Tuesday, March 5, 2013

આપણું જીવન - એક અનંત દોડ ...

કોઈ વખત આપણે એકાંતમાં હોઈએ ત્યારે જુદા જુદા વિચારો મનમાં આવે, અને સાથે જ ઘણા બધા પ્રશ્નો પોતાની જાતને પૂછીએ . એના જવાબો જો કે સરળ નથી હોતા, અને હોય છે તો પણ આપણે એને જવાબ માનતા જ નથી . હા, એ જ તો આપણી મનુષ્યોની ખાસિયત છે , કે પછી નબળાઈ છે? એવો જ એક સવાલ આજે મનમાં ઉદભવ્યો . 

નાનપણમાં જયારે આપણી પાસે સમય હતો, મિત્રો હતા, ગામનું પાદર હતું, રમતનું મેદાન હતું, એ જૂની સાઈકલ હતી ... ત્યારે જે ખુશી અને સંતોષ મિત્રો સાથે રમવામાં અને ગામમાં ફરવામાં થતા, એ હવે મળે છે? 

કોઈ કહેશે કે હા, મળે છે ... કેમ? કારણકે આપણી પાસે ભૌતિક સંપત્તિઓ છે માટે? તો કદાચ તમે બહુ નસીબદાર છો કે એમાંથી ખુશી મેળવી શકો છો, અથવા તો તમે સાચું સ્વીકારતા ડરો છો ...

ભૌતિક સંપત્તિ એ એક જાતની જાળ છે . હા, જાળ ... એટલા માટે કે આપણને સંતોષ જ નથી થવા દેતી . એક વસ્તુ, પછી બીજી વસ્તુ, પછી ત્રીજી  ... અને એ એમ જ ચાલે જ જાય ... કોઈ દિવસ એનો અંત જ નથી આવતો ... આપણે એની પાછળ જ પડ્યા રહીએ છે, પહેલા એને મેળવવા માટે અને પછી એનાથી પણ મનને વધુ લોભાવતી વસ્તુ પાછળ ! આ એક અનંત શ્રુંખલા છે!

ખબર છે શું ફર્ક છે બાળપણમાં અને અત્યારે? એ કે નાનપણમાં આપણી જરૂરિયાતો બહુ માર્યાદિત રહેતી, કારણકે આપણે કુદરતી આનંદ મેળવી શકતા હતા ... રમતો રમીને, મિત્રો સાથે હળીમળીને, ગામને પાદર ધીંગામસ્તી કરીને ... ખેતરો અને તળાવોમાં, નદીઓ અને બજારોમાં ફરીને ... એ નાનપણનો કુદરતી આનંદ યાદ છે? ત્યારે સમય હતો ... :)

સમય, એક એવી વસ્તુ જેનો આપણી જોડે કોઈ ઈલાજ નથી ... જેની સામે મનુષ્ય હારી જાય છે ... મને કહો, ગમે તેટલા પૈસા હોવા છતાં આપણે સમય ખરીદી શકીએ ? ના ... એ શક્ય નથી .

હવે આપણે પૈસા પાછળ દોડીએ છીએ, આગળ વધવાની દોડ અનંત છે . એમાં ને એમાં જ સમય વીતી રહ્યો છે, અને આપણે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ . એ સતત દોડથી કંટાળેલા આપણે ભૌતિક વસ્તુઓથી પોતાની જાતને ખુશ રાખવા મથીએ છીએ . મનને એવું મનાવીએ, કે આનાથી આનંદ મળશે . સમય ઓછો હોય છે, એટલે એવી વસ્તુઓ પાછળ જઈએ જેનાથી ઓછા સમયમાં વધુ આનંદ મળશે એવી આશા હોય !

વધુ પૈસા કમાવી અને પછી વધુ વપરાશ કરે, એવું વિચારીને કે જલસા કરો ને! પણ એ ખરેખર તો એટલા માટે છે, કે તમે તમારા મનને મનાવવા માંગો છો ... પોતાને ન ગમતું કાર્ય કરવું પડે છે, એ વાત ને ભૂલાવવા માટે પૈસાનો  અને ભૌતિક વસ્તુઓનો સહારો લઈએ છીએ ... એટલા માટે, કે ભૌતિક વસ્તુઓમાં જ આનંદ છે એમ માની એની માટે વધુ સંપત્તિ એકઠી કરવા માંગીએ છીએ ... 

પણ એ વસ્તુઓ જરૂરી છે? એનાથી ખરેખર ફર્ક પડે છે? એક ગાડી લાવીએ, પછી એનાથી મોટી ગાડી જ નજરમાં આવે છે . જે હાથમાં છે તે વસ્તુ છોડીને આપણે બીજી વસ્તુનું જ વિચારીએ છીએ . યાદ કરીને કહો, કે એવી કઈ વસ્તુ તમે કરી, જે વગર વધુ પૈસે ના થઇ શકત ... અને તેના ન થવાથી તમને બહુ મોટો ફર્ક પડત ! હું માનતો નથી કે એવી કોઈ વસ્તુ હશે ... અત્યારે તમારી જોડે વધુ સંપત્તિ હશે તો પણ તમે એનો એવો તો ઉપયોગ નથી જ કરતા, કાઈ સોનાની થાળીમાં તો નથી જ જમતા ! ખાલી એકઠી કરવામાં જ લાગેલા હઈશું કદાચ!

આ વસ્તુથી કોઈ બાકાત નથી, ગરીબ કે તવંગર બધાને કોઈ ને કોઈ વસ્તુ પાછળ ઘેલું લાગેલું જ હોય છે . પરંતુ આપણે કોઈ એવું નથી વિચારતા કે ખરેખર જે વસ્તુની આટલી તાલાવેલી છે એ શું અનિવાર્ય છે? કદાચ નથી જ, અને જે વખતે એ સમજાય ત્યારે ઘણું બધું હાથમાંથી નીકળી ગયું હોય છે ... 

એક ઘર લીધું, પછી બીજું લીધું, પછી ગાડી લીધી, ફર્નીચર ... અને એની સામે લોન લોન અને લોન ... અને પછી એ લોન ભરવામાં દર મહિનાનો હપ્તો પૂરો કેમ કરવો એમ વિચારીને વધુ મજુરી કરવાની ... આ તો એક ઉદાહરણ માત્ર છે, બિનજરૂરી એટલે કે જે અનિવાર્ય ના હોય એવી દોડધામ માટેનું ...

આનો એક જ ઉકેલ છે, હાજર સમય અને વસ્તુની કદર અને સદુપયોગ! બિનજરૂરી વસ્તુઓનો પીછો છોડી સંતોષપૂર્વક પોતાનું કામ કરવું .બિનજરૂરી વસ્તુઓ પાછળની દોટ છોડી દેવાથી મનની અને શરીરની કાર્યદક્ષતામાં વધારો થાય છે, એકાગ્રતા અને ધ્યાનપૂર્વક અધ્યાત્મિક સ્તરે આગળ વધવામાં પણ આસાની થાય છે, અને જીવનમાં નિયમિતતા કેળવાય છે .

પોતાના માનસિક, શારીરિક અને અધ્યાત્મિક વિકાસ માટે આપણે દરેકે આ વસ્તુ સમજવાની જરૂર છે અને એની પર અમલ કરવાની પણ!

No comments:

Post a Comment