરસ મજાની ઘસાવેલી દોરી આવી ગઈ છે, અને આજે પતંગ પણ આવી જ્શે.બસ હવે કાલના દિવસની જ રાહ જોવાય છે ને?બે દિવસ આપણે બધાં મજા કરીશું...

પણ...ચાઈનીઝ દોરી નહી વાપરવી,જે જીવલેણ સાબિત થાય છે...ધ્યાનથી પતંગ ઉડાવશો, કપાય આપણો કે બીજાનો ખુશ થશો...બરાબર કે નહી? :)

ચાલો તો...તમને મકરસંક્રાતીની ખૂબ ખૂબ શુભકામનાઓ... :).

Monday, January 12, 2009

હરિયાળી ગિર છે...

હરિયાળી ગિર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી...

ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ...

એ... લાલ પાઘડીએ લાડકો રૂડો વીર ઊભો વરરાજ, વાદળિયું વારણા લેતી જાનડિયું જાનમાં કે'તી...

વાયુ ઝપાટે ઝાડવાં ઝૂલે હાલતા હિંચક લઈ...

એ... જમના કાંઠે જાદવા સાથે ગોપીઓ ઘૂમી રઈ, શાદુળાની ડણકું થાતી જાણે જશોદાની છાશ ફેરાતી...

કેસુડાં કે'રી કળીયું ખીલી જાણે ઊગતો સૂરજ રૂખ,

એ... ડુંગરા ટોચે ચાંદલો ઊગ્યો જાણે શિવ શિરે ગંગમુખ,રીંછડીયું ડુંગરા ટૂંકે જોગી બેઠો ચલમું ફૂંકે...

સાયબો છે ગોવાળિયો રે મારો...

સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી...

સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો,
હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી...

સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો,
હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી...

સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો,
હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી...

સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો,
હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી...

સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો,
હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે...

સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી...

Sunday, January 11, 2009

મોજમાં રે'વું રે...

મોજમાં રે'વું, મોજમાં રે'વું, મોજમાં રે'વું રે...
અગમ અગોચર અલખધણીની ખોજમાં રે'વું રે...

કાળમીંઢ પાણાના કાળજા વીંધી કૂંપળો કૂટે રે...
આભ ધરા બીચ રમત્યું હાલે એનો ખેલ ન ખૂટે રે...
લે'ર આવે લખલાખ રત્નાકર લૂંટતા રે'વું રે...

કાળ કરે કામ કાળનું રે, એમાં કોઇનું ન હાલે રે...
મરવું ઈ તો મરજીવા જાણે રમતા તાલે રે...
અંત આદિ નવ જાણવા તારે તો તરતાં રે'વું રે...

સંસાર ખોટો કે સ્વપ્નું ખોટું એમાં સૂઝ પડે નઈ રે...
યુગ વિત્યા અને યુગની પણ સદીઓ વહી ગઈ રે...
મર્મી પણ મર્મ ન જાણે કૌતુક કેવું રે...

લાય લાગે તો'યે બળે નઈ એવાં કાળજા કીધાં રે...
વીરડો મીઠો ને દરિયો ખારો એવાં દાખલાં દીધાં રે...
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે...

ગોતવા જાય તો'યે મળે નહી ગોત્યો ગહન ગોવિંદો રે...
હરિભક્તોને હાથવગો છે પ્રેમ પરખંદો રે...
એવા દેવને દીવો કે ધૂપ શું દેવા દીલ દઈ દેવું રે...

રામકૃપા એને રોજ દીવાળી રંગના ટાણા રે...
કામ કરે એની કોઠીએ કોઇ 'દી ખૂટે નહિ દાણા રે...
કદી'યે આળસુ થઈને નવ આયખું ખોવું રે...

મોજમાં રે'વું, મોજમાં રે'વું, મોજમાં રે'વું રે...

જવાબદારી...આપણી ફરજ નથી?

આપણે ત્યાં ઘણી વાર એવી વાતો થાય છે કે,

"દેશમાં ઘણી સમસ્યાઓ છે...સરકાર કાંઈ કરતી નથી...ગુંડાગર્દી વધી છે...આતંકવાદ,ચોરી,લૂટ્ફાટ વગેરેના લીધે સામાન્ય માણસો હેરાન થાય છે..."
આના સિવાય પણ ઘણી સમ્સ્યાઓ આપણને નડે છે જેમ કે, ટ્રાફિક,પાણી,રસ્તાઓ,બસ-રેલ,ગંદકી વગેરે વગેરે. અને આપણે લોક કાયમ એમ જ વિચારશું કે આ બધું આપણું કામ નથી. બધા લોકો એમ જ વિચારે છે અને એટલે જ કદાચ આપણે પોતે જ રોજેરોજ અમુક હેરાનગતિઓનું કારણ બનીએ છીએ?

સવારથી ચાલુ કરીએ, તો પાણી પ્રથમ આવે. દરેક ઘરમાં એક વાર તઓ એવું થતું જ હશે, કે પાણીનો બગાડ થાય. અને પાણીની તંગી પડે ત્યારે એમ વિચારીએ કે બાજુવાળા પાડોશીને લિધે ટાંકી ખાલી થઈ ગઈ!અરે ભાઈ,પહેલા પોતે તો વિચારો કે આપણે શું કર્યું?

એના પછી જ્યારે તમે કામ પર જવા નીકળો છો,અને રસ્તામાં ટ્રાફિકને લીધે પડતી તકલીફથી તમે ગુસ્સે થઈ ને લોકો ને અપશબ્દો બોલો, કે મોડું થતું હોવાથી પૂર ઝડપે વાહન હંકારો.અને બધા એમ વિચારે,

"મારા એક્લાના આમ કરવાથી શું થશે?"
અને આમ જ આપણે હેરાન થઈએ.એન કરતાં થોડાક વહેલા નિકળીને,વાહન નિયમીતતાથી ચલાવીને શાંતીથી કામ પર સમયસર ન પહોંચી શકાય?

જરાક વિચાર કરો, કે આપણે કોઇને કાંઈ કહીયે એના પહેલા પોતે જ એનો અમલ ન કરવો જોઇએ?આપણે પોતે ફક્ત પોતાની જ જવાબદારી સમજવાની જરૂર છે. આપોઆપ બધી જ સમ્સ્યાઓનું નિરાકરણ આવી જશે અને બધું વ્યવસ્થિત બનશે. જેમ બસ કે રેલમાં જતી વેળા બીજાને આગળ કરીએ છીએ (पहेले आप, पहेले आप...), તેમ રસ્તા પર વાહન ચલાવતી વખતે પણ કરીએ તો? એમ જ કચરો પણ્ જ્યાં કચરાપેટી હોય ત્યાં જ નાખવો જોઇએ અને પાણીનો બગાડ પણ અટકાવવો જોઇએ. વાહનમાં હેલ્મેટ/પટ્ટો રાખવો જ જોઇએ અને નિયમથી જ વાહન ચલાવવું જોઇએ.

સુખ સાધનો અને સગવડતાઓ જોઈતી હોય, તો એની સામે પોતાની ફરજો અને જવાબદારીનું ભાન પણ આપણને હોવું જ જોઇએ. તો જ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. માત્ર કર ભરી દેવાથી આપણું કામ અટકતું નથી, બીજી બાબતોમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. કદાચ એનાથી બધું તો નહી, પણ થોડું તો સુધરી જ શકે છે!