હમણા જ ક્યાંક વાંચ્યું હતું કે,
"મિત્રો મળે એટલે જુવાની ખીલી ઉઠે, બાળપણું જાગી ઉઠે અને જિંદગી જીવી ઉઠે..."
વાત તો સાચી છે! આપણે બધા અનુભવીએ છીએ, સમજીએ છીએ છતાં પણ રોજીંદી ભાગદોડમાં દોસ્તી અને દોસ્તો બાજુમાં રહી જાય છે...( બાજુમાં રહે ત્યાં સુધી ઠીક છે પણ પાછળ જાય એ જોજો ...)
નોકરી, બૈરી અને બાલબચ્ચા, (છોકરી ન કહેવાય અને 'પત્ની' થોડું સીધું લાગશે, એટલે આ તળપદા શબ્દપ્રયોગ કર્યો છે. કેટલાક લોકો એને outdated ગણે છે, પણ ભાઈ એમ કઈ થોડું outdated થાય તમારા કીધે?), એ ત્રણમાંથી માણસ નામનું પ્રાણી નવરું પડે તો બીજું કઈ વિચારે ને ?
બધા લોકો એમ નસીબદાર નથી હોતા કે જેના મિત્રો આસપાસ જ છે. એવા કેટલાયે મિત્રો છે જે પોતાના ઘર/વતનથી દૂર રહે છે, જે પોતાની નોકરી/ધંધા માટે બહાર ફરતા રહે છે અને મિત્રો સાથે સમય પસાર નથી કરી શકતા . આનું 'જ્ઞાન' ત્યારે થયું જ્યારે એક એવા મિત્રને મળવાનું થયું જેણે પોતાની વ્યથા કહી, કે ભાઈ એકલા એકલા કામ કરે જઈએ છે અને પાછા અવાતું નથી!
દોસ્તારો મળે એટલે નાં તો સમયનું ભાન રહે, ન કામનું . એમાં પણ જ્યારે "જુના જોગી" ભેગા થાય એટલે વાતોના વડા, હાસ્યની છોળો અને પ્રેમની લ્હાણી થાય . હમણાં બે દિવસથી એવો જોગાનુજોગ થાય છે કે રોજે ખાસ મિત્રોને મળવાનું થાય છે, અને પછી ચ્હા-નાસ્તા -પાણી -વાળું બધામાં મજા આવી જાય .
કૈક કૈક સમયની વાતો નીકળે, જૂની યાદો તાજી કરે, ગામ આખાની વાતો કરે અને દસ જણાને ખબર પડે કે, "નવાઈનાં ભ'ઈબંધો ભેગા થ્યા શી અલ્યા!" :) એ શું કે રોજ એક જ, કામ કરીને ઘરે જઈને ખાઇ-પીને સુઈ જવાનું ? મિત્ર-ગોષ્ઠી વગર તે કાંઈ મજા આવતી હશે? એ વખતે સ્થળ કે માહોલનું નહિ પણ મિત્રોની સોબતનું મહત્વ હોય છે... મિત્રોથી જ એ માહોલ બને છે...મિત્રો હોય એટલે સમય પસાર થઇ જાય,ચાહે સમય સારો-નરસો ગમે તેવો હોય. કોઈ ગઝલકારે સરસ કહ્યું છે કે,
"पूजा में है नशा, इबादत में है नशा, चाहत में है नशा, मुहोब्बत में है नशा...
पर ईमान से कहूँ तो मुझे मेरे दोस्तो, सबसे ज्यादा यार की सोह्बत में है नशा."
આ બે પંક્તિઓ ઘણું કહી જાય છે... મિત્રતા એ એક એવો સંબંધ છે જે માણસે કમાવો પડે છે,એને ફક્ત જન્મ લેવાથી જ free માં મળતો નથી. એને કમાવા અને એને જાળવી રાખવા ઘણું કરવું પડે છે... એટલે મિત્રોથી વંચિત લોકો ખરેખર દયાને પાત્ર છે, કારણકે મિત્રતા માણસને જીવનમાં ઘણું આપે છે અને ઘણું શીખવાડે છે...
એ મિત્રોને યાદ કરતા કરતા, એમની જોડે વાત કરવાની ઈચ્છા થાય તો તરત જ ફોને ઉપાડીને કે રૂબરૂ મળીને પોતાનું મન હળવું કરો...એનાથી દોસ્તી વધુ ગાઢ બનશે . એ મિત્રો ફક્ત થોડો સમય જ માંગે છે, બીજું કાઈ નહિ.
મારા સઘળા મિત્રોને આભાર, કે આજે આ લખવા માટે પ્રેરિત થયો... (બસ લ્યા, બધા બૌ ફુલાતા નહિ આ "આભાર" સાંભળીને :) )
Update
એક મિત્રે (અમ્માર) facebook પર share કરેલી આ વાત અહી રજુ કરતા હું મારી જાતને રોકી ન શકયો..
૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું,...
હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા.
ખબર કેમ ? કારણ કે સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરતા હતા તેના પર આ માણસનું ધ્યાન હતું…!
મોરલ :જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ના રોકી શકે…!
DEDICATED TO MY BEST FRIENDS“ખરીદ શકતે અગર ઉનકા સાથ, તો અપની જિંદગી બેચ કર ભી ખરીદ લેતેપર ક્યાં કરે,“દોસ્તી” ઓર “પ્યાર” હમેશા….“કીમત સે નહિ…કિસ્મત સે મિલતે હે…"
No comments:
Post a Comment