Showing posts with label પ્રવાસ. Show all posts
Showing posts with label પ્રવાસ. Show all posts

Saturday, October 19, 2013

ગામની સંધ્યા...

આજે એમ જ બાજુના ગામે જવાનું થયું। થોડાક સમયનું જ કામ હતું એ પતાવી અને નજીકના સંબંધીને ત્યાં થોડીવાર માટે રોકાયા। થોડી રોજબરોજની વાતો કરી, શું ચાલે છે શું નહિ અને કામકાજ-તબિયત-પાણી...

નાસ્તામાં ઘરે બનાવેલું સફેદ રૂની પૂણી જેવું માખણ, એની જોડે ભાખરી કે રોટલો અને ઉપરથી કડક-મસાલેદાર ચ્હા! સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. અને આપણે ત્યાં ભેળ અને ભૂસાં!

એમ જ આડીઅવળી વાતો, સમય કેમ વીતે એ જ ખબર નાં પડે. ઉપરથી અડોસ-પડોશનાં લોકો પણ ચા-પાણી કરવા બોલાવે એવો લોકોનો મિજાજ... એ જોઇને ખરેખર તમને આમ કઈક વિશેષ હોવાનો અહેસાસ કરાવતા આ લોકો પ્રત્યે માન ઉપજે કે પોતાનો સમય ફાળવીને આ લોકો કેવી સરસ આગતા-સ્વાગતા કરે છે!

બહાર બજારમાં જઈએ, એટલે થોડીક ધૂળ-માટી ઉડતી હોય... ગીચોગીચ એવા બજારમાં વાહનો અને લોકોના ટોળાઓ પોતપોતાની રીતે જગ્યા કરીને (કોઈપણ જાતની માથાકૂટ વગર) જતા હોય... નાનકડા બાળકો દોટમદોટ કરતા હોય...
નાનકડી દુકાનોમાં ગ્રાહકોની ભીડ, સાંજના સમયે થતી અગરબત્તી-ધૂપ-દીવા દુકાનમાં અનેરી સુવાસ અને દિવ્યતા ફેલાવતા હોય...

રસ્તાઓ પર પૂરતી જગ્યા હોય, પણ સાંકડા હોવાને કારણે તમને થોડી ભીડ અનુભવાય પણ એની પણ એક મજા છે. વળી સાંજે ગોધુલી ટાણે (ચરવા ગયેલી ગાયો-ઢોરો પાછા ફરે તે સમય,  જયારે તેમના ચાલવાથી રસ્તાની ધૂળ ઉડતી હોય) ઉડતી ધૂળના રજકણો આથમી રહેલા સુરજદાદાના હળવા હળવા કિરણોના પ્રકાશમાં ચળકીને અનેરી ભાત પાડી રહ્યા હોય... ગાયોની ઝાલર વાગી રહી હોય અને મંદિરોમાં આરતીના સમયે થતા શંખ-નગારા -ઢોલના અવાજથી આખું વાતાવરણ એક અનોખો અહેસાસ આપતું હોય છે.

ધોરીમાર્ગની બંને બાજુ લીલા ખેતરોમાં શિયાળાની શરૂઆતનો સમય હોવાથી આછી આછી ધુમ્મસ જોવા મળે. અને એ ધુમ્મસ અને ઢળતી સંધ્યા ભેળા મળીને આહલાદક ઠંડક ફેલાવી રહ્યા હોય. ધીમે ધીમે ઢળતી એ સાંજ, ખેતરો ઉપરના ખુલ્લા આકાશમાં સરસ મજાની હાર રચીને એકસાથે પાંખો પસારીને એક નિશ્ચિત રીતે ઉડી રહેલા પંખીઓ અને પોતાના માળાઓમાં જવા માટેની એમની ઉત્સુકતા, એ ખરેખર એક સુંદર અનુભૂતિ છે.

થોડા સમય માટે આપણે પોતે એ ભૂલી જઈએ કે આપણે આપણા રસ્તે જવાનો સમય થઇ ગયો છે. ત્યાં બધું ઘણી જ શાંતિથી કોઈ જાતની વગર જોઈતી ઉતાવળ વગર ચાલતું હોય એ સ્પષ્ટ પણે દેખાય આવે છે, અને એટલે જ આપણને પણ શાંતિ અનુભવાય જયારે પોતાના રોજના કામથી મુક્ત અને શહેરથી દૂર હોઈએ. ચાલો હવે ઘર તરફ જઈશું ને?

Saturday, December 11, 2010

સિંગાપોરની મુલાકાત: એક સરવૈયું...અને મનની વાતો...

સિંગાપોરમાં આવે વખત થયો...ઓક્ટોબરથી અહી આવેલો.. અને હવે પાછો જઈશ, ત્યારે બે મહિના પૂરા થશે. લખવાની ઈચ્છા તો ઘણા સમયથી હતી, પણ કામના ભારણને લીધે એ શક્ય ન બન્યું...

અહીની પ્રવાસની વાતો તો બહુ મળશે તમને, અને અહી વિષે જાણવું પણ સરળ છે. આજે Internet નાં માધ્યમને લીધે તમે પ્રવાસ શરુ કરતા પહેલા જ બધું જાણી શકો છો...અહી આપણે એની વાત નથી કરવાના... :)

અહી આવીને શરૂમાં તો બધું ખૂબ અજાણ્યું લાગ્યું. નવા લોકો, નવો દેશ, નવી રીતો... અને નવું નવું જોવાનું અને જાણવાનું. અરે, પહેલા અઠવાડિયે તો સૌથી મોટો ત્રાસ જમવાનો નડ્યો..કારણકે અહી સાત્વિક શાકાહારી હોટેલ શોધવી પડે એમ હતું... પણ ધીરે ધીરે બધું થાળે પડી ગયું. વાતાવરણ તો ગરમી અને હૂંફાળું, એટલે એમાં આપણને લોકોને તકલીફ ઓછી પડે.આ દેશ હશે મુંબઈથી પણ નાનો કદાચ, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત.

પણ પેલું કે છે એમ,"નવી વહુ નવ દા'ડા". બધું દૂરથી જોઇને સારું સારું લાગે, ફરવાની પણ મજા આવે, પણ વધારે સમય ઘરથી દૂર રહેવાનું આવે ત્યારે જ ખબર પડે.એક તો અહીના લોકોની રીતભાત જ અલગ! અહી કોઈ બસ કે ટ્રેઈનમાં પણ બાજુમાં બેઠેલા જોડે વાત ના કરે કે ન તો કોઈ પ્રતિભાવ આપે! અરે ઉપરથી બધા પોત-પોતાના iPod/iPhoe/iPad/Games એમાં જ વ્યસ્ત રહે. અરે ટ્રેઈન માં જઈએ તો લાગે કે આપણે એકલા જ મુસાફરી કરીએ છીએ!કોઈ અવાજ નહિ, ભલે ચિક્કાર ભરેલી ટ્રેઈનમાં પગ મૂકવાની એ જગ્યા ન હોય...!અને સાલું આપણા  જેવા લોકો, કે જે માણસોથી જ ટેવાયેલા હોય, વાતો કરવાની આદત હોય, મિત્રો વગર સવાર જ ન પડતી હોય, એની તો જે હાલત થાય? એ તો જયારે થાય ત્યારે જ ખ્યાલ આવે ને :).

જેમ જેમ કામમાં વ્યસ્તતા થતી ગઈ, એમ સમય પણ નીકળતો ગયો. અને આજે હવે પાછા  જવાનો વખત આવ્યો ત્યારે નક્કી કર્યું કે આ બે મહિનાનું સરવૈયું શું કાઢવું? એ જ, કે "ધરતીનો છેડો એટલે ઘર". આમાં હું કાઈ નવી વાર્તા માંડતો નથી યાર, આપણે બધા આ વાત જાણીએ અને સમજીએ છીએ..છતાં અવગણતા તો નથી ને, એ આપણે જોવાનું છે. ગમે તેમ કાંદા કાઢો, તો એ છેલ્લે તો ઘરે જ જવાનું છે એ વાત યાદ આવતા એક અનેરી "હાશ!" અનુભવાય છે...

અહી આવીને મેં બીજા દેશોમાં જઈને ત્યાં પ્રમાણે પોતાની રીતભાતો (એટલે નહિ કે કપડા, પણ સંસ્કાર, નીતિ-નિયમો અને ખાધાખોરાકી વગેરે) બદલીને Foreigner થઇ ગયેલા દેશીઓ જોયા છે... અને અહીના લોકો કરતા પણ વધુ અહીના હોય એવો દેખાડો કરતા હોય છે.અને પોતાના દેશનું નામ આવતા જાત જાતના બહાના કાઢે, કે "અહી તો બધું સરસ છે.. public transport સારું છે.. બધે AC છે... બહુ જ safe છે...લીલોતરી કેટલી છે?.." અને કૈક કેટલાયે બાના...મે યાદ ય નથી બોલો શું કહું હવે :)

પણ એને કહીએ ભાઈ, મુદ્દાની વાત કર કે તું અહી ડોલર ભેગા કરવામાં મજૂરી કરે છે...અને તને ત્યાં દેશમાં કદાચ જવાબદારી નહિ લેવી હોય ઘરની?કે કાંતો તને ત્યાની હરીફાઈમાં મજા નથી આવતી? તને દેશની ઠંડી, ગરમી અને ચોમાસું યાદ નથી આવતા...તને નવરાત્રી, દિવાળી, હોળી, ઉતરાણ, રમજાન, ઈદ... અરે ગણ્યા ગણાય નહિ એટલા તહેવારો છે, જે છાશવારે આપણને નવી ઉમંગ અને નવું જોમ આપે છે.. એ નથી ગમતું...કે તને તારા મહોલ્લા/સોસાયટીના ગલ્લે ગપ્પા મારવા નથી ગમતા? કે ત્યાની બજારમાં મળતી ચટપટી વાનગીઓ નથી ભાવતી? તારા મિત્રો નો સાથ કરતા તને એકલવાયું જીવન સારું લાગે છે? કે તને તારી માં-બાપે લાવેલી બાયડી નથી ગમતી?કે પછી ખુદ એ માં-બાપ જ બોજો લાગે છે જેના લીધે તું આજે આ જગ્યાએ છે? ઘણું બધું હોઈ શકે છે મિત્રો...અને એવું મને તો કઈ નથી લાગ્યું, કે જેના લીધે આટલું બધું છોડીને એકદમ સરળતાથી કોઈ ઘરથી દૂર આવી જાય!

હોય, કોઈ કોઈને પૈસાની સમસ્યા મારે આવવું પણ પડે. પણ થોડાક વર્ષોમાં  (મારો મતલબ ૨ થી 5 વર્ષ જ) ત્યાં જતા કેમ નથી રહેતા તો? પણ અહી આવીને ધીરે ધીરે માયા વધતી જાય...અને ખુદ ભગવાને કહ્યું છે એમ, માયા કોઈને મૂકતી નથી.. અહી વસાવેલું બધું મૂકીને તો કેવી રીતે ઉડે પાછા? એટલે બસ, પછી NRI થઇ જવાનું.. અને ખરેખર તો ધોબીના.......... નહિ કહું તો એ સમજી જ ગયા હશો :) અને પછી વર્ષે દા'ડે દેશમાં આવીને નાટકો કરવાના... કે મને તો આ ના ચાલે,, તીખું નાં ચાલે... પાણી સાદું તો નાં જ પીવાય...અરે એ તો બધા જાણે જ છે કે કેવા કેવા નાટકો થતા હોય છે :)

છેલ્લે એક જ વાત કહીશ...કે ઘરે ન રહી શકો તો કઈ નહિ, પણ જ્યાં જશો ત્યાં જ ઘર બનાવી દેશો, તો પછી પોતાના ઘરે ક્યારે જશો? અહી ઘરનો મતલબ તમે સમજી જ ગયા હશો... ઘરનો મતલબ એટલે ખાલી પોતાના ઘરના જ નહિ, પણ સગા-સંબંધી, મિત્રો, પાડોશી અને એવી કેટલીયે વાતો જે તમને ખરેખર ઘર શું છે અને ક્યાં છે તે યાદ અપાવ્યા કરશે...મળશે તમને અહી તમારા બાળપણના મિત્રોની કે ગામડાની માટીની સુગંધની યાદો? અરે તમે દેશમાં રહીને પણ વતનના ગામડે ઓછા જતા હોવ, તો વિદેશી થઈને તો... જરૂર છે મારે કઈ કહેવાની?

જિંદગી એક જ છે... નક્કી આપણે કરવાનું છે... કે શું જોઈએ છે....

Thursday, July 15, 2010

તસ્વીર: પુનીતવનની મુલાકાતે...

મિત્રો,હમણાં રથયાત્રાના દિવસે રાજા હતી. તો અહી નજીક જ આવેલા એક ઉદ્યાનમાં જવાનું નક્કી કર્યું.એકલા જ વળી...હું મારો કેમેરા લઈને નીકળી પડ્યો...ઘણા સમયથી કંઈક સારી ફોટોગ્રાફી કરવાનું વિચારતો હતો...તો એ દિવસે ચાન્સ મળી ગયો... અહી એમની કેટલીક તસ્વીરો રજૂ કરું છું...આશા છે કે તમને ગમશે...અને તમારા પ્રતિભાવોની રાહ જોઇશ...

(મોટી સાઈઝમાં જોવા માટે ચિત્ર પર  click કરજો...)



Wednesday, June 30, 2010

સૌરાષ્ટ્રની મુલાકાતે (ગીર, સોમનાથ અને દીવ)...


મિત્રો, આ લખવા માટે હું ખુદ ઘણો આતુર હતો, પણ કામને લીધે થોડુંક મોડું થઈ ગયું.

હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી. સૌરાષ્ટ્ર એટલે... કાઠીયાવાડ, ઝાલાવાડ, ગોહીલવાડ અને સોરઠનો સમન્વય... અને મારી ભૂલ થતી હોય તો યાદ કરાવજો...

(જૂનાગઢના પાદરે...)
અમારો પ્રવાસ અમદાવાદથી શરૂ કરીને રાજકોટ થઈને જૂનાગઢ થઈને ગીરના જંગલ સુધી પહોંચ્યો.

સવારે ૭ વાગ્યે અમદાવાદથી ગાડી લઈને નીકળ્યા. વચ્ચે થેપલાં, મસાલાવાળી પૂરી અને અથાણાંની મિજબાની ચાલી.

જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યે એક ઓળખીતાને લાભ આપ્યો જમવાનો! અને ત્યાંથી સાસણ તરફ ગાડી હંકારી...


આગળ જતાં ખબર પડી કે સિંહ જોવા હોય તો દેવળિયા જવું પડશે...એટલે અમે એ તરફ વળ્યા...

જૂનાગઢથી લઈને સાસણ જતાં વચ્ચે દેવળિયા આવે, જ્યાં ગીરનાં જંગલમાં જો સિંહના ખબર હોય તો તંત્ર દ્વારા બસમાં બેસાડીને જંગલમાં ૩૫ થી ૪૦ મીનીટ ફેરવવામાં આવે છે.

અને એક સીમા પછી આપણાં વાહનો પ્રતિબંધિત છે.

અને અમારા સદનસીબે ત્યાં સિંહ જોવા મળી ગયા! સિંહને જોઈને જ આંખો ચાર ને જીભડા બાર! આનંદની તો સીમા જ નહોતી...

(દેવળિયાના જંગલમાં...)

એ વનરાજીમાં એવા સોરઠના સાવજને...વનરાજને જોઈને એમ થયું કે આ જ જંગલનો રાજા! શું એની છટા... શું એની બેફિકરાઈ...અને શું એની ઊદારતા...


(સોરઠનો સાવજ... લાક્ષણિક પળોમાં...)

 (સાવજ્થી દૂર... ડર્યા વિના...)

વાહન એની એકદમ લગોલગ હોવાં છતાં એને તો જાણે કાંઈ પડી જ નથી!

જાણે કે આપણને જોઈને વિચારતો હોય કે," જુઓ જુઓ.. પિંજરામાં મનુષ્યોનું ટોળું આવ્યું...આપણી જેમ એને પણ કોઈક દિવસ તો પુરાવું પડ્યું!"...

પોતાની મસ્તીમાં મસ્ત એવા આ રાણાને જોઈ એની તસ્વીરો લેતાં મન નો'તું ધરાતું...પણ છતાંય બહાર તો જવું જ પડે ને...

ગીરથી લગભગ ૫.૩૦ જેવા નીકળીને અમારી ગાડી હાલી સોમનાથ તરફ...



સોમનાથ... આપણા ચાંદામામાએ જેની સ્થાપના કરી હતી તે... ભારતનાં ૧૨ જ્યોર્તિલીંગોમાંનું એક...

અરબી સમુદ્રના કિનારે... દરિયાદેવ જેની સતત પૂજા કરતા રહે છે...અને એનાં પગમાં અભિષેક કરતાં થાકતાં નથી...

(જય સોમનાથ...)
સોમનાથનો દરિયો... ભયંકર તોફાની...ઊંચા ઊંચા મોજા ઊછાળતો...જાણે કે શિવના તાંડવની યાદ ના અપાવતો હોય?

અને એમાંય વળી ચૌદસ-પૂનમના દિવસો... એટલે તો જાણે દરિયો, "મારું કે મરૂં... લઈ જાંઊ કે ખાઈ જાંઊ..."

અહીં દરિયા કિનારે ન્હાવાની મનાઈ હોવા છતાં લોકો પોતાની જાતને રોકી શકતાં નથી...

અને શિવ-શંભુ...ભોળાનાથનાં દર્શનનો લ્હાવો...રોજ સવારે અને સાંજે ૭ વાગ્યે થતી આરતીમાં માનવ મહેરામણ આજે પણ ઊભરાતો જ રહે છે...

શિવલીંગની સામે ઊભા રહિયે તો જાણે કોઈ અલૌકિક આનંદ મળે...એમ શાંતિ અનુભવાય...ત્યાંથી હટવાની ઈછ્છા જ ન થાય...

ત્યાંની હવામાં જાણે શિવતત્વ જ સમાયેલું છે..જે મનને ખૂબ જ શાંતિ અને નીર્મળતા આપનારું છે...

ખબર નથી કેમ... ભગવાનને તો કોઈનો ડર ન હોય.. પણ છતાંય અહીં ઘણી બધી પોલિસ ખડકી દેવાઈ છે...

અને બીજું એ... જે દરેક હિંદુ ધર્મસ્થાનની સમસ્યા છે... ગંદકી...આટલું મોટું ધામ હોવા છતાં ગંદકીનું પ્રમાણ વધી જ રહ્યું છે...

સવાર-સાંજ શિવને ભજી... આરતીમાં શિવનાં ગુણ-ગાન કરી અને બીજી સવારે અમે નીકળી પડ્યા... દીવ તરફ...



દીવ... નામ સાંભળતાં જ દરિયો...પાણી... સરસ મજાનાં કિનારા યાદ આવી જાય...

અને સાથે સાથે...પેલું ગીત પણ, "की पीने वालों को... पीने का... बहाना चाहिये..." મોટે ભાગે... દીવનું નામ આવે એટલે એ જ વાત હોય...

 (ગંગેશ્વર મહાદેવ...)

(દીવની જેલ...)

(ફોર્ટ...)

પણ એના સિવાય પણ દીવમાં ઘણી ફરવા લાયક જગ્યાઓ છે...

દીવ પોર્ટુગીઝોએ વસાવેલું શહેર છે એટલે એમાં એની ઝલક છતી થાય છે..વાસ્તવમાં અહીં ગુજરાતી લોકો જ વધુ છે, છતાં પણ એ વીતેલા જમાનાની યાદ અપાવે છે...

દીવનો કિલ્લો અને જેલ એ પોર્ટુગીઝોનાં જમાનાની મોટી અમાનત છે...અને એ એવું મજબૂત બાંધકામ છે કે આટઆટલાં વર્ષો પછી પણ અડીખમ ઊભી છે...

એનાં સિવાય સરસ દરિયા કિનારાઓ...જ્યાં લોકો ન્હાવાની મજા માણે... અને અહીંનો દરિયો શાંત છે... જાણે ઉદારતાથી આપણને ન્હાવાની પરવાનગી આપતો ના હોય...

અહીં નાગોઆ બીચ અને ઘોઘલા બીચ બહુ જ વિખ્યાત છે... એ સિવાય ગંગેશ્વર મહાદેવ્નું મંદિર, સનસેટ પોઈંટ, સમર હાઊસ અને બીજી એવી જગ્યાઓ જે બહુ લોકો નહી જાણતા હોય...

એવા બીચ પણ છે જ્યાં માંડ દસથી પંદર લોકો પણ જોવા નથી મળતા...ત્યાં વિદેશી મુસાફરો તડકો ખાતા હોય છે...

દરિયામાં ન્હાવાની મજા જ ઓર છે...

દરિયો જાણે આપણી સાથે રમત કરતો હોય એમ દર વખતે કપડાંનાં ગજવામાં ભીની માટી ભરી દે...

એક વાર ધીરે તો બીજી વાર જોરથી..એમ કરીને વધુને વધુ પલાળતો રહે...

મારું માનો... તો ગોવા કરતાં પણ દીવ વધું સુંદર અને સ્વચ્છ છે...અને અહીંના લોકો પણ સરળ છે...

આપણને ગોવાની જેમ અહીં ખોટી ભીડ નહિ લાગે...અને ખરેખર "રજામાં મજા" સાર્થક છે...


બસ... ત્રણ દિવસનો આ પ્રવાસ દીવથી જ પતાવી અમે પાછા અમદાવાદ તરફ નીકળી પડ્યાં...

પાછાં આપણી રોજબરોજ શરૂ...કામ કાજ અને નોકરીઓ.. એ જ ખરૂં...

પાછાં આવવાનું મન તો કોઈને ન થાય પણ...આવવું તો પડે જ ને...

તન અને મનથી એકદમ તાજાં થઈને હવે કામ તરફ વળવાનો પ્રયત્ન કરીશું ને...