Showing posts with label બાળકાવ્ય. Show all posts
Showing posts with label બાળકાવ્ય. Show all posts

Sunday, January 11, 2009

મોજમાં રે'વું રે...

મોજમાં રે'વું, મોજમાં રે'વું, મોજમાં રે'વું રે...
અગમ અગોચર અલખધણીની ખોજમાં રે'વું રે...

કાળમીંઢ પાણાના કાળજા વીંધી કૂંપળો કૂટે રે...
આભ ધરા બીચ રમત્યું હાલે એનો ખેલ ન ખૂટે રે...
લે'ર આવે લખલાખ રત્નાકર લૂંટતા રે'વું રે...

કાળ કરે કામ કાળનું રે, એમાં કોઇનું ન હાલે રે...
મરવું ઈ તો મરજીવા જાણે રમતા તાલે રે...
અંત આદિ નવ જાણવા તારે તો તરતાં રે'વું રે...

સંસાર ખોટો કે સ્વપ્નું ખોટું એમાં સૂઝ પડે નઈ રે...
યુગ વિત્યા અને યુગની પણ સદીઓ વહી ગઈ રે...
મર્મી પણ મર્મ ન જાણે કૌતુક કેવું રે...

લાય લાગે તો'યે બળે નઈ એવાં કાળજા કીધાં રે...
વીરડો મીઠો ને દરિયો ખારો એવાં દાખલાં દીધાં રે...
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે...

ગોતવા જાય તો'યે મળે નહી ગોત્યો ગહન ગોવિંદો રે...
હરિભક્તોને હાથવગો છે પ્રેમ પરખંદો રે...
એવા દેવને દીવો કે ધૂપ શું દેવા દીલ દઈ દેવું રે...

રામકૃપા એને રોજ દીવાળી રંગના ટાણા રે...
કામ કરે એની કોઠીએ કોઇ 'દી ખૂટે નહિ દાણા રે...
કદી'યે આળસુ થઈને નવ આયખું ખોવું રે...

મોજમાં રે'વું, મોજમાં રે'વું, મોજમાં રે'વું રે...

Tuesday, July 29, 2008

મારે ફરી એકવાર શાળાએ જવું છે...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

Saturday, July 19, 2008

વાર્તા - છોકરો,ચણો અને કીડી...

આ વાર્તા દરેકને ખ્યાલ હશે જ.દરેકે પોતાના બાળપણમાં આ વાર્તા તો સાંભળી જ હશે.

એક છોકરો હતો. તે ચણા ખાતો ખાતો ચાલ્યો જતો હતો. તે જંગલમાં પહોંચ્યો અને ઝાડના થડ પર બેસીને ચણા ખાવા લાગ્યો તેના હાથમાંથી એક ચણો ઝાડની તીરાડમાં ભરાઈ ગયો. છોકરો થડ પાસે ચણો માંગવા લાગ્યો.

છોકરો- લાકડા લાકડા ચણો આપ,લાકડું કહે નહિ આપું. છોકરો સુથાર પાસે ગયો.

છોકરો- સુથાર સુથાર લાકડું કાપ,સુથાર કહે નહિ કાપું.છોકરો રાજા પાસે ગયો.

છોકરો- રાજા રાજા સુથારને દંડ કરો,રાજા કહે નહિ કરું.છોકરો રાણી પાસે ગયો.

છોકરો- રાણી રાણી રાજાથી રીસા,રાણી કહે નહિ રીસાઊં.છોકરો ઊંદર પાસે ગયો.

છોકરો- ઊંદર ઊંદર રાણીનાં કપડાં કાપ,ઊંદર કહે નહિ કાપું.છોકરો બિલ્લી પાસે ગયો.

છોકરો- બિલ્લી બિલ્લી ઊંદરને માર,બિલ્લી કહે નહિ મારું.છોકરો કૂતરા પાસે ગયો.

છોકરો- કૂતરા કૂતરા તું બિલ્લીને માર,કૂતરો કહે નહિ મારું.છોકરો ધોકા પાસે ગયો.

છોકરો- ધોકા ધોકા તું કૂતરાન માર,ધોકો કહે નહિ મારું.છોકરો અગ્નિ પાસે ગયો.

છોકરો- અગ્નિ અગ્નિ તું ધોકાને બાળ,ાગ્નિ કહે નહિ બાળું.છોકરો દરિયા પાસે ગયો.

છોકરો- દરિયા દરિયા તું અગ્નિને હોલવ, દરિયો કહે નહિ હોલવું.છોકરો હાથી પાસે ગયો.

છોકરો- હાથી હાથી તું દરિયો ડહોળ, દરિયો કહે નહિ ડહોળું.

છોકરો રડવા લાગ્યો. કોઇ મને મદદ નથી કરતું.ત્યાં એક કીડી આવી ને તેને પુછવા લાગી.છોકરાની વાત સાંભળીને કીડી કહે હું તને મદદ કરીશ.છોકરો કહે આટલાં મોટાં લોકોએ મારી મદદ ના કરી ને તું નાનકડી કીડી મને કઈ રીતે મદદ કરીશ? કીડી કહે દેખ મારી કમાલ!

કીડી ચાલતાં ચાલતાં હાથીના કાનમાં પેસી ગઈ.

હાથી- મારા કાનમાં કોઇ પેસશો નહિ, હું દરિયાને ડહોળું છું.

દરિયો- મને કોઇ ડહોળશો નહિ, હું અગ્નિને હોલવું છું.

અગ્નિ- મને કોઇ હોલવશો નહિ, હું ધોકો બાળું છું.

ધોકો- મને કોઇ બાળશો નહિ, હું કૂતરાને મારું છું.

કૂતરો- મને કોઇ મારશો નહિ, હું બિલ્લીને મારું છું.

બિલ્લી- મને કોઇ મારશો નહિ, હું ઊંદરને મારું છું.

ઊંદર- મને કોઇ મારશો નહિ, હું રાણીનાં કપડાં કાપું છું.

રાણી- મારાં કપડાં કોઇ કાપશો નહિ, હું રાજાથી રીસાઊં છું.

રાજા- મારાથી કોઇ રીસાશો નહિ, હું સુથારને દંડ કરું છું.

સુથાર- મને કોઇ દંડ કરશો નહિ, હું થડને કાપું છું.

થડ - મને કોઇ કાપશો નહિ, હું ચણો આપું છું.

છોકરાને એનો ચણો મળી ગયો ને છોકરો ચાલતો થયો.

મોટા માણસોથી જે ના થાય તે કામ નાનો માણસ પણ કરી શકે છે.દરેક વસ્તુમાં કંઈક કરવાન તાકાત હોય છે.દરેકનું કંઈક મૂલ્ય હોય છે.

Tuesday, July 1, 2008

વરસાદની મોસમના બાળજોડકણાં...

રવિશભાઇ ના બાળગીતો તો વાંચ્યા આપણે.પણ આજે આ ચોમાસાના પહેલા વરસાદમાં પલળતાં મને સરસ મજાનાં બાળજોડકણાં યાદ આવ્યાં છે.


"આવ રે વરસાદ,ઢેબરીયો પરસાદ...ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!"

"વાદળી વાદળી વરસ વરસ,અમને લાગી તરસ તરસ!"


વિસરાઇ ગયેલા બાળગીતો

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળીમોળી
મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકોદહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

Monday, May 12, 2008

સિંહની પરોણાગત...

આ જુનુ બાળકાવ્ય આજે અચાનક જ યાદ આવી ગયું જેમાં રીંછ અને સીંહની વાત કરી છે.
એમાં ભુલ હોય તો ટકોર કરજો...


રીંછ એક્લુ ફરવા ચાલ્યું, હાથમા લીધી સોટી,

સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યુ મીઠા વેણ,
મરે ઘેર પધારો રાણા રાખો મારુ કહેણ.

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું,
નોંતરું દેવા આવ્યો તમને આજે મુખડું દીઠું.

રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ.

ઘર આ મારુ તમે જમો સુખેથી મધની લૂમે લૂમ,
ખાવાં જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ.

મધપૂડાનુ વન હતુ એ નહી માખોનો પાર,
બટકું પુડો ખાવાં જાતાં વળગી ભારો ભાર.

આંખે,મોઢે,જીભે,હોઠે ડંખ ઘણેરા લાગ્યા,
ભાગો બાપરે કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એક્લુ ફરવા ચાલ્યું, હાથમા લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા તો આફત ટાળી મોટી.