Showing posts with label જીવન. Show all posts
Showing posts with label જીવન. Show all posts

Tuesday, March 5, 2013

આપણું જીવન - એક અનંત દોડ ...

કોઈ વખત આપણે એકાંતમાં હોઈએ ત્યારે જુદા જુદા વિચારો મનમાં આવે, અને સાથે જ ઘણા બધા પ્રશ્નો પોતાની જાતને પૂછીએ . એના જવાબો જો કે સરળ નથી હોતા, અને હોય છે તો પણ આપણે એને જવાબ માનતા જ નથી . હા, એ જ તો આપણી મનુષ્યોની ખાસિયત છે , કે પછી નબળાઈ છે? એવો જ એક સવાલ આજે મનમાં ઉદભવ્યો . 

નાનપણમાં જયારે આપણી પાસે સમય હતો, મિત્રો હતા, ગામનું પાદર હતું, રમતનું મેદાન હતું, એ જૂની સાઈકલ હતી ... ત્યારે જે ખુશી અને સંતોષ મિત્રો સાથે રમવામાં અને ગામમાં ફરવામાં થતા, એ હવે મળે છે? 

કોઈ કહેશે કે હા, મળે છે ... કેમ? કારણકે આપણી પાસે ભૌતિક સંપત્તિઓ છે માટે? તો કદાચ તમે બહુ નસીબદાર છો કે એમાંથી ખુશી મેળવી શકો છો, અથવા તો તમે સાચું સ્વીકારતા ડરો છો ...

ભૌતિક સંપત્તિ એ એક જાતની જાળ છે . હા, જાળ ... એટલા માટે કે આપણને સંતોષ જ નથી થવા દેતી . એક વસ્તુ, પછી બીજી વસ્તુ, પછી ત્રીજી  ... અને એ એમ જ ચાલે જ જાય ... કોઈ દિવસ એનો અંત જ નથી આવતો ... આપણે એની પાછળ જ પડ્યા રહીએ છે, પહેલા એને મેળવવા માટે અને પછી એનાથી પણ મનને વધુ લોભાવતી વસ્તુ પાછળ ! આ એક અનંત શ્રુંખલા છે!

ખબર છે શું ફર્ક છે બાળપણમાં અને અત્યારે? એ કે નાનપણમાં આપણી જરૂરિયાતો બહુ માર્યાદિત રહેતી, કારણકે આપણે કુદરતી આનંદ મેળવી શકતા હતા ... રમતો રમીને, મિત્રો સાથે હળીમળીને, ગામને પાદર ધીંગામસ્તી કરીને ... ખેતરો અને તળાવોમાં, નદીઓ અને બજારોમાં ફરીને ... એ નાનપણનો કુદરતી આનંદ યાદ છે? ત્યારે સમય હતો ... :)

સમય, એક એવી વસ્તુ જેનો આપણી જોડે કોઈ ઈલાજ નથી ... જેની સામે મનુષ્ય હારી જાય છે ... મને કહો, ગમે તેટલા પૈસા હોવા છતાં આપણે સમય ખરીદી શકીએ ? ના ... એ શક્ય નથી .

હવે આપણે પૈસા પાછળ દોડીએ છીએ, આગળ વધવાની દોડ અનંત છે . એમાં ને એમાં જ સમય વીતી રહ્યો છે, અને આપણે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ . એ સતત દોડથી કંટાળેલા આપણે ભૌતિક વસ્તુઓથી પોતાની જાતને ખુશ રાખવા મથીએ છીએ . મનને એવું મનાવીએ, કે આનાથી આનંદ મળશે . સમય ઓછો હોય છે, એટલે એવી વસ્તુઓ પાછળ જઈએ જેનાથી ઓછા સમયમાં વધુ આનંદ મળશે એવી આશા હોય !

વધુ પૈસા કમાવી અને પછી વધુ વપરાશ કરે, એવું વિચારીને કે જલસા કરો ને! પણ એ ખરેખર તો એટલા માટે છે, કે તમે તમારા મનને મનાવવા માંગો છો ... પોતાને ન ગમતું કાર્ય કરવું પડે છે, એ વાત ને ભૂલાવવા માટે પૈસાનો  અને ભૌતિક વસ્તુઓનો સહારો લઈએ છીએ ... એટલા માટે, કે ભૌતિક વસ્તુઓમાં જ આનંદ છે એમ માની એની માટે વધુ સંપત્તિ એકઠી કરવા માંગીએ છીએ ... 

પણ એ વસ્તુઓ જરૂરી છે? એનાથી ખરેખર ફર્ક પડે છે? એક ગાડી લાવીએ, પછી એનાથી મોટી ગાડી જ નજરમાં આવે છે . જે હાથમાં છે તે વસ્તુ છોડીને આપણે બીજી વસ્તુનું જ વિચારીએ છીએ . યાદ કરીને કહો, કે એવી કઈ વસ્તુ તમે કરી, જે વગર વધુ પૈસે ના થઇ શકત ... અને તેના ન થવાથી તમને બહુ મોટો ફર્ક પડત ! હું માનતો નથી કે એવી કોઈ વસ્તુ હશે ... અત્યારે તમારી જોડે વધુ સંપત્તિ હશે તો પણ તમે એનો એવો તો ઉપયોગ નથી જ કરતા, કાઈ સોનાની થાળીમાં તો નથી જ જમતા ! ખાલી એકઠી કરવામાં જ લાગેલા હઈશું કદાચ!

આ વસ્તુથી કોઈ બાકાત નથી, ગરીબ કે તવંગર બધાને કોઈ ને કોઈ વસ્તુ પાછળ ઘેલું લાગેલું જ હોય છે . પરંતુ આપણે કોઈ એવું નથી વિચારતા કે ખરેખર જે વસ્તુની આટલી તાલાવેલી છે એ શું અનિવાર્ય છે? કદાચ નથી જ, અને જે વખતે એ સમજાય ત્યારે ઘણું બધું હાથમાંથી નીકળી ગયું હોય છે ... 

એક ઘર લીધું, પછી બીજું લીધું, પછી ગાડી લીધી, ફર્નીચર ... અને એની સામે લોન લોન અને લોન ... અને પછી એ લોન ભરવામાં દર મહિનાનો હપ્તો પૂરો કેમ કરવો એમ વિચારીને વધુ મજુરી કરવાની ... આ તો એક ઉદાહરણ માત્ર છે, બિનજરૂરી એટલે કે જે અનિવાર્ય ના હોય એવી દોડધામ માટેનું ...

આનો એક જ ઉકેલ છે, હાજર સમય અને વસ્તુની કદર અને સદુપયોગ! બિનજરૂરી વસ્તુઓનો પીછો છોડી સંતોષપૂર્વક પોતાનું કામ કરવું .બિનજરૂરી વસ્તુઓ પાછળની દોટ છોડી દેવાથી મનની અને શરીરની કાર્યદક્ષતામાં વધારો થાય છે, એકાગ્રતા અને ધ્યાનપૂર્વક અધ્યાત્મિક સ્તરે આગળ વધવામાં પણ આસાની થાય છે, અને જીવનમાં નિયમિતતા કેળવાય છે .

પોતાના માનસિક, શારીરિક અને અધ્યાત્મિક વિકાસ માટે આપણે દરેકે આ વસ્તુ સમજવાની જરૂર છે અને એની પર અમલ કરવાની પણ!

Tuesday, March 20, 2012

માન...

માન એ બહુ કીમતી વસ્તુ છે. કીમતી એ રીતે, કે એનો અર્થ સાદો છે પણ મર્મ ઘણો ઊંડો છે! માનની સામે ગુમાન મુકવું પડે, ગુમાન અને માન બંને સાથે નો રહી શકે. જેને માન મળે,એ વ્યક્તિએ માનને લાયક બનવા ઘણું બધું સહન કર્યું હોય, ગુમાવ્યું હોય. માન એ કુળની ખાનદાની છે…મરદની ઓળખાણ છે અને વ્યક્તિની ખુમારી છે!

પેલું કેવાય છે ને, કે "પર્વત ઉપર ચડવું સહેલું છે પણ ઉપર ટકી રહેવું એ અઘરું છે. એ જ રીતે, માન સાચવવું એ તો એનાથી પણ અઘરું છે. એની માટે નમ્રતા, વિવેક, સદબુદ્ધિ અને શાણપણનો સંગાથ કરવો પડે. ઉતાવળ અને ક્રોધનો નેડો મેંલવો પડે...

Monday, March 14, 2011

છેલ્લા મહિનામાં અંતરમનમાંથી ઊભરાયેલા શબ્દોની માળા...

જેમ ટોચ પર બેઠેલો કાગડો કડી ગરુડ બનતો નથી...
તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...

વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!

દિમાગનું દહીં... અને મગજના ભજીયા...
જરૂર પડી ત્યારે જ પ્રભુને ભજયા?

गुनाह वो नहीं ...जो कायदा और क़ानून तोड़ दे...
गुनाह वो है .. जो ...
दिल, रिश्ते और प्यार की लडियां तोड़ दे...
ज़मीर और ईमान की कड़ियाँ तोड़ दे...

ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!

દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!

કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?

Saturday, December 11, 2010

સિંગાપોરની મુલાકાત: એક સરવૈયું...અને મનની વાતો...

સિંગાપોરમાં આવે વખત થયો...ઓક્ટોબરથી અહી આવેલો.. અને હવે પાછો જઈશ, ત્યારે બે મહિના પૂરા થશે. લખવાની ઈચ્છા તો ઘણા સમયથી હતી, પણ કામના ભારણને લીધે એ શક્ય ન બન્યું...

અહીની પ્રવાસની વાતો તો બહુ મળશે તમને, અને અહી વિષે જાણવું પણ સરળ છે. આજે Internet નાં માધ્યમને લીધે તમે પ્રવાસ શરુ કરતા પહેલા જ બધું જાણી શકો છો...અહી આપણે એની વાત નથી કરવાના... :)

અહી આવીને શરૂમાં તો બધું ખૂબ અજાણ્યું લાગ્યું. નવા લોકો, નવો દેશ, નવી રીતો... અને નવું નવું જોવાનું અને જાણવાનું. અરે, પહેલા અઠવાડિયે તો સૌથી મોટો ત્રાસ જમવાનો નડ્યો..કારણકે અહી સાત્વિક શાકાહારી હોટેલ શોધવી પડે એમ હતું... પણ ધીરે ધીરે બધું થાળે પડી ગયું. વાતાવરણ તો ગરમી અને હૂંફાળું, એટલે એમાં આપણને લોકોને તકલીફ ઓછી પડે.આ દેશ હશે મુંબઈથી પણ નાનો કદાચ, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત.

પણ પેલું કે છે એમ,"નવી વહુ નવ દા'ડા". બધું દૂરથી જોઇને સારું સારું લાગે, ફરવાની પણ મજા આવે, પણ વધારે સમય ઘરથી દૂર રહેવાનું આવે ત્યારે જ ખબર પડે.એક તો અહીના લોકોની રીતભાત જ અલગ! અહી કોઈ બસ કે ટ્રેઈનમાં પણ બાજુમાં બેઠેલા જોડે વાત ના કરે કે ન તો કોઈ પ્રતિભાવ આપે! અરે ઉપરથી બધા પોત-પોતાના iPod/iPhoe/iPad/Games એમાં જ વ્યસ્ત રહે. અરે ટ્રેઈન માં જઈએ તો લાગે કે આપણે એકલા જ મુસાફરી કરીએ છીએ!કોઈ અવાજ નહિ, ભલે ચિક્કાર ભરેલી ટ્રેઈનમાં પગ મૂકવાની એ જગ્યા ન હોય...!અને સાલું આપણા  જેવા લોકો, કે જે માણસોથી જ ટેવાયેલા હોય, વાતો કરવાની આદત હોય, મિત્રો વગર સવાર જ ન પડતી હોય, એની તો જે હાલત થાય? એ તો જયારે થાય ત્યારે જ ખ્યાલ આવે ને :).

જેમ જેમ કામમાં વ્યસ્તતા થતી ગઈ, એમ સમય પણ નીકળતો ગયો. અને આજે હવે પાછા  જવાનો વખત આવ્યો ત્યારે નક્કી કર્યું કે આ બે મહિનાનું સરવૈયું શું કાઢવું? એ જ, કે "ધરતીનો છેડો એટલે ઘર". આમાં હું કાઈ નવી વાર્તા માંડતો નથી યાર, આપણે બધા આ વાત જાણીએ અને સમજીએ છીએ..છતાં અવગણતા તો નથી ને, એ આપણે જોવાનું છે. ગમે તેમ કાંદા કાઢો, તો એ છેલ્લે તો ઘરે જ જવાનું છે એ વાત યાદ આવતા એક અનેરી "હાશ!" અનુભવાય છે...

અહી આવીને મેં બીજા દેશોમાં જઈને ત્યાં પ્રમાણે પોતાની રીતભાતો (એટલે નહિ કે કપડા, પણ સંસ્કાર, નીતિ-નિયમો અને ખાધાખોરાકી વગેરે) બદલીને Foreigner થઇ ગયેલા દેશીઓ જોયા છે... અને અહીના લોકો કરતા પણ વધુ અહીના હોય એવો દેખાડો કરતા હોય છે.અને પોતાના દેશનું નામ આવતા જાત જાતના બહાના કાઢે, કે "અહી તો બધું સરસ છે.. public transport સારું છે.. બધે AC છે... બહુ જ safe છે...લીલોતરી કેટલી છે?.." અને કૈક કેટલાયે બાના...મે યાદ ય નથી બોલો શું કહું હવે :)

પણ એને કહીએ ભાઈ, મુદ્દાની વાત કર કે તું અહી ડોલર ભેગા કરવામાં મજૂરી કરે છે...અને તને ત્યાં દેશમાં કદાચ જવાબદારી નહિ લેવી હોય ઘરની?કે કાંતો તને ત્યાની હરીફાઈમાં મજા નથી આવતી? તને દેશની ઠંડી, ગરમી અને ચોમાસું યાદ નથી આવતા...તને નવરાત્રી, દિવાળી, હોળી, ઉતરાણ, રમજાન, ઈદ... અરે ગણ્યા ગણાય નહિ એટલા તહેવારો છે, જે છાશવારે આપણને નવી ઉમંગ અને નવું જોમ આપે છે.. એ નથી ગમતું...કે તને તારા મહોલ્લા/સોસાયટીના ગલ્લે ગપ્પા મારવા નથી ગમતા? કે ત્યાની બજારમાં મળતી ચટપટી વાનગીઓ નથી ભાવતી? તારા મિત્રો નો સાથ કરતા તને એકલવાયું જીવન સારું લાગે છે? કે તને તારી માં-બાપે લાવેલી બાયડી નથી ગમતી?કે પછી ખુદ એ માં-બાપ જ બોજો લાગે છે જેના લીધે તું આજે આ જગ્યાએ છે? ઘણું બધું હોઈ શકે છે મિત્રો...અને એવું મને તો કઈ નથી લાગ્યું, કે જેના લીધે આટલું બધું છોડીને એકદમ સરળતાથી કોઈ ઘરથી દૂર આવી જાય!

હોય, કોઈ કોઈને પૈસાની સમસ્યા મારે આવવું પણ પડે. પણ થોડાક વર્ષોમાં  (મારો મતલબ ૨ થી 5 વર્ષ જ) ત્યાં જતા કેમ નથી રહેતા તો? પણ અહી આવીને ધીરે ધીરે માયા વધતી જાય...અને ખુદ ભગવાને કહ્યું છે એમ, માયા કોઈને મૂકતી નથી.. અહી વસાવેલું બધું મૂકીને તો કેવી રીતે ઉડે પાછા? એટલે બસ, પછી NRI થઇ જવાનું.. અને ખરેખર તો ધોબીના.......... નહિ કહું તો એ સમજી જ ગયા હશો :) અને પછી વર્ષે દા'ડે દેશમાં આવીને નાટકો કરવાના... કે મને તો આ ના ચાલે,, તીખું નાં ચાલે... પાણી સાદું તો નાં જ પીવાય...અરે એ તો બધા જાણે જ છે કે કેવા કેવા નાટકો થતા હોય છે :)

છેલ્લે એક જ વાત કહીશ...કે ઘરે ન રહી શકો તો કઈ નહિ, પણ જ્યાં જશો ત્યાં જ ઘર બનાવી દેશો, તો પછી પોતાના ઘરે ક્યારે જશો? અહી ઘરનો મતલબ તમે સમજી જ ગયા હશો... ઘરનો મતલબ એટલે ખાલી પોતાના ઘરના જ નહિ, પણ સગા-સંબંધી, મિત્રો, પાડોશી અને એવી કેટલીયે વાતો જે તમને ખરેખર ઘર શું છે અને ક્યાં છે તે યાદ અપાવ્યા કરશે...મળશે તમને અહી તમારા બાળપણના મિત્રોની કે ગામડાની માટીની સુગંધની યાદો? અરે તમે દેશમાં રહીને પણ વતનના ગામડે ઓછા જતા હોવ, તો વિદેશી થઈને તો... જરૂર છે મારે કઈ કહેવાની?

જિંદગી એક જ છે... નક્કી આપણે કરવાનું છે... કે શું જોઈએ છે....

Monday, August 2, 2010

સમસ્યાનો સર્જક ખુદ માનવી...

દુખ..ખામી...સમસ્યા.., એ શબ્દ જેને સાંભળીને ભલભલા હલી જાય...મનમાં સો વિચારો આવી જાય... આ દુનિયામાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ, ભલે એ પરની હોય કે માનવી. અને એ જ જીવનની સચ્ચાઈ છે.જો જગતમાં બધું યોગ્ય જ હોય, બધું જેમ આપણે ઈચ્છીએ તેમ હોય તો પછી આ દુનિયા જાણે યંત્રયુગમાં થઇ ગઈ કે’વાય! અરે, ખરેખર તો યંત્રોમાં પણ ખામીઓ હોય છે, એટલે આપણે એને યંત્રયુગ કહેવું પણ અયોગ્ય ગણાશે. તો એણે શું કહેવું? કારણકે આજ દિન સુધી દુનિયામાં સુયોગ્ય તો કોઈ વસ્તુ છે જ નહિ!

જુદાજુદા લોકો માટે સમસ્યાનો મતલબ અલગ હોય. ઘણી વાર એકની સમસ્યા બીજાને દેખાય પણ નહિ... અને ઘણી વાર નાની વાત પર ભારે સમસ્યા જેવડી લાગે...

સોળ આને સાચી વાત કહું તો, સમસ્યાઓ આપણે જાતે જ ઉભી કરીએ છીએ! હા, ભલે તમે આ સત્ય સ્વીકારશો નહિ અને કદાચ એણે ગાંડપણ કે જુઠું કહેશો. એ આપણે જ છીએ જે વાતનું વતેસર કરી નાખીએ છીએ..

ખાલી એક વાત... એ પરિસ્થિતિ .. એ સંજોગો...એ વાતાવરણ અને આસપાસનો વિચાર કરો..જયારે તમે કોઈ સમસ્યા કે દુખનો સામનો કર્યો હોય. અને પછી જરા તમારા દિમાગ પર થોડી યાદો ફંફોળવાની મહેનત કરો...કે એ કયા કારણથી સર્જાઈ હતી?કે પછી... તમે જ એનું કારણ તો નહોતા?એવી તો કઈ વાત થઇ હતી કે આખી વાત બગડી ગઈ હતી... 

માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પાત્ર પણ કોઈ દિવસ તો છલકાઈ જ જાય ને...એમાં માણસનો સ્વભાવ જ કામ કરે છે...અને આપણને એનો જવાબ મળી જ જશે કે આપણે આપણા સ્વભાવ, અનુભવ અને સમજદારીથી ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ..વાતનું વતેસર અટકાવી શકીએ...

પહેલી વાત...જે યાદ રાખવી... કે માનવી એ કુદરતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ નિર્માણ છે...એટલે માણસ બનીને કઈ નહિ થાય... સારા માનવી બનવાનું ધ્યેય હોવું ઘટે... તો જ કુદરતે આપેલા જન્મનો કઈ તો બદલો આપ્યો ગણાય!

બીજું એ...કે ભલે જીવનમાં આપણે કંઈક કરતા હોઈએ એવું લાગે..પણ એની દોર આપણા હાથમાં નથી...સંજોગો આપણા હાથમાં નથી, પણ એ ટાણે શું કરવું એ તો આપણી ઉપર છે ને? એટલે નકામી નાની બાબતો પર ચિંતા કર્યાં કરતા શાંત મનથી જીવવું જોઈએ. દરેક પળે કંઈકને કંઈક ચિંતા કરી અને વિચારી વિચારીને મગજની કડી કરી નાખવાથી પણ કાઈ ફરક પડવાનો નથી..

જે ચિંતા કર્યાં વગર... કોઈ જાતના ભયથી વ્યતીત નથી થતો...અને દરેક ઘડીને મનથી અને શાંતિથી માણે છે એ આ જગતમાં સૌથી સુખી વ્યક્તિ છે...કોઈ પણ દુખ કે સમસ્યા.. આવવા દો.. થઇ પડશે ભઈલા! એનો સામનો કરવાનો જુસ્સો રાખવો જોઈએ..પણ એનાં વિચારોથી મન વ્યથિત કરવાનો શું અર્થ? આપણે કહીએ છીએ ને..કે ઘોડા વેચીને ઉંઘી શકે ને... એ જ જીન્દગી!

જેવા છો તેવા જ રહી..સાચા અને આનંદિત રહો...અને પછી આપણને ખ્યાલ આવશે કે જે તમને સમસ્યા લાગતી હતી તે ખરેખર એટલી મોટી બાબત હતી જ નહિ! પણ એની માટે મન, તન અને દિમાગ.. ત્રણેય શાંત અને સક્ષમ રાખવું પડે.

હું પણ.. જો એવું કરી શકું તો સારું થાય...પણ મિત્રો, આ જ રીતે...કદાચ... આપણે જિંદગીની રીત બદલી શકીએ...અને તો પછી... શા માટે આ દુનિયા નહિ...? કોણ જાણે... થઇ પણ જાય...

Friday, July 30, 2010

હેતને ન હોય કોઈ હેતુ ...

હેતને ન હોય કોઈ હેતુ

સંબંધના બાંધવાના હોય સદા સેતુ

મનની મહોલાત બધી છલકાવી દઈએ

થાય પછી લાગણીની લહાણ

મબલખ આ માનવીના મેળામાં

કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ...

માણસ ગમે તેટલો સમર્થ હોય,પણ ઉકળતા પાણીમાં એ કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી.
ક્રોધ પણ ઊકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં છે તે જોઇ શકતો નથી.

મતલબ વિનાની લાગણી ...

મતલબ વિનાની લાગણી મળતી નથી અહી,
દિલ માં એ લોકોના દિમાગ છે અહી તો...
આભાર, કૃણાલ સોની

Friday, July 16, 2010

ઘરના નાકે વિતાવેલી ...

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.
જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.
દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે.....
આભાર, સની મેહતા.

માણસ નથી બદલાતો.,માનસ બદલાય છે...

બદલાતો મોર્ડન જમાનો...આપણે કહીએ છીએ કે જમાનો બદલાય છે,પણ એવું નથી. 

માણસ નથી બદલાતો..માનસ બદલાય છે...

હા.. એવું જ છે... 

માણસ તો એનો એ જ છે.બદલાય છે અને ઉમેરાય છે ખોટી રીતભાતો..ખોટા ખોટા આડંબરો...ખોટા ખ્યાલો...
અવનવી ચીજો અને ટેકનોલોજીને લીધે રોજબરોજની જીન્દગી બદલાઈ રહી છે.નવું નવું શીખી રહ્યા છે લોકો..એમાં સારું પણ છે અને ખરાબ પણ...

એકલવાયું રહેવું ગમે છે હવે બધાને...સાથ નથી ખપતો સગાં-સંબંધી અને મિત્રોનો...

"જે નાતના પ્રસંગોમાં પહેલાં ખુશીથી જતાં, ત્યાં હવે આપણને ભીડ લાગે છે...
પસીનાથી ચીડ લાગે છે...
જે લગ્નો અને સમારંભોમાં જવા યુવાનો તલપાપડ થતા, ત્યાં હવે કાગડા ઉડે એવું લાગે છે... 
જ્યાં યુવાનો અને ગામના છોકરાઓ જમણવારની પંગતમાં જમવાનું પીરસતા, ત્યાં હવે કેટરિંગ વાળાઓ ભીડ ભાંગે છે...

એના બદલે... 

ડીસ્કો અને સિનેમામાં એમને ચસ્કો લાગે છે...ત્યાં જ એમને જાણે ફાવે છે...ત્યાંની ભીડ એમને 'કૂલ ક્રાઉડ' લાગે છે...ત્યાંનો પસીનો એમને 'ફ્રુટ જ્યુસ' લાગે છે..."

માણસ સામાજિક પ્રાણી છે અને એટલે જ એણે સમાજમાં રહેવું જોઈએ. 
ફક્ત ઇન્ટરનેટના 'સોશીઅલ નેટવર્કિંગ' ની સાથે સાથે એણે રૂબરૂમાં પણ લોકોને મળવું ન જોઈએ? 
તો જ દુનિયામાં કંઇક રહેશે...નહિ તો રોબોટોની જ દુનિયા થઇ ગઈ ગણાય ને...?

સુપ્રભાત - માણસ.., ફૂલને ખબર નથી.., વધુ પડતી પ્રશંસા... અને જીન્દગી ...

"દર વખતે પોતે ભૂલ કરીને શીખવું નકામું છે... બીજાની ભૂલો પરથી શીખે તે જ માણસ..."

"ફૂલને ખબર નથી... એની જવાનીને ચૂંટવા બેઠા છે કંઈક ભમરો...
તને ખ્યાલ નથી હે પુષ્પ.. વાસના અને કટુતાથી ભરેલી છે એમની નજરો..."

"વધુ પડતી પ્રશંસા અને વધુ પડતી માવજત શંકા પ્રેરવી જોઈએ.."

"પડી પડીને ચડે એનું જ નામ જીન્દગી ...બાકી તૈયાર પગથીયા પર ચડવું તો બધાને
આવડે છે..."

Thursday, July 15, 2010

મે ટેન્શન મુકત થવા ...

મે ટેન્શન મુકત થવા રેડવાઇન પીધો
મગજ નુ ટેન્શન હ્રદય તરફ વળ્યુ
મે ટેન્શન મુકત થવા ધુમ્રપાન કીધુ
ધુમાડા બહાર નીકળ્યા અંદર કઇક બળ્યુ
મે ટેન્શન મુકત પ્રેમ પ્રયોગ કીધો
...પ્રેમ મા મન વાસના તરફ ઢ્ળ્યુ
મે ટેન્શન મુકત થવા વ્રત તપ કર્યા
તાણ મુકત થવા એક તપ ના ફળ્યુ
મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ કીધા
ટેન્શન ન ઘટ્યુ આખુ શરીર ગળ્યુ
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

‘સ્વમાન’ સ્વ વિકાસની ગાડીનું ...

‘સ્વમાન’ સ્વ વિકાસની ગાડીનું પેટ્રોલ છે, પરંતુ ‘અભિમાન’ એ કાબ્યુંરેટરનો કચરો છે.
માટે ‘સંતુલિત સમજપ્તની સર્વિસ રેગ્યુલર કરાવવી જોઇએ.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

આવતી કાલમાં શું છુપાયેલું છે...

આવતી કાલમાં શું છુપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી, પણ આજે અને અત્યારે જે સામે છે તેનીતો આપણને બરાબર ખબર છે, છતાં નવાઈની વાત એ છે કે અત્યારની પળે અત્યારનું કામ કરવાને બદલે તેને આવતી કાલની ચિંતામાં આપણે વેડફી નાખીએ છીએ
 આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

પરસ્પર પ્રેમ ના ગુણાકારથી ...

પરસ્પર પ્રેમ ના ગુણાકારથી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે
શંકા કુશંકાની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે
ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
...કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે
સ્વાર્થ ના બીજગણિત થી સંબંધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશ્મની સુધી લંબાય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Friday, July 9, 2010

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

શ્વાસ ખખડે છે અને વાગે છે

શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.

કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.

ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ઝીલી શકે

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

- ખલીલ ધનતેજવી

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ.

ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ.

કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ.

ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.

રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન

આપણા માટે સમજદારી નથી

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી