Showing posts with label વાતો. Show all posts
Showing posts with label વાતો. Show all posts

Friday, October 18, 2013

ભાઈબંધી ભાન ભુલાવે, બાળપણની યાદ અપાવે

હમણા જ ક્યાંક વાંચ્યું હતું કે,

"મિત્રો મળે એટલે જુવાની ખીલી ઉઠે, બાળપણું જાગી ઉઠે અને જિંદગી જીવી ઉઠે..."

વાત તો સાચી છે! આપણે બધા અનુભવીએ છીએ, સમજીએ છીએ છતાં પણ રોજીંદી ભાગદોડમાં દોસ્તી અને દોસ્તો બાજુમાં રહી જાય છે...( બાજુમાં  રહે ત્યાં સુધી ઠીક છે પણ પાછળ  જાય એ જોજો ...)

નોકરી, બૈરી અને બાલબચ્ચા, (છોકરી ન કહેવાય અને 'પત્ની' થોડું સીધું લાગશે, એટલે આ તળપદા શબ્દપ્રયોગ કર્યો છે. કેટલાક લોકો એને outdated ગણે છે, પણ ભાઈ એમ કઈ થોડું outdated  થાય તમારા કીધે?), એ ત્રણમાંથી માણસ નામનું પ્રાણી નવરું પડે તો  બીજું કઈ  વિચારે ને ?

બધા લોકો એમ નસીબદાર નથી હોતા કે જેના મિત્રો  આસપાસ જ છે. એવા કેટલાયે મિત્રો છે જે પોતાના ઘર/વતનથી દૂર રહે છે, જે પોતાની નોકરી/ધંધા માટે બહાર ફરતા રહે છે અને મિત્રો સાથે સમય પસાર નથી કરી શકતા . આનું 'જ્ઞાન' ત્યારે થયું જ્યારે એક એવા મિત્રને મળવાનું થયું જેણે પોતાની વ્યથા કહી, કે ભાઈ એકલા એકલા કામ કરે જઈએ છે અને પાછા અવાતું નથી!

દોસ્તારો મળે એટલે નાં તો સમયનું ભાન રહે, ન કામનું . એમાં પણ જ્યારે "જુના જોગી" ભેગા થાય એટલે વાતોના વડા, હાસ્યની છોળો અને પ્રેમની લ્હાણી થાય . હમણાં બે દિવસથી એવો જોગાનુજોગ થાય છે કે રોજે ખાસ મિત્રોને મળવાનું થાય છે, અને પછી ચ્હા-નાસ્તા -પાણી -વાળું બધામાં મજા આવી જાય .

કૈક કૈક સમયની વાતો નીકળે, જૂની યાદો તાજી કરે, ગામ આખાની વાતો કરે અને દસ જણાને ખબર પડે કે, "નવાઈનાં ભ'ઈબંધો ભેગા થ્યા શી અલ્યા!" :) એ શું કે રોજ એક જ, કામ કરીને ઘરે જઈને ખાઇ-પીને સુઈ જવાનું ? મિત્ર-ગોષ્ઠી વગર તે કાંઈ મજા આવતી હશે? એ વખતે સ્થળ કે માહોલનું નહિ પણ મિત્રોની સોબતનું મહત્વ હોય છે... મિત્રોથી જ એ માહોલ બને છે...મિત્રો હોય એટલે સમય પસાર થઇ જાય,ચાહે સમય સારો-નરસો ગમે તેવો હોય. કોઈ ગઝલકારે સરસ કહ્યું છે કે,

"पूजा में है  नशा, इबादत में है नशा, चाहत में है नशा, मुहोब्बत में है नशा...
पर ईमान से कहूँ तो मुझे मेरे दोस्तो, सबसे ज्यादा यार की सोह्बत में है नशा."

આ બે પંક્તિઓ ઘણું કહી જાય છે... મિત્રતા એ એક એવો સંબંધ છે જે માણસે કમાવો પડે છે,એને ફક્ત જન્મ લેવાથી જ free માં મળતો નથી. એને કમાવા અને એને જાળવી રાખવા ઘણું કરવું પડે છે... એટલે મિત્રોથી વંચિત લોકો ખરેખર દયાને પાત્ર છે, કારણકે મિત્રતા માણસને જીવનમાં ઘણું આપે છે અને ઘણું શીખવાડે છે...

એ મિત્રોને યાદ કરતા કરતા, એમની જોડે વાત કરવાની ઈચ્છા થાય તો તરત જ ફોને ઉપાડીને કે રૂબરૂ મળીને પોતાનું મન હળવું કરો...એનાથી દોસ્તી વધુ ગાઢ બનશે .  એ મિત્રો ફક્ત થોડો સમય જ માંગે છે, બીજું કાઈ નહિ.

મારા સઘળા મિત્રોને આભાર, કે આજે આ લખવા માટે પ્રેરિત થયો... (બસ લ્યા, બધા બૌ ફુલાતા નહિ આ "આભાર" સાંભળીને :) )

Update

એક મિત્રે (અમ્માર) facebook પર share કરેલી આ વાત અહી રજુ કરતા હું  મારી જાતને રોકી ન શકયો..

૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું,...
હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા.
ખબર કેમ ? કારણ કે સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરતા હતા તેના પર આ માણસનું ધ્યાન હતું…! 
મોરલ :જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ના રોકી શકે…! 
DEDICATED TO MY BEST FRIENDS“ખરીદ શકતે અગર ઉનકા સાથ, તો અપની જિંદગી બેચ કર ભી ખરીદ લેતેપર ક્યાં કરે,“દોસ્તી” ઓર “પ્યાર” હમેશા….“કીમત સે નહિ…કિસ્મત સે મિલતે હે…"

Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Thursday, August 19, 2010

દેશભક્તિ: સ્મશાન વૈરાગ કે સાચી લાગણી?


મિત્રો, હમણાં જ ૧૫ ઓગસ્ટ ગઈ. હિન્દુસ્તાનનો જન્મદિવસ તો ના કે’વાય... પણ હા... નવું જીવતદાન જરૂર મળ્યું હતું એ દિવસે... કઈ કેટલાયે લોકોએ પોતાની આખી જીન્દગી (અને કેટલાકે જીન્દગી, કારણ કે આખી જીન્દગી સુધી તો એ જીવ્યા પણ નથી!).. એની પાછળ ખર્ચી હતી ત્યારે આપણને આજે એ મહામૂલી આઝાદી માણવા મળે છે...


પણ અહી હું આઝાદીની કથા કહેવા માટે નથી બેઠો. એ આપણને બધાને ખબર છે. એ દિવસે બધાને યાદ આવે છે કે "ઓહો... અરે... આજે તો આપનો સ્વતંત્રતા દિવસ છે...આપણે તો ભૂલી જ ગયા હતા સાલું...સારું થયું યાદ આવ્યું". અને ઘણા એવું જ વિચારે કે, "હાશ! ઓફીસ તો નહિ જવું પડે એ દિવસે..ખોટો ધક્કો બચી ગયો...એક રજા મળી ગઈ..." એમાં કોઈ બાકાત નથી.

આપના જેવા સામાન્ય લોકો તો ચાલો ઠીક છે કે એવું વિચારે, કેમ કે એની જોડે કરવા માટે ઘણા કામો હોય. નોકરી-ધંધામાં ઓતપ્રોત રહેતો હોય તો એવું બની શકે. આજના જમાના મુજબ એ બહાનું વાજબી ગણો તો વાંધો નથી. પહેલાં જેવું થોડું છે, જ્યારે લોકોને ખરેખર એ દિવસ યાદ હોય અને દિલથી...માત્ર રજા ખાતર નહિ! પણ આપણા નેતાઓ, એમને શું થાય છે?

કેટલીયે તૈયારીઓ કરશે, કઈક ભાષણો તૈયાર કરશે... જનમેદની ભેગી કરીને લોકોની વાહ-વાહ મેળવવા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ ને નામે મોટી મોટી વાતો કરશે...અને આપણે લોકો તો છીએ જ બાપુ ઉલ્લુ, ઉલટાની તાળીઓ મારવાની ચાલુ! બધાને જાણે શૂરાતન ચડી જાય, જે સ્મશાન વૈરાગથી કમ નથી.

હા, એ જ.. સ્મશાન વૈરાગ. કોઈના મરણ પ્રસંગે સ્મશાનમાં જનારા લોકો એ સમય પૂરતા દુનિયાથી વિમુખ થઇ જાય અને એવું વિચારે કે "જીન્દગીમાં કઈ છે જ નહી, છેલ્લે તો અહી જ આવવાનું છે." અને ત્યાંથી બહાર નીકળીને? ફરી એ જ રોજબરોજ શરૂ. આઝાદીનો પવન પણ એવો જ છે, એ આગળ પાછળના બે ચાર દિવસ હોય, પછી પાછુ ભૂલી જવાનું.

આઝાદીનો મતલબ એ છે કે જે તક આપણને આટલાં મોટા બલિદાનો આપી અને સંકટો સામે ઝઝૂમી અપાવી છે એ લોકોનું માન-મલાજો જળવાય એવાં કામ કરવા, નહિ કે એનાં નામની બૂમ-બરાડા પાડી રેલી-સરઘસો કાઢવા. કદી ભગતસિંહ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર અને કઈ કેટલાયે એવાં લોકો જે ખ્યાતી નથી પામ્યા...જો આપણી જેમ વિચારતા હોત તો? તો હજુ અંગ્રેજોની નીચે જ હોત આપણે. અને જો તેઓ આ દશા જુએ તો સામે ચાલીને અંગ્રેજોને વિનંતી કરીને પાછા બોલાવે એની ખાતરી હું આપું છું!

હાસ્તો, એનાથી મોટી ભૂલ એમને કઈ કરી છે તે એમને સમજાય તો એવું જ કરે ને?એમનાં બલીદાનની તો કોઈ કીમત જ નથી રાખી આજે. દેશ પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો તે કર્મથી બતાવવો જોઈએ, નહિ કે વાણી-વિલાસથી. ખાલી ધ્વજ-વંદન કરવાથી કાઈ થશે નહી.દરેકે પોતાની જવાબદારી સમજીને ચાલવું પડશે.નાની-મોટી વાતોમાં જો એવું થાય તો જ દેશને ફાયદો થાય.


શું ગાંધીજીએ હડતાળ એટલે શીખવાડી હતી કે ગમે ત્યારે, ગમે ત્યાં લોકો કોઈ પણ કારણસર અસ્ત-વ્યસ્તતા ફેલાવે? ના, એ હથિયાર સત્યનો માર્ગ છે, કામચોરીનું બહાનું બનાવવા માટે નથી. ગાંધીનગરમાં કોઈ પણ સમયે કોઈ ને કોઈ હડતાળ ચાલુ જ હોય છે, એનું શું કારણ છે? કર્મચારીઓ અને ધારાસભ્યોની વેતન માટે હડતાળ,શા માટે? વેતન વધારો માંગતા પહેલાં તમે વિચાર્યું કે આપણે એટલું કામ કરીએ છીએ જેટલું માંગીએ છીએ? સરકાર કાઈ પોતાનાં ખિસ્સામાંથી નથી આપતી, એ સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી આવે છે. જે લોકો મહેનત કરીને કમાય છે અને કર ભારે છે એમાંથી આવે છે. જો સરકાર એમાં વધુ ખર્ચો કરે તો વિકાસ કઈ રીતે થાય? આ એક ઉદાહરણ છે, આવું તો કઈ કેટલુંયે ચાલે છે.

પોતાનાં હકો માંગવા માટે આટલાં તૈયાર લોકો કદી પોતાની ફરજો પૂરી કરી કે નહિ એ વિચારે છે?ના, બસ મારો હક છે...એક જ વાત.

બીજું એ, કે નેતાઓ,ધારાસભ્યો, સાંસદોને દોષ આપવાથી કઈ નહિ વળે. એ પણ આપણામાંથી જ છે ને? જ્યાં સુધી દરેક જન પોતાની જવાબદારી નહી સ્વીકારે ત્યાં લગી આમ જ ચાલતું રહેશે. કટાક્ષમાં લોકો કહે છે કે "ભારત રામભરોસે ચાલે છે" પણ હવે તો રામ ને કૃષ્ણ બધા થાકે એટલો ત્રાસ મચ્યો છે. તેઓ પણ નાસી જશે કંટાળીને, પછી કોણ ચલાવશે? लोक-परलोक ફિલ્મમાં देवेन वर्मा કહે છે તેમ,"संसद वो अखाड़ा है, जहां भारतवर्ष के विभ्भिन क्षेत्रो के लोगो द्वारा चुने गए ५०० जन-प्रतिनिधि देशके सारे लोगोंका भविष्य तय करते हैं!". મતલબ સાફ છે, આપણે જ એવા લોકોને પસંદ કરીએ છીએ જેઓ ગંદકી ફેલાવી રહ્યાં છે.

હમણાં ૧૫ ઓગસ્ટના આગલા દિવસે રાજકોટના ક્રિકેટ મેદાન પર ટ્રકોની ટ્રકો કપચી ઠાલવી દેવાઈ,કારણ? કદાચ મુખ્યમંત્રી જવાના હતા...આવા સમાચાર અખબારમાં વાંચ્યા. આને શું કહેવાનું? એમ થોડું કોઈ પણ સરકાર કે સરકારી અમલદાર જાહેર સંપત્તિનો દુરુપયોગ કરી શકે? જાહે ભલે ના હોય, તો પણ સાવ આ હદે ઉપયોગ? અને એનો ખર્ચ ક્યાંથી આવે છે?મારા-તમારા જેવાના ખિસ્સામાંથી જ ને?

આવું જ થયું અમદાવાદના રસ્તાઓનું. કેટલીયે જગ્યાઓએ ખાડા પડી ગયાં... BRTS ની બસોનું પોટલું પણ ખૂલ્યું છે. એમાં પણ ભલીવાર નથી એવા અહેવાલો આપણે વાંચ્યા. આને શું કહેવાનું? કોણ મંજૂરી આપે છે આવા લોકોને? કોણ આવા રસ્તા બનાવવા માટે રાજી થાય છે? એનો જવાબ કોણ આપે? RTI લાગુ પાડવાથી કાઈ થાય નહિ, જ્યાં સુધી એવા લોકોને સજા ના થાય જે પ્રજાના પૈસાનો ધૂમાડો કરે છે.

દેશભક્તિ એ તહેવાર નથી.. એ લાગણી છે... એક ખુમારી છે... એક એવું તીજોરમાં મૂકેલું ઘરેણું જેની કીમત ખૂદ આપણી જ નીતિઓ અને કર્મો રૂપી કાટથી સતત ઘટતી રહે છે...આવું ઘરેણું રોજ પહેરો તો જ એનો મતલબ છે... ખાલી sms કે email કરવાથી કાઈ ન થાય. કોઈ કહે છે કે અમેરિકાને વિકાસ પામતા ૨૦૦ વર્ષ થયા અને આપણે ૬૦ વર્ષ જ! પણ હું કહું છું છે આપણામાં કાઈ વિકાસ? ઘરડાઓ તો એમ કહે છે કે આના કરતા અંગ્રેજો સારા હતા, સોટી મારીને વાત પતી તો જતી હતી! સાવ આવી રીતે તો લોકોને રંજાડાતા નહોતા.

આ વાતોનો કોઈ અંત જ નથી મિત્રો, એટલે અહીં જ અટકું છું. ફરી કંઈક યાદ આવશે તો આમાં ઉમેર કરીશ જ...પણ તમારી મદદ જોઈશે... આગળ વધવા માટે મદદ તો જોઈએ જ ને, એકલાથી કાઈ ન થાય...
સાથે સાથે, આઝાદીના દિન નિમિતે બનાવેલી તસ્વીર અહી રજૂ કરી છે...

Wednesday, August 18, 2010

ધર્મેન્દ્રની બે માર્મિક ફિલ્મો: क्रोधी અને दोस्त...

આજે ધર્મેન્દ્રની ફિલ્મ ક્રોધી જોઈ.આ ફિલ્મની વાર્તા ખૂબ મજબૂત છે અને ધર્મેન્દ્રનો અભિનય તો ધારદાર...એમાં એક એવા ગુસ્સા વાળા માણસની વાત છે જે ક્રોધ આવતા જ પોતાનું ભાન ભૂલીને કઈ પણ કરી બેસે છે. કેવી રીતે ક્રોધ એણે અવળા રસ્તે લઇ જઈ એક મોટો ગુનેગાર બનાવી દે છે જેનાથી આખા શહેરના લોકો ડરે છે..અને છેવટે નસીબ એણે ફરી સારા રસ્તે લઇ જાય છે... ત્યારે એ પોતાની હિમ્મત અને સચ્ચાઈથી લોકોનું ભલું કરે છે...અને અંતે એનું પોત એની જિંદગીથી પણ સારું બને છે...લોકો એણે પ્રેમ કરતા થઇ જાય છે, એનાં માટે જીવ દેવા તૈયાર થઇ જાય છે...

ડોન અને સ્મગલરના રોલમાં ધર્મેન્દ્ર અમિતાભ કરતા પણ ચડી જાય છે આ ફિલ્મમાં. એનો ઘેરો અને પહાડી અવાજ જાણે એમાં મદદરૂપ છે...અને એની અભિનય ક્ષમતા છાતી થાય છે... ખરેખર, આ ફિલ્મ જોઈએ તમે કદાચ અમિતાભની ડોન પણ ભૂલી જશો... અને પછી જયારે એનું હૃદય પરિવર્તન થાય અને એ સાધુ બને છે ત્યારે તો જે વ્યક્તિત્વ અને ચહેરાના ભાવો જોવા મળે છે તે ખરેખર આપણે ચકિત કરી દે તેવા છે...



દોસ્ત ફિલ્મ પણ ખૂબ સરસ છે.. એમાં એક એવા અનાથ માણસની વાત છે જે એક પાદરી જોડે ઉછરે છે અને ખૂબ સંસ્કારી બને છે...એણે લોકોનું ભલું કરવા સિવાય કઈ દેખાતું જ નથી...પછી એનો ભેટો એક ચોર (શત્રુઘ્ન સિંહા) જોડે થાય છે... તે એવું વિચારે છે કે ચોરને હું પોલીસમાં પકડાવવાને બદલે સુધારી દઉં...અને ચોર એવું વિચારે છે કે આ માણસને હું મારા ધંધામાં મેળવી દઉં તો મારો ફાયદો છે! અને છેવટે તેની જીત થાય છે ... ચોર સુધરીને જીદંગીને સમજતો એક સારો માણસ બની જાય છે...

એમાં પણ ધર્મેન્દ્ર એક સરળ માણસના વેશમાં અનોખી આભા ઉભી કરે છે...અને ધારદાર અભિનયથી આપણને મુગ્ધ કરી દે છે...શત્રુઘ્ન એની સામે એવો જ વિપરીત, ચોરનો અભિનય કરે છે... બંને સારા મીઉત્રો બની જાય છે અને અંતે ચોર સુધરી જાય છે... કેવો સરસ મજાનો સંદેશ આપે છે અહી... 

આ બંને ફિલ્મો ખૂબ સરસ કથાનક અને પાત્રો ધરાવે છે.. અને દર્શકોને ખરા અર્થમાં સારી ફિલ્મની મજા આપે છે..આજે ક્યા બને છે આવી ફિલ્મો, જેમાં અશ્લીલતા રહિત અને કુટુંબ સાથે જોઈ શકાય એવી સારી વાત હોય! આના સિવાય પણ ઘણી જૂની ફિલ્મો ખૂબ સારી હોય છે... યાદ આવશે તેમ અહી રજૂ કરતો રહીશ...

Monday, August 2, 2010

સમસ્યાનો સર્જક ખુદ માનવી...

દુખ..ખામી...સમસ્યા.., એ શબ્દ જેને સાંભળીને ભલભલા હલી જાય...મનમાં સો વિચારો આવી જાય... આ દુનિયામાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ, ભલે એ પરની હોય કે માનવી. અને એ જ જીવનની સચ્ચાઈ છે.જો જગતમાં બધું યોગ્ય જ હોય, બધું જેમ આપણે ઈચ્છીએ તેમ હોય તો પછી આ દુનિયા જાણે યંત્રયુગમાં થઇ ગઈ કે’વાય! અરે, ખરેખર તો યંત્રોમાં પણ ખામીઓ હોય છે, એટલે આપણે એને યંત્રયુગ કહેવું પણ અયોગ્ય ગણાશે. તો એણે શું કહેવું? કારણકે આજ દિન સુધી દુનિયામાં સુયોગ્ય તો કોઈ વસ્તુ છે જ નહિ!

જુદાજુદા લોકો માટે સમસ્યાનો મતલબ અલગ હોય. ઘણી વાર એકની સમસ્યા બીજાને દેખાય પણ નહિ... અને ઘણી વાર નાની વાત પર ભારે સમસ્યા જેવડી લાગે...

સોળ આને સાચી વાત કહું તો, સમસ્યાઓ આપણે જાતે જ ઉભી કરીએ છીએ! હા, ભલે તમે આ સત્ય સ્વીકારશો નહિ અને કદાચ એણે ગાંડપણ કે જુઠું કહેશો. એ આપણે જ છીએ જે વાતનું વતેસર કરી નાખીએ છીએ..

ખાલી એક વાત... એ પરિસ્થિતિ .. એ સંજોગો...એ વાતાવરણ અને આસપાસનો વિચાર કરો..જયારે તમે કોઈ સમસ્યા કે દુખનો સામનો કર્યો હોય. અને પછી જરા તમારા દિમાગ પર થોડી યાદો ફંફોળવાની મહેનત કરો...કે એ કયા કારણથી સર્જાઈ હતી?કે પછી... તમે જ એનું કારણ તો નહોતા?એવી તો કઈ વાત થઇ હતી કે આખી વાત બગડી ગઈ હતી... 

માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પાત્ર પણ કોઈ દિવસ તો છલકાઈ જ જાય ને...એમાં માણસનો સ્વભાવ જ કામ કરે છે...અને આપણને એનો જવાબ મળી જ જશે કે આપણે આપણા સ્વભાવ, અનુભવ અને સમજદારીથી ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ..વાતનું વતેસર અટકાવી શકીએ...

પહેલી વાત...જે યાદ રાખવી... કે માનવી એ કુદરતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ નિર્માણ છે...એટલે માણસ બનીને કઈ નહિ થાય... સારા માનવી બનવાનું ધ્યેય હોવું ઘટે... તો જ કુદરતે આપેલા જન્મનો કઈ તો બદલો આપ્યો ગણાય!

બીજું એ...કે ભલે જીવનમાં આપણે કંઈક કરતા હોઈએ એવું લાગે..પણ એની દોર આપણા હાથમાં નથી...સંજોગો આપણા હાથમાં નથી, પણ એ ટાણે શું કરવું એ તો આપણી ઉપર છે ને? એટલે નકામી નાની બાબતો પર ચિંતા કર્યાં કરતા શાંત મનથી જીવવું જોઈએ. દરેક પળે કંઈકને કંઈક ચિંતા કરી અને વિચારી વિચારીને મગજની કડી કરી નાખવાથી પણ કાઈ ફરક પડવાનો નથી..

જે ચિંતા કર્યાં વગર... કોઈ જાતના ભયથી વ્યતીત નથી થતો...અને દરેક ઘડીને મનથી અને શાંતિથી માણે છે એ આ જગતમાં સૌથી સુખી વ્યક્તિ છે...કોઈ પણ દુખ કે સમસ્યા.. આવવા દો.. થઇ પડશે ભઈલા! એનો સામનો કરવાનો જુસ્સો રાખવો જોઈએ..પણ એનાં વિચારોથી મન વ્યથિત કરવાનો શું અર્થ? આપણે કહીએ છીએ ને..કે ઘોડા વેચીને ઉંઘી શકે ને... એ જ જીન્દગી!

જેવા છો તેવા જ રહી..સાચા અને આનંદિત રહો...અને પછી આપણને ખ્યાલ આવશે કે જે તમને સમસ્યા લાગતી હતી તે ખરેખર એટલી મોટી બાબત હતી જ નહિ! પણ એની માટે મન, તન અને દિમાગ.. ત્રણેય શાંત અને સક્ષમ રાખવું પડે.

હું પણ.. જો એવું કરી શકું તો સારું થાય...પણ મિત્રો, આ જ રીતે...કદાચ... આપણે જિંદગીની રીત બદલી શકીએ...અને તો પછી... શા માટે આ દુનિયા નહિ...? કોણ જાણે... થઇ પણ જાય...

Friday, July 16, 2010

માણસ નથી બદલાતો.,માનસ બદલાય છે...

બદલાતો મોર્ડન જમાનો...આપણે કહીએ છીએ કે જમાનો બદલાય છે,પણ એવું નથી. 

માણસ નથી બદલાતો..માનસ બદલાય છે...

હા.. એવું જ છે... 

માણસ તો એનો એ જ છે.બદલાય છે અને ઉમેરાય છે ખોટી રીતભાતો..ખોટા ખોટા આડંબરો...ખોટા ખ્યાલો...
અવનવી ચીજો અને ટેકનોલોજીને લીધે રોજબરોજની જીન્દગી બદલાઈ રહી છે.નવું નવું શીખી રહ્યા છે લોકો..એમાં સારું પણ છે અને ખરાબ પણ...

એકલવાયું રહેવું ગમે છે હવે બધાને...સાથ નથી ખપતો સગાં-સંબંધી અને મિત્રોનો...

"જે નાતના પ્રસંગોમાં પહેલાં ખુશીથી જતાં, ત્યાં હવે આપણને ભીડ લાગે છે...
પસીનાથી ચીડ લાગે છે...
જે લગ્નો અને સમારંભોમાં જવા યુવાનો તલપાપડ થતા, ત્યાં હવે કાગડા ઉડે એવું લાગે છે... 
જ્યાં યુવાનો અને ગામના છોકરાઓ જમણવારની પંગતમાં જમવાનું પીરસતા, ત્યાં હવે કેટરિંગ વાળાઓ ભીડ ભાંગે છે...

એના બદલે... 

ડીસ્કો અને સિનેમામાં એમને ચસ્કો લાગે છે...ત્યાં જ એમને જાણે ફાવે છે...ત્યાંની ભીડ એમને 'કૂલ ક્રાઉડ' લાગે છે...ત્યાંનો પસીનો એમને 'ફ્રુટ જ્યુસ' લાગે છે..."

માણસ સામાજિક પ્રાણી છે અને એટલે જ એણે સમાજમાં રહેવું જોઈએ. 
ફક્ત ઇન્ટરનેટના 'સોશીઅલ નેટવર્કિંગ' ની સાથે સાથે એણે રૂબરૂમાં પણ લોકોને મળવું ન જોઈએ? 
તો જ દુનિયામાં કંઇક રહેશે...નહિ તો રોબોટોની જ દુનિયા થઇ ગઈ ગણાય ને...?

Monday, July 5, 2010

બંધ આપવાથી શું થશે?

મિત્રો, આ બંધ અને આંદોલનો શું ખરેખર અસરદાર સાબિત થશે? શું ખરેખર એની અસર થશે અને પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટશે?તમને શું લાગે છે?એવું નથી લાગતું કે આ માત્ર લોકોને ઉલ્લુ બનાવવાનો કીમિયો હોય?કદી પણ આવા આંદોલનોથી સરકારે ભાવવધારો પુરેપુરો પાછો ખેચ્યો છે?નાં... આમાં કદાચ થશે એવું... કે ૧ રૂપિયો ઘટાડશે... એ બતાવવા કે આપણા દેશમાં લોકશાહી છે.. અને લોકોએ કીધું એટલે અમે ભાવ ઘટાડ્યો...

પણ બીજા દેશો કરતાં ભારતમાં ભાવો કેમ વધારે છે એ આપણે વિચાર્યું છે કદી?ના... આમ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઇલના ભાવો ઘટી રહ્યા છે.. છતા પણ આપણે ત્યાં ભાવો ઘટવાને બદલે વધી રહ્યા છે...એનું કારણ શું હોઈ શકે?

જે પેટ્રોલ પાકિસ્તાનમાં ૨૬ થી ૩૦ રૂપિયાની વચ્ચે વેચાય છે તે આપણે ત્યાં ૫૫ રૂપિયે કેમ છે?(પાકિસ્તાન અહી પાત્ર ઉદાહરણ છે.. બીજા પણ ઘણા દેશો છે જેમાં ભારત કરતાં ૫૦ % થી પણ ઓછા ભાવે બળતણ મળે છે.) એનું કારણ છે ઓઈલ ક્મ્પનીઓના જલસાઓ... ઓઈલ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના મસમોટા પગારો અને ભારે-ભરખમ ભથ્થાઓ...

સરકાર એમ કહે છે કે ઓઈલ કંપનીઓને ખોટ જઈ રહી છે... પણ હમણાં જ છાપાંમાં હતું એમ..છેલ્લા ૫ વર્ષોમાં વાહનો વધ્યા છે અને એને લીધે બળતણની ખપત પણ... પછી ખોટ ક્યાંથી હોય?

આ બનાવતી ખોટ ઉભી કરી અને આપણને જનતાને ઉલ્લુ જ બનાવી રહ્યા છે...ઓઇલના સટ્ટોડીયાઓને જલસા છે... કંપનીઓને પણ જલસા છે...સરકારના નેતાઓને તો જલસા જ છે..

સંસદસભ્યોના ભથ્થાં વધશે... સરકારના કર્મચારીઓના માટે પગારપંચો આવે... ગમે તેમ કરીને સરકાર પોતાની તિજોરી ભરવા માટે ટેક્સના નિયમો આમથી તમે બદલે રાખે... નોકરિયાતો અને મહેનતથી ધંધો કરનારને હેરાન કરે...

ઓઈલ કંપનીઓના કર્મચારીઓના પગારો..એમના ઠાઠમાઠ .. એમને અપાતી રાહતો અને ભથ્થાં... એ કોઈ મોટા લાટસાહેબોથી કમ નથી...એ ખર્ચાઓને પોષવા માટે...એમની ઐયાશીઓને છાવરવા સરકાર પ્રજા સાથે રમત રમી રહી છે એવું નથી લાગતું?

આમ ને આમ પેટ્રોલ ના ભાવો આસમાને પહોંચી જશે... દર વખતે કોઈ ને કોઈ વિપક્ષ બંધ આપીને જનતાને ચુપ કરાવી દેશે...અને આપણે આમ જ મૂંગા મોઢે સહન કરતાં રહીશું?

સરકારને જો ખરેખર નુકસાન જતું હોય તો એણે પેટ્રોલનો ઉપયોગ ઘટાડીને વૈકલ્પિક ઉર્જાના સંશોધનને પ્રોત્સાહન આપવું ના જોઈએ? એ પણ એક ચાલ જ છે... તમે અત્યારે બજારમાં સોલાર એનર્જીનાં ઉપકરણોના ભાવ જોયા છે? ચોરસ ફૂટ પર ભાવ ગણે છે એવું સાંભળ્યું છે...

એ કેમ એટલું બધું મોંઘુ છે?કેમ? કારણકે... કેટલાક લોકો નથી ઇચ્છતા કે આપણે મફત મળતી સુર્યની શક્તિનો ઉપયોગ કરીએ...અને જખ મારીને પણ પેટ્રોલ જેવાં બળતણ જ વપરાય...જેથી કરીને પૈસા પડાવી શકાય...

જો ખરેખર પ્રજાનું ભલું કરવું હોય .. તો એવા રસ્તાઓ શોધો.. કે લોકોને ઉર્જા મફત મળે છે એનો ઉપયોગ થાય... ભારત જેવાં દેશ માટે સુર્ય ઉર્જા ૩૬૫ માંથી ૨૬૫ દિવસ થો હોય જ છે ને? તો કેમ એના ઉપકરણો સસ્તા નથી કરાતા?

જો ખરેખર એવું થાય તો સરકારને જે વીજળીના રૂપિયા મળે છે તેમાં ખાસ્સો ઘટાડો થઇ જાય ને દોસ્તો... તો પછી એ લોકોના જલસા ક્યાંથી ચાલે?તો પછી આ પગારપંચો, ભથ્થાઓ અને કહેવાતા 'સેટિંગ' કઈ રીતે પુરા થાય? એટલે જ તો વીજ-કંપનીઓને પણ છૂટછાટ આપી દીધી છે લોકોને લૂટવાની...

"જેમ ફાવે તેમ કરો... પણ અમારું કંઈક કરો..." જેવો ઘાટ છે આ તો... એક દિવસ તો આવશે જ.. જયારે સુતેલા લોકો જાગશે... પણ ક્યારે?ક્યાં સુધી?આમ જ ચાલ્યા કરશે? આ તો કોઈ રીતે દેશ આગળ ન આવે એવી ગોઠવણ થઇ કહેવાય...

અને  પેલું હમણાં smsમાં કહે છે તેમ,
" કે ambulance કરતાં pizza વહેલાં પહોંચે...
police કરતાં લોકો ગુરખા અને secutity ને બોલાવે..."
આપણે  વિચારવા જેવું કે નહિ...

Friday, July 2, 2010

ફોરવર્ડ ઈમેઈલ : ઈશ્વર સાથે ચેટિંગ ...

મિત્રો, આજે આ લેખ મને ઈમેઈલ દ્વારા મળ્યો છે. મેં જયારે ગૂગલ સર્ચ કર્યું, તો કેટલીયે sites પર મને આ વાંચવા મળ્યું. આ માત્ર અને માત્ર તમારા મનોરંજન માટે અહી રજૂ કરું છું.


 એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.

ઈશ્વર : શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’

હું : ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર : વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.

હું : હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીંભગવાનકહેવડાવે છે.

ઈશ્વર : માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
 
હું : ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
 
ઈશ્વર : વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !
 
હું : તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે પીક અવર્સચાલે છે.
 
ઈશ્વર : ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા પીક અવર્સમાં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !
 
હું : જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
 
ઈશ્વર : જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !
 
હું : તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
 
ઈશ્વર : હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયુંએ જ તો તકલીફ છે ને !
 
હું :તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.
 
ઈશ્વર : મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !
 
હું : અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
 
ઈશ્વર : હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ઉંદરદોડમાં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
 
હું : પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.
 
ઈશ્વર : એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.
 
હું : પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’
 
ઈશ્વર : વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
 
હું : પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.
 
ઈશ્વર : તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.
 
હું : તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !
 
ઈશ્વર : તારામાં પણ અપાર શક્તિ છે.એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.
 
હું : ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
 
ઈશ્વર : લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.
 
હું : એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
 
ઈશ્વર : બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.
 
હું : તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
 
ઈશ્વર : એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
 
હું : પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.
 
ઈશ્વર :તનેહંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડુંક્ષમા આપવાનું પણ રાખ.
 
હું : મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
 
ઈશ્વર : બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
 
હું : આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
 
ઈશ્વર : વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.

Thursday, June 24, 2010

વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે ...

સાસુ-વહુના સંબંધોને નવેસરથી સમજવાનો... સ્વીકારવાનો સમય આવી ચૂક્યો છે એવું નથી લાગતું ? સ્વસ્થ સંબંધો, સ્વસ્થ કુટુંબ અને તંદુરસ્ત સમાજનું લક્ષણ છે. આ એક સંબંધ સુધરી શકે... પરિવર્તન પામી શકે તો વૃદ્ધાશ્રમોની સંખ્યા જરૂર ઘટી શકે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Tuesday, June 22, 2010

સિંહને રાજા કેમ કહેવાય છે?

આપણે સિંહને જંગલનો રાજા ગણીએ છીએ..એનું કારણ ખબર છે? કારણ એ જ, કે સિંહ એવા ગુણો ધરાવે છે...

હમણાં બે દિવસ પહેલાં જ છાપાંમાં હતું કે ગીરનાં જંગલમાં સિંહણ રસ્તા પર આવી જતાં મોટરસાઈકલ સવારો ગભરાઈ ગયા...પણ સિંહણ કંઈ જ કર્યા સિવાય જતી રહી...

અને આજે છાપામાં એનાથી પણ જોરદાર ઘટના આવી છે...

ગુજરાતના સાસણની એક સિંહણ લંડનના કોઈ પ્રાણીસંગ્રહાલયમાં છે.તેના પિંજરામાં જ ઝાડ પર ઘુવડ્નો માળો...અને અચાનક ઘુવડનું બચ્ચું નીચે પડી ગયું,સિંહણની પાસે હજ!

સૌ એમ જ સમજ્યા કે તે બચ્ચાને ખાઈ જશે, પણ વાહ રે કુદરતની કરામત અને બચ્ચાની કિસ્મત, ત્રણ ત્રણ દિ' થયા છતાંયે સિંહણ તેને જોવાં છતાં પણ હાથ પણ ન લગાવે! ત્રણ દિવસ પછી બચ્ચું એની મેળે ઊડીને બહાર ગયું...

આને શું કહેવાય? સિંહની ઊદારતા કે પછી એને ભૂખ નહી હોય? કે "બચ્ચું બહું નાનું છે તો મારું પેટ નહી ભરાય" એવું વિચારીને એ બેસી રહી?

ના...એ એનો સ્વભાવ.. એનો ગુણ... કે નાનક્ડા જીવને એણે જવા દીધો એ જ મોટી વાત...

છે આપણામાં પણ આવો ગુણ? ના... પ્રાણીઓ ભલે મૂંગા હોય.. ઘણી વાર આપણને પણ મોટી વાત શીખવી જાય છે ને?

આપણે તો નાની નાની વાતોમાં પણ નથી સમજતા...તો મિત્રો, આમાંથી કાંઈક પ્રેરણા લઈશું ને?

સિંહ અને ઘેટું ...

સિંહ અને ઘેટુંઅડખે-પડખે સૂએએવું કદી પણ નહીં,
બને... સિવાય કે ઘેટુંસિંહના પેટમાં હોય!
 આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 20, 2010

માતૃભાષા ...

ઘણા તો માતૃભાષા નહીં જાણતા હોવાનો ડોળ કરે છે
મહાનુભાવો સાથે વાતચીત માટે ફાંકડા અંગ્રેજી વિના ન ચાલે ?
‘કમ્યુનિકેશન’ ભાષા થકી નહીં બે વ્યક્તિ વચ્ચેની સંવાદિતા અને જરૂરિયાતથી થતું હોય છે
મોબાઈલ પર અડધો કલાક વાતો કરનાર બે વ્યક્તિ સામસામે બેઠા હોય ત્યારે નિઃશબ્દ બની જતા હોય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

પડકારોને કેમ ઝીલવા ...

અવરોધોનું તો એવું છે ને કે તે આપોઆપ જ ટેકલ થઈ જાય છે. માણસ અમુક દિશામાં
આગળ વધી રહ્યો હોય ત્યારે એને આવનારી બાધાઓનો અંદાજ રહેતો જ હોય છે. એટલે
આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પૂર્વતૈયારી કરી શકાય. પડકારોને કેમ
ઝીલવા એની તૈયારી હું રાખું છું.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, June 18, 2010

સંબધોની માળાના મણકા સાચવીએ...

આજે બધાની જિંદગી ઝડપી બની ગઈ છે.કોઇની જોડે સમય જ નથી.

કોઇને મળવા જવાનું હોય તો સમય નથી. કોઇના પ્રસંગમાં જવાનું હોય, તો સમય નથી.

પોતાના માટે કાંઈ લાવવું હોય તો પણ ઘણાને તો સમય નથી!

અને પછી આપણે જ એવી રા'વ ખાઈએ કે ફલાણા સંબંધો સાચવતા નથી. પણ હું એવું માનું છું કે તાળી એક હાથે નથી વાગતી...

અરે દરેક જણ એવું જ વિચારે કે સામેવાળો મિત્ર કે સંબંધી દરેક વસ્તુ માટે પહેલ કરે તો થઈ રહ્યું. સંબંધો તો ધીરે ધીરે પૂરા જ થઈ જશે!

આપણો સમાજ હવે બદલાઈ રહ્યો છે, ૧૦ થી ૧૫ વર્ષ પહેલાંનો ગાળો યાદ કરો...

તે વખતે લોકો એક બીજાને પત્રો લખતા એ પણ યાદ કરી કરીને...

અરે દીવાળીમાં તો બજારમાં શુભકામના માટેનાં "દીવાળી કાર્ડ" પણ ખૂટી જતાં યાદ છે?

છોકરાંઓ રજાઓમાં મામા-માસીને ત્યાં મહીનો મહીનો રે'તાં...

અને હવે, પત્રને બદલે ઈ-મેઈલ..ફોન...બધું ઝડપી...કોઈને કોઇની માટે સમય જ નથી મળતો...

આપણા ઘરડાંઓ કહી ગયા છે કે "પાણી પહેલાં પાળ બાંધવી".

આ બધું આમ જ રે'શે તો ધરમૂળથી પરિવર્તન આવી જશે. અત્યારે છે તેના કરતાં પણ પરિસ્થિતી બગડશે...

તો મિત્રો, આપણે પોતાના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓને યાદ કરતાં રહીએ..તેમને મળતાં રહીએ...

સાથે તહેવારો ઊજવતાં રહીએ...એમ જ એકબીજાના સાથ અને સહકારથી જિંદગી સરળ અને સુંવાળી બની રહેશે...

સાચી વાત ને? તો સંબધોની માળાના મણકા સાચવીએ...

Tuesday, June 15, 2010

વરસાદી દિવસની સમી સાંજે...

આજે થોડો અલગ દિવસ હતો નહિ? મેઘરાજા સવારનાં પહોરમાં જ વરસી પડ્યા... અને દિવસે પણ આહલાદક વાતાવરણ બની રહ્યું...

સાંજ થઈ રહી છે...સૂર્ય ધીમે ધીમે પશ્ચિમમાં આથમી રહ્યો છે...

ગોધૂલી ટા'ણૅ... અહીં ભલે ગાયો કે ભેંસો જોવા નથી મળી... 
પણ આકાશની શોભા સુંદર બની રહી છે...

પક્ષીઓ પોતાનાં ઝૂંડ્માં ઊડીને ઘર તરફ જઈ રહ્યાં છે... ને આપણા જેવા નોકરીથી ઘરે!

થોડો બાફ છે...પણ કૂદરતની કરામતો જોઈને તે વિસરી જવાય છે...

વ્રુક્ષો એકદમ ચોખ્ખાં બની ગયાં છે... 

ઘરની નજીકનાં આંબા પર રે'તી કોયલ પોતાનાં સૂરો સંભળાવી રહી છે...

વિવિધ આકારનાં વાદળો જાણે ચિત્રમાં પેન્સિલથી શૅડ માર્યો હોય તેવી આક્રૂતી ઉત્ત્પન કરી રહ્યાં છે...

વાદળાંની વચ્ચેથી સૂર્યાસ્તનો આછો કેસરી અને પીળાશ પડતો પ્રકાશ પણ કૂદરતનીઅદભૂત રચના છે ને...

માણસ ગમે તે કરે.. તો પણ કૂદરતનાં અમૂક ગૂઢ રહસ્યોને નહી જાણી શકે કે નહી તેની બરોબરી કરી શકે...

સત્તાવાર અહેવાલ - રક્ષિત મસ્જિદોમાં ગુજરાત પ્રથમ, મંદિરોમાં દસમા ક્રમે...

આજે (મંગળવાર, તા.૧૫ જૂન,૨૦૧૦ ના રોજ) ગુજરાત સમાચારમાં એક સરસ અહેવાલ વાંચ્યો.
કેન્દ્રિય પુરાતત્વ ખાતાએ રક્ષિત મસ્જિદોના આંકડા બહાર પાડ્યા છે...જેમાં સૌથી વધુ ૪૪ ગુજરાતમાં છે...

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
યુ.પી - ૪૧
કર્ણાટક - ૩૨
દિલ્હી - ૧૯
બંગાળ - ૧૬
એમ.પી - ૧૪
આંધ્રપ્રદેશ - ૧૨
બાકીના રાજ્યોમાં ૧૦ થી ઓછી મસ્જિદો રક્ષિત છે.

જ્યારે મંદિરોની બાબતમાં ગુજરાત ૩૯ રક્ષિત મંદિરો સાથે ૧૦મા ક્રમે છે.

બાકીનાં રાજ્યોમાં આ પ્રમાણે સંખ્યા છે,
કર્ણાટક - ૨૦૩
તમિલનાડુ - ૧૧૩
યુ.પી - ૧૦૫
મહારાષ્ટ્ર - ૯૭
એમ.પી - ૮૦
આંધ્રપ્રદેશ - ૫૬
બંગાળ અને ઓરિસ્સા - ૪૫ પ્રત્યેકમાં
રાજસ્થાન - ૪૦

મિત્રો, આ જ બાતાવે છે કે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અને ઘણા સમયથી એકબીજાને સમજીને અને સંપથી રહીએ છીએ.
તો પછી એવા દીલ દુઃખાવે એવા અણબનાવો કેમ બને છે? એ કેટલાક તોફાનીઓ કે પછી પૈસાથી ખરીદેલા તત્વોનું જ કામ હોય ને...
સામાન્ય માણસને તો પોતાના કામ અને જિંદગીથી જ મતલબ છે...
તો મિત્રો, આ સમજીને.. આપણે સાથે આગળ વધશું તો સૌને લાભ થશે અને એમાં જ ગુજરાતની અને દેશની પ્રગતી થશે...
આમ પણ રોજ જોડે રહેવાનું અને એકબીજાને નુકસાન પહોંચાડવાથી કોને લાભ થાય? આપણા જેવા લોકોને તો નથી જ, એ તમે જાણો જ છો...

આ વિષય પર તમારા પ્રતિભાવોની અપેક્ષા રાખીશ..

લોકશાહી અને સરકારી જમાઇ ...

લોકશાહી લોકોનું રાજ કહેવાય છે પણ લોકો તો હંમેશાં ઠેબાં-ઠોકર
ખાતા રહે છે અને સરકારી જમાઇ બની ગયેલા અમલદારોની જોહુકમી વેઠતા રહે છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Saturday, June 12, 2010

જો પરંપરા જડ બની જાય તો ...

જો પરંપરા જડ બની જાય તો સમાજને ઉપયોગી થવાને બદલે અવરોધક બની જાય છે.
નદીનું પાણી સતત વહેતું રહે તો એ વ્યક્તિ તથા વસ્ત્રનો મેલ ધોવાનું કામ
કરે છે પરંતુ નદીની પ્રવાહી પરંપરા જડ બની જાય, એ પાણી બરફ બનીને થીજી જાય
તો બરફને વસ્ત્ર ઉપર ઘસવાથી વસ્ત્ર ફાટી જશે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, June 11, 2010

હરિફાઇનું સ્તર ...

આજે દરેક ક્ષેત્રમાં હરિફાઇનું સ્તર ઊંચું થઇ રહ્યું છે, માટે કોઇ ચોક્કસ મુકામ સુધી પહોંચવા માટે આપણે જોખમ ખેડવું જ પડશે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Thursday, June 10, 2010

સફળતાની ચાવી ...

અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિસ્વાસ,સાહસિકવ્રુતિ,પરિસ્થિતિનો સરખો ખ્યાલ.
લક્ષ્ય ભણીની અવિરત ગતિ...
જે કાંઈ કરી રહ્યા હોઈએ તેનો મજબુત પાયો નાખવો...
આંતરિક અને બાહ્ય શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ...
ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું...

આભાર - જીગર શેઠ