Sunday, July 25, 2010

પાપ-પુણ્ય – ભક્તિ એ ખાંડાની ધાર...

ડાયરાનાં મોઢે સાંભળેલી આ વાત, સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે મારા દોસ્તો...

કે એક માણસ હતો, ખૂબ તાકાતવાળો મર્દ મૂછાળો..તલવારની ધારનો ઉપયોગ કરતા પાછો નો પડે કદી. ચોરી લૂંટફાટ કે પોતાની આન-આબરૂ કે પછી મોભા માટે થઈને કોઈ કારણસર તેનાથી નવાણું ખૂન થઇ ગયા. ત્યાં સુધી તેને ભાન નો’તું કે શું બની ર’યું છે..

અચાનક તેને થયું કે આટઆટલાં પાપ શા માટે કર્યાં? એવું તે શું કારણ કે મારે આટલી બધી હત્યાઓ કરવી પડી? તેને પોતાની જાત પ્રત્યે ધૃણા પેદા થઇ ગઈ અને તે સત્યની ખોજમાં, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી પડ્યો. 

તેની તલવાર હવે મ્યાન થઇ ચુકી હતી. તેના મોઢા પર કોઈ ભાવ નો’તા. તેને ભૂખ-તરસનું ભાન નો’તું.મનમાં હતું તો બસ એક જ ધ્યાન, કે બસ હવે બહુ થયું. બસ તેના પગ હાલી રહ્યાં હતા, એ આશાએ કે કોઈ મળશે એને જે સત્યનો માર્ગ બતાવશે અને તેને જીવનના મૂળ હેતુથી પરિચિત કરાવશે.

હાલતો હાલતો એક દરગાહ આગળ પહોંચ્યો. ત્યાં એક ફકીર બેઠો હતો અને ખુદાની બંદગી કરી રહ્યો હતો. ફકીરના મોઢા પર બસ એક જ ભાવ હતો, દયાનો...! એનું સઘળું યે ધ્યાન બસ અલ્લાહ-ખુદા-ઉપરવાળાની સામે જ હતું. એની ભક્તિમાં એ લીન હતો. એના મેલાં કપડાં, વધેલી અને ગંદી દાઢી અને ચીંથરા જેવા વાળ.. પણ એને ક્યાં કોઈની પડી હતી! એ તો બસ પોતાના ભગવાનમાં મગ્ન હતો.

ફકીરે એને જોયો, અને એના ભાવહીન ચેહરાને જોઈને એની માનસિક સ્થિતિનો તાગ એને આવી ગયો. 

ફકીરને એણે પૂછ્યું કે,”મારાથી નવાણું ખૂન થઇ ગયાં છે અને હું એને ધોવા ચાહું છું. એનું પ્રાયશ્ચિત કરીને કબૂલ કરવા માંગુ છું.” 

ફકીરે એને કહ્યું,”અહી રોકાઈ જા, સેવા-બંદગી કર. સાફસૂફી કરજે અને નજીકમાંથી જરૂર પૂરતી ભિક્ષા માંગી લાવજે. એમાંથી આપણે બંને નિર્વાહ કરી લેશું.તારા પાપ ધોવાની જવાબદારી મારી.ઉપરવાળો બધાની સાંભળે છે. એ તો સૌથી મોટો યે છે અને સૌથી નાનો યે. એ તો બસ તમારી પરીક્ષા લીધે રાખે. હું કહું એમ કરતો જા, એક દી બધું હારું થઇ જાશે!”

રોજ સવારે એ માણસ ઉઠે અને સૌથી પહેલા ફકીરને એક જ સવાલ પૂછે રાખે, “મારા નવાણું પાપ ધોવાઈ ગયાં?” રોજ ફકીર એને જવાબ દે,” બેટા હજુ વાર છે,બધું સારું થઇ જાશે”. આ જ ક્રમ નિત્ય ચાલતો રહે. ના તે થાકે અને ના એના એ જ પ્રશ્નનો જવાબ આપતા ફકીર! આવું તો વર્ષો સુધી ચાલ્યું.

એક દિવસ ફકીરને એને એ જ સવાલ પૂછ્યો, ત્યારે ફકીરે એને કહ્યું,
“બેટા, હવે તું તારે ગામ જા. તે મારી બહુ સેવા કરી છે. પણ એક કામ કરજે. તારે ગામ જઈને આ વડની ડાળી એવી જગ્યાએ વાવજે જ્યાં લોકોની અવરજવર બહુ જ ઓછી હોય.”

એણે પૂછ્યું,”મારા બાપલીયા, એવી તો કઈ જગા હોય? ગામમાં તો એવી જગા ગોતવી અઘરી છે.”

ફકીરે કહ્યું,”કોઈ જગા ના મળે તો એણે સ્મશાનમાં વાવી દેજે.”

એણે કહ્યું,”સ્મશાન? એ તો અપવિત્ર ના કહેવાય? એવી જગાએ આ વૃક્ષ વાવીને શું ફાયદો?”

ફકીરે કહ્યું,”બેટા, એ તો સૌથી પવિત્ર જગા છે. સ્મશાનમાં અવરજવર પણ ઓછી હોય. અને ત્યાં કદી માણસને ખરાબ વિચારો ના આવે.ત્યાં એનું મન હમેશાં પવિત્ર જ હોય.ત્યાં જ નાના મોટાનો ભેદ નથી અને ત્યાં જ એનું અંતિમધામ. ત્યાં જઈને જ માણસ સત્યને પામે છે અને ખુદાને જાણે છે.માટે તું આ વૃક્ષને સ્મશાનમાં જ વાવજે. અને રોજ રાત્રે બાર વાગે તું ઘડો ભરીને પાણી પીવડાવવા જાજે.”

એણે ફકીરની વાતને માથે ચડાવી અને પોતાને ગામ ભણી ચાલ્યો. ત્યાં આવીને એણે નિત્યક્રમ શરૂ કરી દીધો.રોજ રાત પડે અને એ પાણીનો ઘડો ભરીને પોતાની જોટાણી તલવારને કે’ડે ટાંગી સ્મશાન તરફ પગ માંડે. તેને કોઈની બી’ક નો’તી. સ્મશાનમાં અડધી રાતે જતાં ભલભલાના હાંજા ઘઘડી જાય. પણ આ તો એવો મર્દ કે જો ત્રાડ નાંખે તો સામેવાળાના છાતીના પાટીયા બેહી જાય.અને તલવાર ચલાવવામાં તો એવો પાવરધો કે એકલે હાથે બધાનો ઘાણ વાળી દે.એનાં મનમાં બસ એક ભગવાનનું નામ અને ફકીરની વાત, કે રોજ આ ક્રમ ચાલુ રાખવાનો અને ભગવાનનું ધ્યાન ધરવાનું.

એક દી થયું એવું, કે ગામમાં એક નાની સોળ-સત્તર વર્ષની દીકરીનું અવસાન થયું.નાની ઉમર, ગામમાં શોક ફેલાયો. એ દીકરીને એ જ સ્મશાનમાં દફનાવી.ગામમાં એક પાપી નરાધમ માણસ રહે, એની નજર આ દીકરી પર હતી. અરે એનાં પાપની હદ તો એ કે’વાય, કે મૃત્યુ બાદ પણ એનો બદ-ઈરાદો એ જ રહ્યો. એક દિવસ એણે રાત્રે સ્મશાનમાં જઈ એ નાની બાળાની લાશ બહાર કાઢવાનું નક્કી કર્યું. અને એવા ઈરાદાથી એ સ્મશાનમાં આવી કબર ખોદવા લાગ્યો. એણે ઉપરવાળાનો યે ડર નો’તો કે નો’તી એનાંમાં કોઈ દયા!

અને ઉપરવાળાનું કરવું, કે એ જ સમયે પેલો ભગત પાણીનો ઘડો ભરીને પોતાના રોજીંદા નિયમ મુજબ વડને પાણી પીવડાવવા આવી રહ્યો હતો. લાંબી વધેલી દાઢી અને શાંત એવી આંખો. મો માં રામનામ અને અંતરમાં ખુદાનું ધામ જાણે એને દુનિયાનું કોઈ ભાન, કોઈ ચિંતા નો’તી.

પણ અચાનક, તેણે એ દ્રશ્ય જોયું. તે ઓળખી ગયો કે આ પાપીને પોતાનો આવો ઈરાદો પૂરો કરવામાં એટલી પણ શરમ નહિ આવે કે એક લાશનો મલાજો રાખશે. એનાં દિલ-દિમાગમાં ખુમારી આવી ગઈ, એને સઘળી ઘટના જોતાં પોતાનું બધું ભાન ભૂલી અને નિર્ણય કરી લીધો કે આ નહિ થવા દઉં. પછી ભલે જે થવું હોય તે થાય.

એણે પોતાની મ્યાન કરેલી તલવાર બા’ર કાઢી અને ઉપરવાળાને ત્રાડ નાખીને કહ્યું,”કે હે બાપા, હે ધરતીના સ્વામી, ભલે મારા નવાણું પાપ ધોવાય કે નો ધોવાય. તારાથી જે થાય એ કરી લેજે પણ આજે હું તલવાર ઉપાડ્યા સિવાય રહું તો મારી મર્દાનગી લાજે, મારો ધર્મ લાજે.”

એક જ તલવારનો ઘા... અને પેલા પાપીના બે કટકા કરી નાખ્યા. તેના મનમાં એ વાતનો જરાયે અફસોસ નો થયો. ઉપરથી એણે ખુશી થઇ કે એનાં હાથે એની નજર સામે એક પાપ થતું અટક્યું.

તરત જ બધું ભૂલીને ઘડો ઉપાડી એ વડને પાણી પાવા ગયો. ફકીરે કહ્યું હતું કે વડને ત્યાં લગી પાણી પાજે જ્યાં લગી એણે વેઢા-વેઢાની કુંપળો ના ફૂટે. અને એક અચરજ...જ્યાં કાલે નાની નાની પાંદડીઓ માંડ-માંડ દેખાતી હતી, ત્યાં આજે હાથ- હાથ જેટલા પાન ફૂટી નીકળેલા! 

એનાં સઘળાં યે પાપ ધોવાઈ ગયાં એક માત્ર સારા કર્મથી.. એક માત્ર મનના સારા વિચારથી...એનાં પ્રાયશ્ચિતથી... એણે વર્ષો સુધી કરેલી સેવા અને પશ્ચાતાપના આંસુઓથી...

ભક્તિ પણ મર્દનું જ કામ છે. એમ જ ભક્તિને ખાંડાની ધાર નથી કહી. કોઈ શૂરવીર જ ભક્તિ મક્કમતાથી કરી શકે. ઢીલા પોચા લોકોનું એ કામ નથી. એની માટે તલવાર ઉપાડવાની પણ તાકાત જોઈએ. એક હાથમાં તલવાર અને બીજામાં માળા રાખી શકે એ જ ખરો ભગત. નિર્બળ તો બીજાને વધ થઇ જાય અને પછી એની ભક્તિનો કોઈ સાર નથી રહેતો. શૂરવીર ભક્તિની સાથે પાપને પણ કાબુમાં રાખી શકે છે...અને ધર્મની રક્ષા કાજે શસ્ત્ર ઉપાડવાની પ્રેરણા દરેક સંસ્કૃતિમાં આપવામાં આવી છે. જે ભક્ત ધર્મની રક્ષા ન કરી શકે એની ભક્તિ નિરર્થક છે...

માટે જ તો રાવણને પણ રામે કહ્યું હતું કે,” હે રાવણ, ભલે તે મારી સામે તલવાર ઉપાડી..મને સામી છાતીએ ઘા કર્યો... પણ હું તને પ્રણામ કરું છું... તારી ભક્તિની કીમત અમૂલ્ય છે... માળા લઈને મારું નામ રટનારા તો ઘણા પડ્યા છે.. પણ તારા જેવા શૂરવીર બહુ ઓછા છે...

1 comment: