Showing posts with label ફીલસુફી. Show all posts
Showing posts with label ફીલસુફી. Show all posts

Thursday, October 24, 2013

કઈક નવું જોઈએ છે, એટલે જ જે છે એ નથી દેખાતું...


તમે:    અરે યાર, પેલુ નવું બાઈક લેવું છે 
દોસ્ત: કેમ, શું થયું? આ પ્રોબ્લેમ આપે છે? બરોબર તો લાગે છે...
તમે:   અરે ના યાર, પ્રોબ્લેમ તો કઈ નથી. બસ, લઇ લેવું છે. કઈક નવું હોય તો મજા આવે ને, આમાં કંટાળો આવે છે.

આ વાતચીત બહુ કોમન છે. એટલે વાત એ છે કે, આપણે કોઈ પણ નવી વસ્તુને પામવા માટે આતુર હોઈએ છીએ. પછી એ ઘર હોય, વાહન હોય, કે કોઈ પણ એવી વસ્તુ જેની તરફ આપનું મન લલચાય છે. એ કઈ પણ હોઈ શકે છે, પણ આપણને ભ્રમમાં નાખી જ દે છે.

ઘર છે, પણ થોડુક માપનું છે. એટલે નવું લેવું છે, પણ નવું ઘર મોટું લેવાનું ને? હા, એટલે મોટા ઘર માટે મોટી જમીન-પ્લોટ જોઇશે? એટલે એ મોટા પ્લોટ માટે પોતા બધા પૈસા જોઇશે. મોટા પૈસા તો છે જ નહિ હાલ, જો હોત તો અત્યારે જ ઘર મોટું હોત. એટલે એ મોટા ઘર માટે, મોટા પૈસા કમાવા માટે, હાલ કાર્યરત બધી જ વ્યવસ્થા અને બધા કામને નજરઅંદાજ કરીને તમે કઈક એવું કરવા પ્રયત્ન કરશો જેથી તમારી આ ઈચ્છા પૂરી થાય. એ પ્રયત્નમાં  એટલા બધા રત થઇ જઈએ કે એમાં હાલની પરિસ્થિતિ અને વ્યવસ્થાનું કોઈ મૂલ્ય નથી રહેતું. એ વખતે તમને એના સિવાય કાઈ દેખાશે જ નહિ, અને કોઈ તમને કાઈ સારું પણ કહેશે તો તમને એ ભૂંડું અને ખોટું લાગશે, તમે એ વાત માનશો જ નહિ. એનાથી પણ મોટી વાત, કે એ પ્રયત્નોમાં વપરાતી ઉર્જા અને સમય તમારા મનમાં હાલના ઘર માટે ઉપેક્ષિત લાગણી ઉભી કરે તેવું પણ બને. એટલે ઇન શોર્ટ, તમે હાલના ઘરને બદલવાની એ મૂંઝવણ સતત અનુભવશો જે તમારી કાર્યદક્ષતા અને માનસિક સ્થિતિ પર અસર કરશે.

આ તો એક ઉદાહરણ માત્ર છે, પણ જરાક વિચારો કે આવું કોઈક વાર તો બનતું જ હશે ને? આપણે નવી સ્થિતિ માટે હાલની સ્થિતિની પરવા નથી કરી શકતા અને એટલે જ "વર્તમાન" ને ignore કરીએ છીએ. એ મોટા પૈસા માટે સારી નોકરી કે સારું મોટું કામ કરવું પડશે એમ વિચારીને એની માટે આપણે પોતાના હાલના કામને ઉપેક્ષિત કરે છીએ અને સંતોષ નથી અનુભવતા. પણ આગળ સારું કામ મળશે જ એની શું ખાતરી? અચ્છા, સારું છે એવું તમને અત્યારે લાગે છે પણ એ સારું એટલે લાગે છે કે હમણાં એ તમારી પાસે નથી. અત્યારે જે કામ છે તે તમે સારી રીતે કરશો એટલે એ તમને સારું જ લાગશે। ધારો કે તમને નવું મોટું કામ મળી પણ ગયું, પણ તમારા સ્વભાવ/પ્રકૃતિ પ્રમાણે તમને એ ક્યાં સુધી સારું લાગશે અથવા એની આવક ચાલશે? વળી પાછુ એ જ ભૂત ધૂણશે, કે હજુ મોટું કામ કરીએ।છે એનો કોઈ અંત? અને કાયમ જ આવક ધ્યાનમાં રાખીને કામ કરતા લોકો કદી પણ સારી રીતે જવાબદારી નિભાવી શકતા નથી, અને એ જરૂરી નિષ્ઠા જ જાળવી શકતા નથી. જેથી લોકો પણ તેમનાથી અંતર રાખતા થઇ જાય છે.

સારાની વ્યાખ્યા શું છે? એમ તો દુનિયામાં દરેક બે વસ્તુ વચ્ચે સરખામણી કરો તો ફર્ક ચોક્કસ દેખાશે। પણ એનો મતલબ એવો તો નથી જ કે તમારી પાસેની વસ્તુ બિનઉપયોગી કે ખરાબ છે। અરે યાર, કામ એટલે કામ. સારું કે ખરાબ એવું હોય જ નહિ. અને સારું કે ખરાબ એ સમય પ્રમાણે બદલાતું હોય. કંટાળાજનક કામથી ભાગીને એવું કામ શોધવા પ્રયત્ન કરો, કે જેમાં કદી કંટાળો આવે જ નહિ. એવી વસ્તુ મેળવી શકાય જે કાયમ માટે તમને સારી જ લાગશે? વિચારો, કે છે એ શક્ય? 

દુનિયાની આ ઝાકમઝાળમાં રોજે રોજ નવા ધ્યાનભંગ કરનારા સાધનો જોવા મળશે, અને નવા-નવા આવતા રહેશે. આપણે આપણી જરૂરીયાતની વાત કરવી સારી, પોતાની જાતને પૂછવું કે શું ખરેખર આ વસ્તુ જરૂરી છે? અત્યારે જે ઘર/વાહન/નોકરી/કામ  છે તેમાં કોઈ વિચિત્ર સમસ્યા છે? જો સમસ્યા હોય તો તેને દૂર કરવા પ્રયત્ન કરો અથવા બદલી નાખો।પરંતુ કોઈ જાતની સમસ્યા વગર એને બદલવાનું વિચારીને શું કામ અશાંત બનવું? હા, કામમાં એવું હોઈ શકે કે પોતાની ઉર્ધ્વગતી (Self Development  યુ નો!) કરવા તમે પરિવર્તન લાવો તે જરૂરી છે, પણ તેમાં ફક્ત આવક કે ધન કારણભૂત ન જ હોવું જોઈએ. કારણકે તે તમને ખોટી દિશામાં જ લઇ જશે. ભલે લોકો તમને મેનેજમેન્ટના નામે ગમે તે પાઠ ભણાવે, પણ એ શાંતિ ડહોળી નાખશે.  

અહી minimalist (જે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લે તે) ની વાત નથી, વાત છે ફક્ત બિનજરૂરી દોડાદોડ અને અશાંતિ દૂર કરવાની। એની માટે પોતાના મનને કાબૂમાં રાખવું પડશે।એટલે જ્યારે મન એવી વસ્તુઓ તરફ ફોકટમાં આકર્ષિત નહિ હોય, તો આપોઆપ જ શાંત અને કાબુમાં રહેશે જેનાથી કાર્યદક્ષતા અને શાંતિ જળવાશે।એટલી તમારી ઉર્જા અને સમય પણ ઓછો વેડફાશે, અને કામની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. કોઈ પણ કાર્ય મનથી ધ્યાનપૂર્વક કરશું, તો તેમાં સફળતા પણ અવશ્ય મળશે।તમે તમારી જાત માટે અને વર્તમાન સ્થિતિ સાથે નિયમન જાળવી શકશો, જેનાથી વ્યવસ્થા જળવાશે અને વ્યર્થ સમસ્યાઓ ઉભી નહિ થાય. ભવિષ્યનો વિચાર ભલે કરો અને તેની માટે વ્યવસ્થા પણ ભલે કરો, પણ એને જ ધ્યાનમાં રાખીને બેસી રહીએ એ નહિ પાલવે!

Friday, October 18, 2013

ભાઈબંધી ભાન ભુલાવે, બાળપણની યાદ અપાવે

હમણા જ ક્યાંક વાંચ્યું હતું કે,

"મિત્રો મળે એટલે જુવાની ખીલી ઉઠે, બાળપણું જાગી ઉઠે અને જિંદગી જીવી ઉઠે..."

વાત તો સાચી છે! આપણે બધા અનુભવીએ છીએ, સમજીએ છીએ છતાં પણ રોજીંદી ભાગદોડમાં દોસ્તી અને દોસ્તો બાજુમાં રહી જાય છે...( બાજુમાં  રહે ત્યાં સુધી ઠીક છે પણ પાછળ  જાય એ જોજો ...)

નોકરી, બૈરી અને બાલબચ્ચા, (છોકરી ન કહેવાય અને 'પત્ની' થોડું સીધું લાગશે, એટલે આ તળપદા શબ્દપ્રયોગ કર્યો છે. કેટલાક લોકો એને outdated ગણે છે, પણ ભાઈ એમ કઈ થોડું outdated  થાય તમારા કીધે?), એ ત્રણમાંથી માણસ નામનું પ્રાણી નવરું પડે તો  બીજું કઈ  વિચારે ને ?

બધા લોકો એમ નસીબદાર નથી હોતા કે જેના મિત્રો  આસપાસ જ છે. એવા કેટલાયે મિત્રો છે જે પોતાના ઘર/વતનથી દૂર રહે છે, જે પોતાની નોકરી/ધંધા માટે બહાર ફરતા રહે છે અને મિત્રો સાથે સમય પસાર નથી કરી શકતા . આનું 'જ્ઞાન' ત્યારે થયું જ્યારે એક એવા મિત્રને મળવાનું થયું જેણે પોતાની વ્યથા કહી, કે ભાઈ એકલા એકલા કામ કરે જઈએ છે અને પાછા અવાતું નથી!

દોસ્તારો મળે એટલે નાં તો સમયનું ભાન રહે, ન કામનું . એમાં પણ જ્યારે "જુના જોગી" ભેગા થાય એટલે વાતોના વડા, હાસ્યની છોળો અને પ્રેમની લ્હાણી થાય . હમણાં બે દિવસથી એવો જોગાનુજોગ થાય છે કે રોજે ખાસ મિત્રોને મળવાનું થાય છે, અને પછી ચ્હા-નાસ્તા -પાણી -વાળું બધામાં મજા આવી જાય .

કૈક કૈક સમયની વાતો નીકળે, જૂની યાદો તાજી કરે, ગામ આખાની વાતો કરે અને દસ જણાને ખબર પડે કે, "નવાઈનાં ભ'ઈબંધો ભેગા થ્યા શી અલ્યા!" :) એ શું કે રોજ એક જ, કામ કરીને ઘરે જઈને ખાઇ-પીને સુઈ જવાનું ? મિત્ર-ગોષ્ઠી વગર તે કાંઈ મજા આવતી હશે? એ વખતે સ્થળ કે માહોલનું નહિ પણ મિત્રોની સોબતનું મહત્વ હોય છે... મિત્રોથી જ એ માહોલ બને છે...મિત્રો હોય એટલે સમય પસાર થઇ જાય,ચાહે સમય સારો-નરસો ગમે તેવો હોય. કોઈ ગઝલકારે સરસ કહ્યું છે કે,

"पूजा में है  नशा, इबादत में है नशा, चाहत में है नशा, मुहोब्बत में है नशा...
पर ईमान से कहूँ तो मुझे मेरे दोस्तो, सबसे ज्यादा यार की सोह्बत में है नशा."

આ બે પંક્તિઓ ઘણું કહી જાય છે... મિત્રતા એ એક એવો સંબંધ છે જે માણસે કમાવો પડે છે,એને ફક્ત જન્મ લેવાથી જ free માં મળતો નથી. એને કમાવા અને એને જાળવી રાખવા ઘણું કરવું પડે છે... એટલે મિત્રોથી વંચિત લોકો ખરેખર દયાને પાત્ર છે, કારણકે મિત્રતા માણસને જીવનમાં ઘણું આપે છે અને ઘણું શીખવાડે છે...

એ મિત્રોને યાદ કરતા કરતા, એમની જોડે વાત કરવાની ઈચ્છા થાય તો તરત જ ફોને ઉપાડીને કે રૂબરૂ મળીને પોતાનું મન હળવું કરો...એનાથી દોસ્તી વધુ ગાઢ બનશે .  એ મિત્રો ફક્ત થોડો સમય જ માંગે છે, બીજું કાઈ નહિ.

મારા સઘળા મિત્રોને આભાર, કે આજે આ લખવા માટે પ્રેરિત થયો... (બસ લ્યા, બધા બૌ ફુલાતા નહિ આ "આભાર" સાંભળીને :) )

Update

એક મિત્રે (અમ્માર) facebook પર share કરેલી આ વાત અહી રજુ કરતા હું  મારી જાતને રોકી ન શકયો..

૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું,...
હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા.
ખબર કેમ ? કારણ કે સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરતા હતા તેના પર આ માણસનું ધ્યાન હતું…! 
મોરલ :જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ના રોકી શકે…! 
DEDICATED TO MY BEST FRIENDS“ખરીદ શકતે અગર ઉનકા સાથ, તો અપની જિંદગી બેચ કર ભી ખરીદ લેતેપર ક્યાં કરે,“દોસ્તી” ઓર “પ્યાર” હમેશા….“કીમત સે નહિ…કિસ્મત સે મિલતે હે…"

Tuesday, March 5, 2013

મહાભારતનું ચિંતન : સ્વામી સચ્ચિદાનંદ

આજે ઘણા સમય પછી કઈક લખવાનું મન થયું, ત્યારે સૌપ્રથમ વિચાર આવ્યો કે છેલ્લે વાચેલું પુસ્તક કયું છે? અને એના વિષે થોડી વાતો કરીએ જેથી બીજા મિત્રો જેમને ખબર નથી તેઓ પણ એનો લાભ ઉઠાવી શકે।

"મહાભારતનું ચિંતન" એટલે ગીતાનો યથોચિત અનુવાદ, જે શ્રીકૃષ્ણનાં વિચારોને સાર્થક કરે છે। જ્યારે અર્જુન યુધ્ધમાં થાકીને સન્યાસીની જેમ વાતો કરે છે, પોતાના હથિયારોનો ત્યાગ કરવાની પલાયનવાદી માનસિકતા પ્રકટ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને એમ કરતા અટકાવે છે। એ માટે તેઓ અર્જુનને જે કર્મનો અને મનુષ્યજીવનનાં કર્તવ્યોનું જ્ઞાન આપે છે તે જ ગીતા છે।

અર્જુન પોતાના બાંધવો-સગાવહાલાઓ સામે યુદ્ધ કરવાની માની એવું બહાનું ધરીને કરે છે, કે લોકો મને શું કહેશે। લોક્લાજથી ડરીને તે યુદ્ધ છોડીને ભાગવાની વાત કરે છે।ત્યારે શ્રીકૃષ્ણ એને સમજાવે છે, કે લોક્લાજથી પણ મોટું કર્તવ્ય પાલન છે।જો ક્ષત્રીય પોતાનું હથિયાર મૂકી દે, તો એ કર્તવ્યનો ત્યાગ થયો કહેવાય। એને પોતાના રાજ્ય, પ્રજા અને શાંતિ માટે શાસ્ત્રો ઉઠાવવા જ પડશે, એના વિના શાંતિ નહિ સ્થપાય। 

"દંડ વગર શાંતિ શક્ય નથી" એવું સમજાવીને તેઓ કહે છે, કે દુષ્ટ લોકો સામે યુધ્દ કરવું એ રાષ્ટ્રના અને પ્રજાના હિતમાં છે . તેની સામે ડાહી ડાહી વાતો કરવાથી કહી નહિ ઉપજે અને ઉપરથી તે તમને જ કાયર સમજશે। તે પ્રજાને રંજાડશે અને દેશનો વિનાશ કરવાના રસ્તાઓ જ શોધશે। 

પાંડવો બધી રીતે કૌરવોને સમજાવવાના પ્રયત્નો કર્યા, છતા તેમની સજ્જનતાને કાયરતા સમજીને હમેશા તેમને ઉપેક્ષિત જ કરવામાં આવ્યા।અને જયારે છેવટે યુદ્ધનો અને ન્યાયનો સમય આવ્યો ત્યારે અર્જુન પીછેહટ કરે છે, જે અત્યારે અસ્થાને છે। શ્રીકૃષ્ણ કહે છે, કે જે સમયે જે કરવાનું છે તે કરવું જ જોઈએ . એવા સમયે ન્યાય જે માંગે છે તે આપવું જ રહ્યું . ત્યારે અહિંસાની પીપુડી વગાડીને ભાગી જવું સૌથી સરળ છે, અને ન્યાય માટે લડીને સંઘર્ષ કરવો એ વીરોનું જ કામ છે .

સ્વામીજી સમજાવે છે કે જેમ અર્જુન ભાગેડુવૃત્તિ બતાવે છે, તેવી જ રીતે ઘણા વર્ષોથી ભારત દેશ સાથે પણ આ જ થતું આવ્યું છે . કેટલાક લોકો દેશના યુવાધન અને પૌરુષને ખોટી દિશા બતાવી રહ્યા છે . અહિંસાના નામે તેઓ દેશને અંદરથી પૌરુષહીન બનાવી રહ્યા છે . એની માટે તેઓ ધર્મનો સહારો લઇ ભગવાનનો ડર બતાવે છે . અહિંસાનો સાચો અર્થ એ છે, કે અર્થહીન હિંસા ના કરવી . નહિ કે સ્વરક્ષણ કે દેશ માટે આપત્તિના સમયે પણ બેસી રહેવું . એ તો ભાગેડુવૃત્તિ અને પલાયનવાદ થયો કહેવાય, જેનાથી સમાજનો વિનાશ જ થાય . અસામાજિક વૃત્તિઓને તેનાથી તાકાત મળે અને સમાજને લાંબે ગાળે નુકસાન જ થાય . તેમાંથી સમાજને બહાર કાઢવો જોઈએ અને તેની માટે યુવાનોને પ્રાચીન હિંદુ ધર્મનું સાચું જ્ઞાન મળે એ જરૂરી છે। 

તેઓ કહે છે, કે જે ધર્મ પોતાના અનુયાયીઓ અને દેશની પ્રજાનું રક્ષણ ના કરી શકે તે લાંબુ તાકી ન શકે . અને તેથી ન તો તે દેશ ટકી શકે . એવા કેટલાયે ધર્મો છે જે અહિંસાને નામે નામશેષ થઇ ગયા, અને કેટલાયે છે જે પોતાની તાકાતથી સમગ્ર વિશ્વમાં પોતાની ધજા ફરકાવી શક્યા  છે . મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોએ પોતાનો ફેલાવો કરવા માટે ઘણા યુદ્ધો કર્યા છે, અને તેથી જ તેઓ આજે પણ સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે . 

અહી વાત ધર્મોની કે સંપ્રદાયોની નથી, કે નથી કોઈ ભગવાનની। વાત છે મનુષ્યના મૂળભૂત અધિકારો અને સામાજિક કર્મો અને કર્તવ્યોની . આપણે આપણી જવાબદારીઓમાંથી "સન્યાસ"નું નામ લઈને છટકી ન શકીએ, સન્યાસ તો ઘરે બેઠા પણ મળી શકે જો મન સ્થિર હોય તો! એની માટે કઈ ઘરેથી ભાગી જવાની જરૂર નથી . અહિંસાનો સહારો લઈને આપણે ન્યાય અને અન્યાય વચ્ચેનો ફર્ક ભૂલી જઈએ તે ખોટું છે, અને સમાજ-દેશનો વિનાશ કરનારી વિચારધારા છે . 

સ્વામીજીએ ખૂબ ચોટદાર દલીલોથી ગીતાનો કર્મ સિધ્ધાંત સમજાવ્યો છે, અને એની માટે તેમને મહાભારતના એક એક પ્રસંગનો ખૂબ સરસ રીતે ઉપયોગ કર્યો છે . તે કહે છે, કે ગીતા એ કોઈ ધર્મ કે સંપ્રદાયથી ઉપર એક વિચારધારા છે, જે સમાજ અને દેશના વિકાસ અને રક્ષણ માટે આપણને પ્રેરણા આપે છે! આ પુસ્તક વાંચવાથી એ વિચારધારાનો એક દ્રષ્ટિકોણ જરૂર નજર  સામે  આવે છે .

સ્વામી સચ્ચિદાનંદ - એક પરિચય 
વધારે જાણકારી તેમની website www.sachchidanandji.com/ પરથી મળી શકશે।

તેઓ મનુષ્યના કર્મશીલ હોવા પર ભાર મુકે છે અને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે અને આ પુસ્તકમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્રના યુધ્ધમાં ગાયેલી ગીતાનો મહિમા એ રીતે જ દર્શાવ્યો છે।

Tuesday, March 20, 2012

માન...

માન એ બહુ કીમતી વસ્તુ છે. કીમતી એ રીતે, કે એનો અર્થ સાદો છે પણ મર્મ ઘણો ઊંડો છે! માનની સામે ગુમાન મુકવું પડે, ગુમાન અને માન બંને સાથે નો રહી શકે. જેને માન મળે,એ વ્યક્તિએ માનને લાયક બનવા ઘણું બધું સહન કર્યું હોય, ગુમાવ્યું હોય. માન એ કુળની ખાનદાની છે…મરદની ઓળખાણ છે અને વ્યક્તિની ખુમારી છે!

પેલું કેવાય છે ને, કે "પર્વત ઉપર ચડવું સહેલું છે પણ ઉપર ટકી રહેવું એ અઘરું છે. એ જ રીતે, માન સાચવવું એ તો એનાથી પણ અઘરું છે. એની માટે નમ્રતા, વિવેક, સદબુદ્ધિ અને શાણપણનો સંગાથ કરવો પડે. ઉતાવળ અને ક્રોધનો નેડો મેંલવો પડે...

Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Friday, December 24, 2010

મજુર નથી

હુ હાથ ને મારા ફેલાવુ, તો તારી ખુદ્દાઈ દુર નથી,

હુ માગુ ને તુ આપી દે, એ વાત મને મજુર નથી,

નાઝીર દેખઇયા

Wednesday, August 18, 2010

ધર્મેન્દ્રની બે માર્મિક ફિલ્મો: क्रोधी અને दोस्त...

આજે ધર્મેન્દ્રની ફિલ્મ ક્રોધી જોઈ.આ ફિલ્મની વાર્તા ખૂબ મજબૂત છે અને ધર્મેન્દ્રનો અભિનય તો ધારદાર...એમાં એક એવા ગુસ્સા વાળા માણસની વાત છે જે ક્રોધ આવતા જ પોતાનું ભાન ભૂલીને કઈ પણ કરી બેસે છે. કેવી રીતે ક્રોધ એણે અવળા રસ્તે લઇ જઈ એક મોટો ગુનેગાર બનાવી દે છે જેનાથી આખા શહેરના લોકો ડરે છે..અને છેવટે નસીબ એણે ફરી સારા રસ્તે લઇ જાય છે... ત્યારે એ પોતાની હિમ્મત અને સચ્ચાઈથી લોકોનું ભલું કરે છે...અને અંતે એનું પોત એની જિંદગીથી પણ સારું બને છે...લોકો એણે પ્રેમ કરતા થઇ જાય છે, એનાં માટે જીવ દેવા તૈયાર થઇ જાય છે...

ડોન અને સ્મગલરના રોલમાં ધર્મેન્દ્ર અમિતાભ કરતા પણ ચડી જાય છે આ ફિલ્મમાં. એનો ઘેરો અને પહાડી અવાજ જાણે એમાં મદદરૂપ છે...અને એની અભિનય ક્ષમતા છાતી થાય છે... ખરેખર, આ ફિલ્મ જોઈએ તમે કદાચ અમિતાભની ડોન પણ ભૂલી જશો... અને પછી જયારે એનું હૃદય પરિવર્તન થાય અને એ સાધુ બને છે ત્યારે તો જે વ્યક્તિત્વ અને ચહેરાના ભાવો જોવા મળે છે તે ખરેખર આપણે ચકિત કરી દે તેવા છે...



દોસ્ત ફિલ્મ પણ ખૂબ સરસ છે.. એમાં એક એવા અનાથ માણસની વાત છે જે એક પાદરી જોડે ઉછરે છે અને ખૂબ સંસ્કારી બને છે...એણે લોકોનું ભલું કરવા સિવાય કઈ દેખાતું જ નથી...પછી એનો ભેટો એક ચોર (શત્રુઘ્ન સિંહા) જોડે થાય છે... તે એવું વિચારે છે કે ચોરને હું પોલીસમાં પકડાવવાને બદલે સુધારી દઉં...અને ચોર એવું વિચારે છે કે આ માણસને હું મારા ધંધામાં મેળવી દઉં તો મારો ફાયદો છે! અને છેવટે તેની જીત થાય છે ... ચોર સુધરીને જીદંગીને સમજતો એક સારો માણસ બની જાય છે...

એમાં પણ ધર્મેન્દ્ર એક સરળ માણસના વેશમાં અનોખી આભા ઉભી કરે છે...અને ધારદાર અભિનયથી આપણને મુગ્ધ કરી દે છે...શત્રુઘ્ન એની સામે એવો જ વિપરીત, ચોરનો અભિનય કરે છે... બંને સારા મીઉત્રો બની જાય છે અને અંતે ચોર સુધરી જાય છે... કેવો સરસ મજાનો સંદેશ આપે છે અહી... 

આ બંને ફિલ્મો ખૂબ સરસ કથાનક અને પાત્રો ધરાવે છે.. અને દર્શકોને ખરા અર્થમાં સારી ફિલ્મની મજા આપે છે..આજે ક્યા બને છે આવી ફિલ્મો, જેમાં અશ્લીલતા રહિત અને કુટુંબ સાથે જોઈ શકાય એવી સારી વાત હોય! આના સિવાય પણ ઘણી જૂની ફિલ્મો ખૂબ સારી હોય છે... યાદ આવશે તેમ અહી રજૂ કરતો રહીશ...

Monday, August 2, 2010

સમસ્યાનો સર્જક ખુદ માનવી...

દુખ..ખામી...સમસ્યા.., એ શબ્દ જેને સાંભળીને ભલભલા હલી જાય...મનમાં સો વિચારો આવી જાય... આ દુનિયામાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ, ભલે એ પરની હોય કે માનવી. અને એ જ જીવનની સચ્ચાઈ છે.જો જગતમાં બધું યોગ્ય જ હોય, બધું જેમ આપણે ઈચ્છીએ તેમ હોય તો પછી આ દુનિયા જાણે યંત્રયુગમાં થઇ ગઈ કે’વાય! અરે, ખરેખર તો યંત્રોમાં પણ ખામીઓ હોય છે, એટલે આપણે એને યંત્રયુગ કહેવું પણ અયોગ્ય ગણાશે. તો એણે શું કહેવું? કારણકે આજ દિન સુધી દુનિયામાં સુયોગ્ય તો કોઈ વસ્તુ છે જ નહિ!

જુદાજુદા લોકો માટે સમસ્યાનો મતલબ અલગ હોય. ઘણી વાર એકની સમસ્યા બીજાને દેખાય પણ નહિ... અને ઘણી વાર નાની વાત પર ભારે સમસ્યા જેવડી લાગે...

સોળ આને સાચી વાત કહું તો, સમસ્યાઓ આપણે જાતે જ ઉભી કરીએ છીએ! હા, ભલે તમે આ સત્ય સ્વીકારશો નહિ અને કદાચ એણે ગાંડપણ કે જુઠું કહેશો. એ આપણે જ છીએ જે વાતનું વતેસર કરી નાખીએ છીએ..

ખાલી એક વાત... એ પરિસ્થિતિ .. એ સંજોગો...એ વાતાવરણ અને આસપાસનો વિચાર કરો..જયારે તમે કોઈ સમસ્યા કે દુખનો સામનો કર્યો હોય. અને પછી જરા તમારા દિમાગ પર થોડી યાદો ફંફોળવાની મહેનત કરો...કે એ કયા કારણથી સર્જાઈ હતી?કે પછી... તમે જ એનું કારણ તો નહોતા?એવી તો કઈ વાત થઇ હતી કે આખી વાત બગડી ગઈ હતી... 

માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પાત્ર પણ કોઈ દિવસ તો છલકાઈ જ જાય ને...એમાં માણસનો સ્વભાવ જ કામ કરે છે...અને આપણને એનો જવાબ મળી જ જશે કે આપણે આપણા સ્વભાવ, અનુભવ અને સમજદારીથી ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ..વાતનું વતેસર અટકાવી શકીએ...

પહેલી વાત...જે યાદ રાખવી... કે માનવી એ કુદરતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ નિર્માણ છે...એટલે માણસ બનીને કઈ નહિ થાય... સારા માનવી બનવાનું ધ્યેય હોવું ઘટે... તો જ કુદરતે આપેલા જન્મનો કઈ તો બદલો આપ્યો ગણાય!

બીજું એ...કે ભલે જીવનમાં આપણે કંઈક કરતા હોઈએ એવું લાગે..પણ એની દોર આપણા હાથમાં નથી...સંજોગો આપણા હાથમાં નથી, પણ એ ટાણે શું કરવું એ તો આપણી ઉપર છે ને? એટલે નકામી નાની બાબતો પર ચિંતા કર્યાં કરતા શાંત મનથી જીવવું જોઈએ. દરેક પળે કંઈકને કંઈક ચિંતા કરી અને વિચારી વિચારીને મગજની કડી કરી નાખવાથી પણ કાઈ ફરક પડવાનો નથી..

જે ચિંતા કર્યાં વગર... કોઈ જાતના ભયથી વ્યતીત નથી થતો...અને દરેક ઘડીને મનથી અને શાંતિથી માણે છે એ આ જગતમાં સૌથી સુખી વ્યક્તિ છે...કોઈ પણ દુખ કે સમસ્યા.. આવવા દો.. થઇ પડશે ભઈલા! એનો સામનો કરવાનો જુસ્સો રાખવો જોઈએ..પણ એનાં વિચારોથી મન વ્યથિત કરવાનો શું અર્થ? આપણે કહીએ છીએ ને..કે ઘોડા વેચીને ઉંઘી શકે ને... એ જ જીન્દગી!

જેવા છો તેવા જ રહી..સાચા અને આનંદિત રહો...અને પછી આપણને ખ્યાલ આવશે કે જે તમને સમસ્યા લાગતી હતી તે ખરેખર એટલી મોટી બાબત હતી જ નહિ! પણ એની માટે મન, તન અને દિમાગ.. ત્રણેય શાંત અને સક્ષમ રાખવું પડે.

હું પણ.. જો એવું કરી શકું તો સારું થાય...પણ મિત્રો, આ જ રીતે...કદાચ... આપણે જિંદગીની રીત બદલી શકીએ...અને તો પછી... શા માટે આ દુનિયા નહિ...? કોણ જાણે... થઇ પણ જાય...

Friday, July 30, 2010

આજના સુવાક્યો ...

જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે,
કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહી.

જ્યાં ધન(પૈસો) જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી

મનમાં વિચારોને બદલે ત્રાજવાં ...

કેટલાકના મનમાં વિચારોને બદલે ત્રાજવાં જ રમતાં હોય છે.
કોઈપણ વાતને બસ, ત્રાજવે તોળવા જ બેસી જાય.
પછી આંગળીઓના વેઢ ગણવા લાગી જાય.

'આમાં લાભ કેટલો થાય ? શું મળે ?
મોટા ભાગના માણસોની ભીતરમાં એક વેપારી પેસી ગયો છે.
ને અંદર બેઠેલો આ વેપારી એક જ કામ કરે છે

'શું મળે ? એનો જવાબ મેળવવાનું !
લાભનાં ત્રાજવાં લઈને જે બેઠો હોય છે...
પછી 'આમાં તો ઓછા મળે' 'આમાં તો કંઈ જ ન મળે' એવી બૂમરાણો લગાવવા બેસી જાય છે ! નફો

હાસ્ય: રાબડીદેવી યમલોકમાં ...

રાબડીદેવી ગુજરી ગયા અને યમલોકમાં ગયા. યમલોક્માં એક દિવાલ પર અસંખ્ય ઘડિયાળો ટીંગાયેલી જોઈને રાબડીદેવીએ યમરાજને પુછ્યુ કે આ ઘડિયાળો શેના છે?
યમરાજે કહ્યું આ ઘડિયાળો ખોટુ બોલ માપનાર યંત્ર છે. આ ઘડિયાળ ગાંધીજીની છે. તેનો કાટોં જરાય આગળ વધ્યો નથી.... આ ઘડિયાળ જવાહરલાલની છે જેનો કાટો ચાર પાંચ વાર જ ચાલ્યો છે. આ સાંભળી રાબડીદેવીએ પુછયું કે મારા લાલુપ્રસાદનું ઘડિયાળ ક્યાં છે?


યમરાજે જવાબ આપ્યો કે તેને તો અમારા ખંડમાં પંખા તરીકે વાપરીએ છીએ.:)

ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ...

માણસ ગમે તેટલો સમર્થ હોય,પણ ઉકળતા પાણીમાં એ કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી.
ક્રોધ પણ ઊકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં છે તે જોઇ શકતો નથી.

મતલબ વિનાની લાગણી ...

મતલબ વિનાની લાગણી મળતી નથી અહી,
દિલ માં એ લોકોના દિમાગ છે અહી તો...
આભાર, કૃણાલ સોની

Thursday, July 22, 2010

ગુજરાતી ગઝલ અંતાક્ષરી

ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો;
શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો.. ( પ્રો.સુમન અજમેરી )

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. ( આદિલ મનસુરી )

લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં.. ( બેફામ )

યા પ્યારથી એને પંપાળો, યા ક્રુર થઇને ધૂત્કારો,
આ લોકે રહે કે પરલોકે,સાગર તો તમારો કહેવાશે. ( સાગર કુતિયાનવી )

શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની. (શૂન્ય પાલનપુરી )

ન ધરા સુધી ન ગગન સુધી ,નહીં ઉન્નતિ ન પતન સુધી,
પણ આપણે તો જવું હતું,બસ એકમેકના મન સુધી. ( ગની દહીંવાલા )

ધરમનું નામ દઇ શાને પીવાડો પ્રેમની પડીકી ?
જશે રહેંસાઇ માસુમો,નરાધમ હિંસ્રની ધરતી. ( પ્રો.સુમન અજમેરી )

તને કોણે કીધું કે હું રંક છું,નથી રંક રાયનો રાય છું.
મને તોળ સત્યને છાબડે કે હું સત્યલોકનો ન્યાય છું. ( અમૃત ઘાયલ )

છૂટી લટ ,ગુલાબી ચહેરો,આંખમાં શરમ,
પ્રિયે,છબીમાં યે તું કેવી શરમાયા કરે ? ( નઝીર શાયર )

રસમ અહીંની જુદી,નિયમ સાવ જુદા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. ( મનોજ ખંડેરિયા )

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે. ( મરીઝ )

છે ભીડ અહીં એકલતાની ને શહેર છે આ સન્નાટાનું,
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું. ( પ્રફુલ્લા વોરા )

છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી.. ( અમૃત ઘાયલ )

તું ઢાળ ઢોળિયો ને હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. ( મનોજ ખંડેરિયા )

ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ ? ( મરીઝ )

લઇને હવે સાતેય અશ્વોને પલાણો આપણે
કે નપુંસક નીકળ્યો છે,શ્વાસ નામે સારથી. (હરીશ ધોળી )

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
ઇર્શાદ આપણે તો ઇશ્વરના નામે વાણી. ( ડો.ચીનુ મોદી )

નવાઇ તો છે કે ઉંડાણો ય છીછરા નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી. ( રમેશ પારેખ )

થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા. ( રસિક મેઘાણી )

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજું કેટલો યે દૂર છું. ( કિસ્મત કુરેશી )

છે હ્ર્દય ને આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે. ( અહમદ ગુલ )

વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ,
જિંદગી ચાલાક છે,હરદમ પિછાણી જાય છે. ( ડો.રઇશ મણિયાર )

છે દિશાઓ ધુંધળી ને મંઝિલો નથી,
શ્વાસના બળતા ધખારે ક્યાં લગી જાશું ? ( આહમદ મકરાણી )

શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ. ( ગની દહીંવાલા )

ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી. ( ભગવતીકુમાર શર્મા )

તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું,
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો. ( ડો.અશરફ ડબ્બાવાલા )

તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી. ( અશોકપુરી ગોસ્વામી )

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં. ( મરીઝ )

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું,ઓગળી જઇશ. ( હરીન્દ્ર દવે )

શમાની વાત કરશો ના, દીવાની લૌને રોકે ફો’ ?
ભરી પરવાનને પાંખે જલીને રાખ થાવું છે. ( પ્રો. સુમન અજમેરી )

છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે. ( કરસનદાસ લુહાર )

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી. ( જલન માતરી )

થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને. ( કૈલાસ પંડિત )

નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી? ( વિશ્વરથ )

ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ,
હતી જામમાં સાવ સાદી મદિરા ! ( મરીઝ )

રંગબેરંગી જીવનના રંગ છે,
જાઉં છું ખીલવા ને ખરતો જાઉં છું. ( અમૃત ઘાયલ )

છાંય મળતી જાય પડછાયા વગર,
ગીતમાં સરતો રહું ગાયા વગર. ( મનોજ ખંડેરિયા )

રોજ એના એજ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું,શું ચીજ છે ? ( રમેશ પારેખ )

છેક પરપોટા સમી છે જીંદગી પણ,
નિત ઝરણાંની ગતિ છલછલ છલકવું. ( ગુણવંત ઉપાધ્યાય )

વિરાટ પંથમાં થાકી વિરામ કરવા પણ,
પરાઇ ભીંતના છાંયે કદી નથી બેઠા. ( રસિક મેઘાણી )

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ. ( ડો. ચિનુ મોદી )

એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે. ( આસિમ રાંદેરી )

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. ( જલન માતરી )

થઇ જાય પાંચે આંગળીઓ તુર્ત કાગડો,
મુઠ્ઠી તમે એ શહેરમાં ખોલીને શું કરો ? ( રમેશ પારેખ )

રડ્યું નથી છતાં ઓછપે ઘવાયું છે,
સવારનું આભ આમ ઝંખવાયુ છે. ( ડો. હેમંત દેસાઇ )

છું સતત અચરજ સ્વયં અસ્તિત્વ પર,
તું તપાવે તોયે હું તું જ પર ઠરું. ( અગમ પાલનપુરી )

રમું છું રંગીન મોસમની સાથે,તો ક્યારેક સંગીન જોખમની સાથે,
સરળતાથી ચાલું છું મુશ્કેલ પંથે,મને એવી આ જીંદગાની ગમે છે. ( શેખાદમ આબુવાલા )

છો હતી દુ:ખના સંકજામાં અમારી જીંદગાની,
તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની. ( રિન્દ ગુજરાતી )

ન ગગન ફરેબ આપે, ન ધરા ફરેબ આપે,
જો હ્ર્દય ફરેબ આપે,તો બધા ફરેબ આપે. ( અબ્દુલ રઝાક ‘રશ્ક’ )

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે. (શૂન્ય પાલનપુરી )

છે ગજું કોનું કે સીમા-કદ કશું માપી શકે ?
ધરતીના પેટાળથી આભે ચઢી છે જીંદગી. ( અંબાલાલ ડાયર )

ગુનામાં ભાર હોતે તો દબાઇ રે’તે તળિયામાં,
અભાગી લાશ છે,તરતી રહી દરિયાના સીના પર. ( શવકીન જેતપુરી )

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી ન્હોતી. ( બેફામ )

તમારા આ નાજુક પગોની ફિકર છે,
અમારા નગરની છે પથરાળ સડકો. (દીપક બારડોલીકર )

કંકુ પગલે થઇ કસુંબલ કોરે આ કાળજાની કાંચળી સરકી પડી,
ઉગતું એકાંત મારું પાંપણે આપને જોયા પછી થથરી ગયુ (બાબુ દિલજલા )

યૌવનના ઘોડાપુરમાં સમજાય ક્યાં કશું ?
ત્યારે તો રોમે રોમમાં ઉન્માદ હોય છે. (આદિલ મનસુરી )

છે અકળ બધી એની હિલચાલો બધી,
મન સમું છે કોણ બીજું મુત્સદ્દી ? (અશોકપુરી ગોસ્વામી )

દર્દ ઘૂંટાયું જિગરમાં એટલું,ઠેઠ લગ એ ઝેર થઇ વકરી ગયું,
મોત પણ મારી દશાને જોઇએ શોકમાં ડૂબી મને વિસરી ગયું. ( બાબુ દિલજલા )

યુગયુગથી પીએ સરિતા,સાગર તોયે પ્યાસો છે,
નહીંતર મેઘો ઉમટે ના કેકારવ છલકાયો છે. (દીપક બારડોલીકર )

છે સલામત સ્વપ્ન કોનું વિશ્વમાં ?
ક્યાં સિકંદરની કશી છાયા મળે ? ( ચંદુ મહેસાનવી )

લાખ સૃષ્ટિની સુરાહી છલકાયા કરે,
જીંદગી પીનારની તળિયા વિનાનું જામ છે. ( શૂન્ય પાલનપુરી )

છે હયાતી ચીજ એવી અજનબી,
ચીંથરામાં હોય જાણે કો’ નવાબ ! ( આહમદ મકરાણી )

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે. ( મનહર મોદી )

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઉઠે તો પાયમાં ગઝલ. ( યોસેફ મેકવાન )

લાગણીઓની સુલતાની પર રાજ કહો કોનું ચાલ્યું?
રચનારની એક કળી જીતી ગઇ ઝાંઝરના ઝણકારથી. ( ગોપાળ શાસ્ત્રી )

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય,
ટહૂકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે. ( સાહિલ )

છે કાળ તો કાલીય નાગ જેવો,
થતું ઝેર સૌ જે હવે એ અડે છે. ( ઉશનસ )

છું શાંત અને ગંભીર ભલે, શરમાળ છે મારાં તીર ભલે,
ઓ પૂનમ, ઘૂંઘટ જરા ખોલ, હું એ જ છલકતો સાગર છું. ( શેખાદમ આબુવાલા )

છોડી રહ્યો છું આજ હું આ બંધિયાર વિશ્વને,
કાયમના માટે કોણ રહે આ કારાવાસમાં ? ( ઘાયલ કુતિયાનવી )

મત્સ્ય ક્યાં જળવટું લઇને જશે ?
કાંઠે રેતીના પારાવાર ઉભા. ( ડો. રશીદ મીર )

ભલે ભપકા ભરેલો છું,છતાં અંગાર વેચું છું,
તને નીચો નમાવે એ બધો આભાર વેચું છું. ( મનહર મોદી )

છેક તળિયેથી ઉલેચાવું પડે,
શબ્દને સમજાવવો સહેલો નથી. ( નટવર વ્યાસ )

થઇ ગયો એક જ ચમત્કારે તું ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી. ( જિગર ટંકારવી )

ગુલાબી શીત પાલવને પ્રસારો તો ઘણું સારું,
ગરમ કિરણોને ગાળીને હજી હમણાં જ આવ્યો છું. ( ડો. એસ. એસ. રાહી )

છતાં મુજ પૂર્ણતામાં ‘શૈલ’ ઓછી થાય છે કૈં પણ
સનાતન શૂન્યમાં અસ્તિત્વ મારું નિત્ય ખોઉં છું. ( શૈલ પાલનપુરી )

છણા થાપું,નાણા થાપું,થાપું આંખે અંધારાં,
તોય તને ક્યાં પામું ?ભૂંડા આયખાને ડંગોળી લૌ. ( પ્રો.સુમન અજમેરી )

લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે. ( ડો.ઉષા ઉપાધ્યાય )

છો હોય તે દૂર ગગન પર,ને હોય સર્વવ્યાપી,
અદભૂત સ્પર્શવાનું સૂરજ સમું તમારું. ( સંધ્યા ભટ્ટ )

રાત-દિ ઝૂલે વસંતી લ્હેર મધુવનમાં ભલે,
મ્હેંક મબલખ માણવાને શ્વાસ જેવું જોઇએ. ( સુશીલ પાલનપુરી )

એ જ તું ને એ જ હું,એ જ ઓશીકે આજ તો સૂતાં ફેરવી મોંઢાં
તણખા ઝરે,બરડા અડે,અણજાણે ટકરાય દો લોઢાં. ( જગદીશ વ્યાસ )

ઢબૂક્યાં ઢોલ ચોરે અમે ગુલમ્હોર પીધો.
ખુશીથી ખોબે ખોબે અમે ગુલમ્હોરે પીધો. ( દીપક બારડોલીકર )

મજાના મુક્તકો

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ
____________________________________

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન
____________________________________

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર ‘મેહુલ’

——————————————

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

મહાન શાયરો ના શેર

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય;
આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.
-અમૃત “ઘાયલ”.
________________________________________________
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.
-મરીઝ.
________________________________________________
દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં.
-”શૂન્ય” પાલનપૂરી.
________________________________________________
“પ્રેમનું આસન શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે ત્યારે પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે.”
- શ્રી સુરેશ દલાલ.
________________________________________________
દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી,
આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી.
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી,
જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.
- કૈલાસ પંડીત.
________________________________________________
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી.
- બરકત વિરાણી “બેફામ”.
________________________________________________
ગઝલ સર્જાયના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ,
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે.
- કૈલાસ પંડીત.
________________________________________________
“જિંદગીનો સાર જો પાણી મહીં
એક પરપોટો થઈ ફુટી ગયો.”
- શયદા.
________________________________________________
શક્ય નથી કે ઉતરી પડીએ અધવચાળે,
જીવવું બીજું શું છે? કેવળ વાઘસવારી.
- ભગવતીકુમાર શર્મા.
________________________________________________
જિંદગીનુ નામ બીજુ કંઈ નથી,
મેં ઉપાડી છે અપેક્ષા લાશની.
- અહમદ મકરાણી.
________________________________________________
તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે,
મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું.
- આદીલ મન્સુરી.

ખરાબ છે

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

- મરીઝ

માણસો

મોટા નગર ના માણસો
ચહેરા વગરના માણસો

હેતુ વગરની ભીડમાં
કારણ વગર ના માણાસો

જાણે ન ઓળખતા મને
મારા જ ઘરના માણસો

અખબાર આખુ વાચતા
વાસી ખબર ના માણસો

રણ-રેત માં ડુબી ગયા
પાણીવગર ના માણસો

પાકી સડકની શોધ મા
કાચી કબરના માણસો

- આદિલ

આશ એની ઉમ્રભર બાંધો નહી

આશ એની ઉમ્રભર બાંધો નહીં,
રેતના રણ માંહે ઘર બાંધો નહી.

આપ શણગારો અમારી જિંદગાની,
નિત નોખાં નગર બાંધો નહીં.

લાજ લૂટો મા! તમે એકાંતની.
મુજ ક્બર પાસે કબર બાંધો નહીં.

ત્યાંય સળગાવી છે એણે એ દોઝકો,
આપ મરવા પર કમર બાંધો નહીં.

અમને છોડી દો અમારા હાલ પર,
આપ આવીને નજર બાંધો નહીં.

ક્યાંક સૂરજને કમોતે મારશો,
ઓ ‘જલન’ છોડો સહર બાંધો નહી.

-જલન માતરી

ઊંચકી ગયા મને

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

- કૈલાસ પંડિત