Thursday, July 22, 2010

ગુજરાતી ગઝલ અંતાક્ષરી

ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો;
શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો.. ( પ્રો.સુમન અજમેરી )

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. ( આદિલ મનસુરી )

લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં.. ( બેફામ )

યા પ્યારથી એને પંપાળો, યા ક્રુર થઇને ધૂત્કારો,
આ લોકે રહે કે પરલોકે,સાગર તો તમારો કહેવાશે. ( સાગર કુતિયાનવી )

શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની. (શૂન્ય પાલનપુરી )

ન ધરા સુધી ન ગગન સુધી ,નહીં ઉન્નતિ ન પતન સુધી,
પણ આપણે તો જવું હતું,બસ એકમેકના મન સુધી. ( ગની દહીંવાલા )

ધરમનું નામ દઇ શાને પીવાડો પ્રેમની પડીકી ?
જશે રહેંસાઇ માસુમો,નરાધમ હિંસ્રની ધરતી. ( પ્રો.સુમન અજમેરી )

તને કોણે કીધું કે હું રંક છું,નથી રંક રાયનો રાય છું.
મને તોળ સત્યને છાબડે કે હું સત્યલોકનો ન્યાય છું. ( અમૃત ઘાયલ )

છૂટી લટ ,ગુલાબી ચહેરો,આંખમાં શરમ,
પ્રિયે,છબીમાં યે તું કેવી શરમાયા કરે ? ( નઝીર શાયર )

રસમ અહીંની જુદી,નિયમ સાવ જુદા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. ( મનોજ ખંડેરિયા )

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. ( મરીઝ )

છે ભીડ અહીં એકલતાની ને શહેર છે આ સન્નાટાનું,
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું. ( પ્રફુલ્લા વોરા )

છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી.. ( અમૃત ઘાયલ )

તું ઢાળ ઢોળિયો ને હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. ( મનોજ ખંડેરિયા )

ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ ? ( મરીઝ )

લઇને હવે સાતેય અશ્વોને પલાણો આપણે
કે નપુંસક નીકળ્યો છે,શ્વાસ નામે સારથી. (હરીશ ધોળી )

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
ઇર્શાદ આપણે તો ઇશ્વરના નામે વાણી. ( ડો.ચીનુ મોદી )

નવાઇ તો છે કે ઉંડાણો ય છીછરા નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી. ( રમેશ પારેખ )

થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા. ( રસિક મેઘાણી )

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજું કેટલો યે દૂર છું. ( કિસ્મત કુરેશી )

છે હ્ર્દય ને આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે. ( અહમદ ગુલ )

વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ,
જિંદગી ચાલાક છે,હરદમ પિછાણી જાય છે. ( ડો.રઇશ મણિયાર )

છે દિશાઓ ધુંધળી ને મંઝિલો નથી,
શ્વાસના બળતા ધખારે ક્યાં લગી જાશું ? ( આહમદ મકરાણી )

શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ. ( ગની દહીંવાલા )

ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી. ( ભગવતીકુમાર શર્મા )

તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું,
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો. ( ડો.અશરફ ડબ્બાવાલા )

તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી. ( અશોકપુરી ગોસ્વામી )

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં. ( મરીઝ )

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું,ઓગળી જઇશ. ( હરીન્દ્ર દવે )

શમાની વાત કરશો ના, દીવાની લૌને રોકે ફો’ ?
ભરી પરવાનને પાંખે જલીને રાખ થાવું છે. ( પ્રો. સુમન અજમેરી )

છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે. ( કરસનદાસ લુહાર )

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી. ( જલન માતરી )

થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને. ( કૈલાસ પંડિત )

નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી? ( વિશ્વરથ )

ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ,
હતી જામમાં સાવ સાદી મદિરા ! ( મરીઝ )

રંગબેરંગી જીવનના રંગ છે,
જાઉં છું ખીલવા ને ખરતો જાઉં છું. ( અમૃત ઘાયલ )

છાંય મળતી જાય પડછાયા વગર,
ગીતમાં સરતો રહું ગાયા વગર. ( મનોજ ખંડેરિયા )

રોજ એના એજ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું,શું ચીજ છે ? ( રમેશ પારેખ )

છેક પરપોટા સમી છે જીંદગી પણ,
નિત ઝરણાંની ગતિ છલછલ છલકવું. ( ગુણવંત ઉપાધ્યાય )

વિરાટ પંથમાં થાકી વિરામ કરવા પણ,
પરાઇ ભીંતના છાંયે કદી નથી બેઠા. ( રસિક મેઘાણી )

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ. ( ડો. ચિનુ મોદી )

એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે. ( આસિમ રાંદેરી )

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )

થઇ જાય પાંચે આંગળીઓ તુર્ત કાગડો,
મુઠ્ઠી તમે એ શહેરમાં ખોલીને શું કરો ? ( રમેશ પારેખ )

રડ્યું નથી છતાં ઓછપે ઘવાયું છે,
સવારનું આભ આમ ઝંખવાયુ છે. ( ડો. હેમંત દેસાઇ )

છું સતત અચરજ સ્વયં અસ્તિત્વ પર,
તું તપાવે તોયે હું તું જ પર ઠરું. ( અગમ પાલનપુરી )

રમું છું રંગીન મોસમની સાથે,તો ક્યારેક સંગીન જોખમની સાથે,
સરળતાથી ચાલું છું મુશ્કેલ પંથે,મને એવી આ જીંદગાની ગમે છે. ( શેખાદમ આબુવાલા )

છો હતી દુ:ખના સંકજામાં અમારી જીંદગાની,
તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની. ( રિન્દ ગુજરાતી )

ન ગગન ફરેબ આપે, ન ધરા ફરેબ આપે,
જો હ્ર્દય ફરેબ આપે,તો બધા ફરેબ આપે. ( અબ્દુલ રઝાક ‘રશ્ક’ )

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે. (શૂન્ય પાલનપુરી )

છે ગજું કોનું કે સીમા-કદ કશું માપી શકે ?
ધરતીના પેટાળથી આભે ચઢી છે જીંદગી. ( અંબાલાલ ડાયર )

ગુનામાં ભાર હોતે તો દબાઇ રે’તે તળિયામાં,
અભાગી લાશ છે,તરતી રહી દરિયાના સીના પર. ( શવકીન જેતપુરી )

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી ન્હોતી. ( બેફામ )

તમારા આ નાજુક પગોની ફિકર છે,
અમારા નગરની છે પથરાળ સડકો. (દીપક બારડોલીકર )

કંકુ પગલે થઇ કસુંબલ કોરે આ કાળજાની કાંચળી સરકી પડી,
ઉગતું એકાંત મારું પાંપણે આપને જોયા પછી થથરી ગયુ (બાબુ દિલજલા )

યૌવનના ઘોડાપુરમાં સમજાય ક્યાં કશું ?
ત્યારે તો રોમે રોમમાં ઉન્માદ હોય છે. (આદિલ મનસુરી )

છે અકળ બધી એની હિલચાલો બધી,
મન સમું છે કોણ બીજું મુત્સદ્દી ? (અશોકપુરી ગોસ્વામી )

દર્દ ઘૂંટાયું જિગરમાં એટલું,ઠેઠ લગ એ ઝેર થઇ વકરી ગયું,
મોત પણ મારી દશાને જોઇએ શોકમાં ડૂબી મને વિસરી ગયું. ( બાબુ દિલજલા )

યુગયુગથી પીએ સરિતા,સાગર તોયે પ્યાસો છે,
નહીંતર મેઘો ઉમટે ના કેકારવ છલકાયો છે. (દીપક બારડોલીકર )

છે સલામત સ્વપ્ન કોનું વિશ્વમાં ?
ક્યાં સિકંદરની કશી છાયા મળે ? ( ચંદુ મહેસાનવી )

લાખ સૃષ્ટિની સુરાહી છલકાયા કરે,
જીંદગી પીનારની તળિયા વિનાનું જામ છે. ( શૂન્ય પાલનપુરી )

છે હયાતી ચીજ એવી અજનબી,
ચીંથરામાં હોય જાણે કો’ નવાબ ! ( આહમદ મકરાણી )

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે. ( મનહર મોદી )

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઉઠે તો પાયમાં ગઝલ. ( યોસેફ મેકવાન )

લાગણીઓની સુલતાની પર રાજ કહો કોનું ચાલ્યું?
રચનારની એક કળી જીતી ગઇ ઝાંઝરના ઝણકારથી. ( ગોપાળ શાસ્ત્રી )

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય,
ટહૂકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે. ( સાહિલ )

છે કાળ તો કાલીય નાગ જેવો,
થતું ઝેર સૌ જે હવે એ અડે છે. ( ઉશનસ )

છું શાંત અને ગંભીર ભલે, શરમાળ છે મારાં તીર ભલે,
ઓ પૂનમ, ઘૂંઘટ જરા ખોલ, હું એ જ છલકતો સાગર છું. ( શેખાદમ આબુવાલા )

છોડી રહ્યો છું આજ હું આ બંધિયાર વિશ્વને,
કાયમના માટે કોણ રહે આ કારાવાસમાં ? ( ઘાયલ કુતિયાનવી )

મત્સ્ય ક્યાં જળવટું લઇને જશે ?
કાંઠે રેતીના પારાવાર ઉભા. ( ડો. રશીદ મીર )

ભલે ભપકા ભરેલો છું,છતાં અંગાર વેચું છું,
તને નીચો નમાવે એ બધો આભાર વેચું છું. ( મનહર મોદી )

છેક તળિયેથી ઉલેચાવું પડે,
શબ્દને સમજાવવો સહેલો નથી. ( નટવર વ્યાસ )

થઇ ગયો એક જ ચમત્કારે તું ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી. ( જિગર ટંકારવી )

ગુલાબી શીત પાલવને પ્રસારો તો ઘણું સારું,
ગરમ કિરણોને ગાળીને હજી હમણાં જ આવ્યો છું. ( ડો. એસ. એસ. રાહી )

છતાં મુજ પૂર્ણતામાં ‘શૈલ’ ઓછી થાય છે કૈં પણ
સનાતન શૂન્યમાં અસ્તિત્વ મારું નિત્ય ખોઉં છું. ( શૈલ પાલનપુરી )

છણા થાપું,નાણા થાપું,થાપું આંખે અંધારાં,
તોય તને ક્યાં પામું ?ભૂંડા આયખાને ડંગોળી લૌ. ( પ્રો.સુમન અજમેરી )

લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે. ( ડો.ઉષા ઉપાધ્યાય )

છો હોય તે દૂર ગગન પર,ને હોય સર્વવ્યાપી,
અદભૂત સ્પર્શવાનું સૂરજ સમું તમારું. ( સંધ્યા ભટ્ટ )

રાત-દિ ઝૂલે વસંતી લ્હેર મધુવનમાં ભલે,
મ્હેંક મબલખ માણવાને શ્વાસ જેવું જોઇએ. ( સુશીલ પાલનપુરી )

એ જ તું ને એ જ હું,એ જ ઓશીકે આજ તો સૂતાં ફેરવી મોંઢાં
તણખા ઝરે,બરડા અડે,અણજાણે ટકરાય દો લોઢાં. ( જગદીશ વ્યાસ )

ઢબૂક્યાં ઢોલ ચોરે અમે ગુલમ્હોર પીધો.
ખુશીથી ખોબે ખોબે અમે ગુલમ્હોરે પીધો. ( દીપક બારડોલીકર )

No comments:

Post a Comment