Thursday, July 22, 2010

એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું...

નાનાં હતા, ત્યારે માં-બાપ કે દાદા-દાદીને મોઢે આ વાર્તા તો અચૂક સાંભળી જ હશે. એ વખતે તો ઉમર નહોતી સમજવાની, પણ હવે જયારે દુનિયાદારીની સમજ આવી ત્યારે ખબર પડી કે કદાચ એ સાચું જ હશે. કારણકે અત્યારે જે પણ કાઈ થઇ રહ્યું છે અને જે પરિસ્થિતિ છે તેનું કારણ છેલ્લે તો પેટ જ છે ને?

એક વાર થયું એવું કે પૃથ્વીનું નિર્માણ થઇ ચુક્યા પછી, પૃથ્વી પર બધાં મનુષ્યો એક વાર વાતવિચાર કરી રહ્યાં હતા. એમાંથી પ્રશ્ન એ ઉદભવ્યો કે,

"ભગવાને આપણને અહી મોકલી તો દીધા, પણ એ તો બતાવ્યું નથી કે આપની દિનચર્યા અને જીવનની રીત શું?"

છેવટે બધાએ વિચાર્યું કે શિવના નંદીને પૂછી જોઈએ.એ રોજ ભગવાન જોડે જાય છે અને સેવામાં રહે છે, તો એને ખબર હશે. નંદીને પણ દ્વિધા થઇ. તો મનુષ્યોએ તેને શિવ-પાર્વતી પાસે વાતનું નિરાકરણ કરવા મોકલ્યો.નંદીએ કૈલાસ પર આવીને ભગવાન સમક્ષ આખી વાત વર્ણવી.

શિવે કહ્યું,

"સાદુ અને નિર્મળ જીવન જીવીને જ મનુષ્ય મોક્ષ પામી શકે છે. અને તો જ મોહથી મુક્ત રહી શકશે. માટે જે કઈ કરે, તે માત્ર જરૂર પૂરતું જ! તેણે એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું જોઈએ. ને તો જ તે ધ્યાન અને આધ્યાત્મ પાછળ વધુ સમય આપી શકશે."

નંદી ત્યાંથી નીકળ્યો પણ તેને યાદ રહેતું નહોતું. તે આખી વાતનું રટણ કરતો કરતો આવી રહ્યો હતો. ગોખતા ગોખતા તેની જીભ લપસી ગઈ અને અર્થનો અનર્થ થઇ ગયો. “એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું જોઈએ” નાં બદલે તેને “ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું જોઈએ” યાદ રહી ગયું. પાછો પૃથ્વી પર આવીને તેને બધાં મનુષ્યોને આ વાત જણાવી. કેટલાકને નવાઈ લાગી, પણ ભગવાનનો આદેશ સમજીને વાત માની લીધી.

અને આજે આખી દુનિયાના બધાં મનુષ્યો એનું ફળ ભોગવી રહ્યાં છે. એટલે જ મોંઘવારી, ગુનાખોરી, ભૂખમરો જેવા દાનવો આપણને પીડી રહ્યાં છે. અને સાથે સાથે નંદીના વંશજો પણ એ ભૂલનું પરિણામ ભોગવીને બળદના રૂપે મનુષ્યની ભૂખ સંતોષવા મહેનત કરીને પોતાની જિંદગી ગુજારી રહ્યાં છે...

No comments:

Post a Comment