Saturday, July 3, 2010

ધરતીની તરસ બુઝાઈ ગઈ...

છેવટે જે વરસાદની આપણે કેટલાંય દિવસોથી રાહ જોતા’તા એ વર્ષારાણી આખરે પોતાની દયા વરસાવતા આવી પહોંચ્યાં. છેલ્લા બે-અઢી કલાકથી વરસાદે જાણે રમઝટ બોલાવી હોય એવું લાગે છે.


જે ધરતી છેલ્લા કેટલાયે સમયથી સુર્યની અગનજવાળાઓથી દાઝતી હતી...પોતાની એ સ્થિતિથી કંટાળી ગઈ હતી... એ ધરતીને આજે આખરે ઠંડા પાણીના ફોરાઓ સ્પર્શ્યા..,જાણે એની વર્ષોની તપસ્યાનું ફળ મળ્યું હોય...એમ ધરતી પણ ખુશ ખુશ થઇ ગઈ... પોતાની એ ખુશી જાણે ભીની માટીની સુગંધરૂપે પ્રદર્શિત કરી રહી ના હોય!

ઉનાળાના તાપથી તપેલી માટી અને ઠંડા પાણીનાં ટીપાંનું મિલન થાય ત્યારે માટીની તપીશ વરાળ સ્વરૂપે ઉડી જાય...પણ પાણી એ તાપીશને ઉડવા દેતું નથી...એને પોતાનામાં સમાવી લે છે...અને એમાંથી સર્જાય છે એ ખુશ્બુ...જેનાથી બધા પશુ-પંખીઓ અને મનુષ્યો આહલાદકતા અનુભવે છે...

પાણીનાં ફોરાનો એ ટ્પ ટ્પ અવાજ...સરસ મજાની વહેતી ઠંડી હવા...ગરમીને કારણે ઉકળી ઉઠેલા અને આંધીથી ગંદા થયેલાં ઝાડ પલળીને ચોખ્ખાં થઈ ગયાં...પંખીઓ પોતાનાં માળાઓમાં ભરાઈ ગયાં...કોયલનો ટહુકાર શરૂ થઇ ગયો....પશુઓ ઝાડ નીચે એકઠાં થઈ ગયાં...

બધું શાંત થઇ ગયું... માત્ર અને માત્ર સંભળાય છે તો ... વરસાદનો અવાજ... એને બસ સાંભળી રે’વાનું જ મન થાય... એમ થાય કે આખી રાત બસ ધોધમાર વરસાદ પડતો રહે... અને એને જોતા રહીએ...

વાતાવરણમાં જાણે એક અનોખી મસ્તી છવાઈ ગઈ છે...રોડ પરથી વહેતું પાણી...જેને જોઈને ઘર આંગણે જાણે કોઈ નદીનું ઝરણું આવ્યું હોય એવું લાગે...એમાં છ્બછ્બીયાં કરવાનું મન થાય...ઠંડી હવાને શ્વાસમાં ભરી લેવાનું મન થાય...બધું ભૂલીને બસ...આ મૌસમ માણવાનું મન થાય...

શહેરનાં રસ્તાઓ એક દમ ચોખ્ખાં થઇ ગયાં હોય... અને જ્યારે એની પરથી કોઈ વાહન પસાર થાય ત્યારે પાણીની બુંદો હવામાં ઉછાળા મારે...ત્યારે એને અનુભવવાની પણ એક મઝા છે... ઘણા લોકો પોતાનાં બાઇક પર ઠંડા પવનની મઝા માણવા નીકળી પડ્યાં છે...

તો મિત્રો, આવો આપણે પણ એ ભીનાશને આવકારીએ?થોડા ભીંજાઈને ગરમ ગરમ ચા પીએ...?

No comments:

Post a Comment