Thursday, July 22, 2010

મજાના મુક્તકો

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ
____________________________________

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન
____________________________________

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર ‘મેહુલ’

——————————————

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

No comments:

Post a Comment