Showing posts with label આધ્યાત્મ. Show all posts
Showing posts with label આધ્યાત્મ. Show all posts

Sunday, July 25, 2010

પાપ-પુણ્ય – ભક્તિ એ ખાંડાની ધાર...

ડાયરાનાં મોઢે સાંભળેલી આ વાત, સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે મારા દોસ્તો...

કે એક માણસ હતો, ખૂબ તાકાતવાળો મર્દ મૂછાળો..તલવારની ધારનો ઉપયોગ કરતા પાછો નો પડે કદી. ચોરી લૂંટફાટ કે પોતાની આન-આબરૂ કે પછી મોભા માટે થઈને કોઈ કારણસર તેનાથી નવાણું ખૂન થઇ ગયા. ત્યાં સુધી તેને ભાન નો’તું કે શું બની ર’યું છે..

અચાનક તેને થયું કે આટઆટલાં પાપ શા માટે કર્યાં? એવું તે શું કારણ કે મારે આટલી બધી હત્યાઓ કરવી પડી? તેને પોતાની જાત પ્રત્યે ધૃણા પેદા થઇ ગઈ અને તે સત્યની ખોજમાં, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી પડ્યો. 

તેની તલવાર હવે મ્યાન થઇ ચુકી હતી. તેના મોઢા પર કોઈ ભાવ નો’તા. તેને ભૂખ-તરસનું ભાન નો’તું.મનમાં હતું તો બસ એક જ ધ્યાન, કે બસ હવે બહુ થયું. બસ તેના પગ હાલી રહ્યાં હતા, એ આશાએ કે કોઈ મળશે એને જે સત્યનો માર્ગ બતાવશે અને તેને જીવનના મૂળ હેતુથી પરિચિત કરાવશે.

હાલતો હાલતો એક દરગાહ આગળ પહોંચ્યો. ત્યાં એક ફકીર બેઠો હતો અને ખુદાની બંદગી કરી રહ્યો હતો. ફકીરના મોઢા પર બસ એક જ ભાવ હતો, દયાનો...! એનું સઘળું યે ધ્યાન બસ અલ્લાહ-ખુદા-ઉપરવાળાની સામે જ હતું. એની ભક્તિમાં એ લીન હતો. એના મેલાં કપડાં, વધેલી અને ગંદી દાઢી અને ચીંથરા જેવા વાળ.. પણ એને ક્યાં કોઈની પડી હતી! એ તો બસ પોતાના ભગવાનમાં મગ્ન હતો.

ફકીરે એને જોયો, અને એના ભાવહીન ચેહરાને જોઈને એની માનસિક સ્થિતિનો તાગ એને આવી ગયો. 

ફકીરને એણે પૂછ્યું કે,”મારાથી નવાણું ખૂન થઇ ગયાં છે અને હું એને ધોવા ચાહું છું. એનું પ્રાયશ્ચિત કરીને કબૂલ કરવા માંગુ છું.” 

ફકીરે એને કહ્યું,”અહી રોકાઈ જા, સેવા-બંદગી કર. સાફસૂફી કરજે અને નજીકમાંથી જરૂર પૂરતી ભિક્ષા માંગી લાવજે. એમાંથી આપણે બંને નિર્વાહ કરી લેશું.તારા પાપ ધોવાની જવાબદારી મારી.ઉપરવાળો બધાની સાંભળે છે. એ તો સૌથી મોટો યે છે અને સૌથી નાનો યે. એ તો બસ તમારી પરીક્ષા લીધે રાખે. હું કહું એમ કરતો જા, એક દી બધું હારું થઇ જાશે!”

રોજ સવારે એ માણસ ઉઠે અને સૌથી પહેલા ફકીરને એક જ સવાલ પૂછે રાખે, “મારા નવાણું પાપ ધોવાઈ ગયાં?” રોજ ફકીર એને જવાબ દે,” બેટા હજુ વાર છે,બધું સારું થઇ જાશે”. આ જ ક્રમ નિત્ય ચાલતો રહે. ના તે થાકે અને ના એના એ જ પ્રશ્નનો જવાબ આપતા ફકીર! આવું તો વર્ષો સુધી ચાલ્યું.

એક દિવસ ફકીરને એને એ જ સવાલ પૂછ્યો, ત્યારે ફકીરે એને કહ્યું,
“બેટા, હવે તું તારે ગામ જા. તે મારી બહુ સેવા કરી છે. પણ એક કામ કરજે. તારે ગામ જઈને આ વડની ડાળી એવી જગ્યાએ વાવજે જ્યાં લોકોની અવરજવર બહુ જ ઓછી હોય.”

એણે પૂછ્યું,”મારા બાપલીયા, એવી તો કઈ જગા હોય? ગામમાં તો એવી જગા ગોતવી અઘરી છે.”

ફકીરે કહ્યું,”કોઈ જગા ના મળે તો એણે સ્મશાનમાં વાવી દેજે.”

એણે કહ્યું,”સ્મશાન? એ તો અપવિત્ર ના કહેવાય? એવી જગાએ આ વૃક્ષ વાવીને શું ફાયદો?”

ફકીરે કહ્યું,”બેટા, એ તો સૌથી પવિત્ર જગા છે. સ્મશાનમાં અવરજવર પણ ઓછી હોય. અને ત્યાં કદી માણસને ખરાબ વિચારો ના આવે.ત્યાં એનું મન હમેશાં પવિત્ર જ હોય.ત્યાં જ નાના મોટાનો ભેદ નથી અને ત્યાં જ એનું અંતિમધામ. ત્યાં જઈને જ માણસ સત્યને પામે છે અને ખુદાને જાણે છે.માટે તું આ વૃક્ષને સ્મશાનમાં જ વાવજે. અને રોજ રાત્રે બાર વાગે તું ઘડો ભરીને પાણી પીવડાવવા જાજે.”

એણે ફકીરની વાતને માથે ચડાવી અને પોતાને ગામ ભણી ચાલ્યો. ત્યાં આવીને એણે નિત્યક્રમ શરૂ કરી દીધો.રોજ રાત પડે અને એ પાણીનો ઘડો ભરીને પોતાની જોટાણી તલવારને કે’ડે ટાંગી સ્મશાન તરફ પગ માંડે. તેને કોઈની બી’ક નો’તી. સ્મશાનમાં અડધી રાતે જતાં ભલભલાના હાંજા ઘઘડી જાય. પણ આ તો એવો મર્દ કે જો ત્રાડ નાંખે તો સામેવાળાના છાતીના પાટીયા બેહી જાય.અને તલવાર ચલાવવામાં તો એવો પાવરધો કે એકલે હાથે બધાનો ઘાણ વાળી દે.એનાં મનમાં બસ એક ભગવાનનું નામ અને ફકીરની વાત, કે રોજ આ ક્રમ ચાલુ રાખવાનો અને ભગવાનનું ધ્યાન ધરવાનું.

એક દી થયું એવું, કે ગામમાં એક નાની સોળ-સત્તર વર્ષની દીકરીનું અવસાન થયું.નાની ઉમર, ગામમાં શોક ફેલાયો. એ દીકરીને એ જ સ્મશાનમાં દફનાવી.ગામમાં એક પાપી નરાધમ માણસ રહે, એની નજર આ દીકરી પર હતી. અરે એનાં પાપની હદ તો એ કે’વાય, કે મૃત્યુ બાદ પણ એનો બદ-ઈરાદો એ જ રહ્યો. એક દિવસ એણે રાત્રે સ્મશાનમાં જઈ એ નાની બાળાની લાશ બહાર કાઢવાનું નક્કી કર્યું. અને એવા ઈરાદાથી એ સ્મશાનમાં આવી કબર ખોદવા લાગ્યો. એણે ઉપરવાળાનો યે ડર નો’તો કે નો’તી એનાંમાં કોઈ દયા!

અને ઉપરવાળાનું કરવું, કે એ જ સમયે પેલો ભગત પાણીનો ઘડો ભરીને પોતાના રોજીંદા નિયમ મુજબ વડને પાણી પીવડાવવા આવી રહ્યો હતો. લાંબી વધેલી દાઢી અને શાંત એવી આંખો. મો માં રામનામ અને અંતરમાં ખુદાનું ધામ જાણે એને દુનિયાનું કોઈ ભાન, કોઈ ચિંતા નો’તી.

પણ અચાનક, તેણે એ દ્રશ્ય જોયું. તે ઓળખી ગયો કે આ પાપીને પોતાનો આવો ઈરાદો પૂરો કરવામાં એટલી પણ શરમ નહિ આવે કે એક લાશનો મલાજો રાખશે. એનાં દિલ-દિમાગમાં ખુમારી આવી ગઈ, એને સઘળી ઘટના જોતાં પોતાનું બધું ભાન ભૂલી અને નિર્ણય કરી લીધો કે આ નહિ થવા દઉં. પછી ભલે જે થવું હોય તે થાય.

એણે પોતાની મ્યાન કરેલી તલવાર બા’ર કાઢી અને ઉપરવાળાને ત્રાડ નાખીને કહ્યું,”કે હે બાપા, હે ધરતીના સ્વામી, ભલે મારા નવાણું પાપ ધોવાય કે નો ધોવાય. તારાથી જે થાય એ કરી લેજે પણ આજે હું તલવાર ઉપાડ્યા સિવાય રહું તો મારી મર્દાનગી લાજે, મારો ધર્મ લાજે.”

એક જ તલવારનો ઘા... અને પેલા પાપીના બે કટકા કરી નાખ્યા. તેના મનમાં એ વાતનો જરાયે અફસોસ નો થયો. ઉપરથી એણે ખુશી થઇ કે એનાં હાથે એની નજર સામે એક પાપ થતું અટક્યું.

તરત જ બધું ભૂલીને ઘડો ઉપાડી એ વડને પાણી પાવા ગયો. ફકીરે કહ્યું હતું કે વડને ત્યાં લગી પાણી પાજે જ્યાં લગી એણે વેઢા-વેઢાની કુંપળો ના ફૂટે. અને એક અચરજ...જ્યાં કાલે નાની નાની પાંદડીઓ માંડ-માંડ દેખાતી હતી, ત્યાં આજે હાથ- હાથ જેટલા પાન ફૂટી નીકળેલા! 

એનાં સઘળાં યે પાપ ધોવાઈ ગયાં એક માત્ર સારા કર્મથી.. એક માત્ર મનના સારા વિચારથી...એનાં પ્રાયશ્ચિતથી... એણે વર્ષો સુધી કરેલી સેવા અને પશ્ચાતાપના આંસુઓથી...

ભક્તિ પણ મર્દનું જ કામ છે. એમ જ ભક્તિને ખાંડાની ધાર નથી કહી. કોઈ શૂરવીર જ ભક્તિ મક્કમતાથી કરી શકે. ઢીલા પોચા લોકોનું એ કામ નથી. એની માટે તલવાર ઉપાડવાની પણ તાકાત જોઈએ. એક હાથમાં તલવાર અને બીજામાં માળા રાખી શકે એ જ ખરો ભગત. નિર્બળ તો બીજાને વધ થઇ જાય અને પછી એની ભક્તિનો કોઈ સાર નથી રહેતો. શૂરવીર ભક્તિની સાથે પાપને પણ કાબુમાં રાખી શકે છે...અને ધર્મની રક્ષા કાજે શસ્ત્ર ઉપાડવાની પ્રેરણા દરેક સંસ્કૃતિમાં આપવામાં આવી છે. જે ભક્ત ધર્મની રક્ષા ન કરી શકે એની ભક્તિ નિરર્થક છે...

માટે જ તો રાવણને પણ રામે કહ્યું હતું કે,” હે રાવણ, ભલે તે મારી સામે તલવાર ઉપાડી..મને સામી છાતીએ ઘા કર્યો... પણ હું તને પ્રણામ કરું છું... તારી ભક્તિની કીમત અમૂલ્ય છે... માળા લઈને મારું નામ રટનારા તો ઘણા પડ્યા છે.. પણ તારા જેવા શૂરવીર બહુ ઓછા છે...

Thursday, July 22, 2010

એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું...

નાનાં હતા, ત્યારે માં-બાપ કે દાદા-દાદીને મોઢે આ વાર્તા તો અચૂક સાંભળી જ હશે. એ વખતે તો ઉમર નહોતી સમજવાની, પણ હવે જયારે દુનિયાદારીની સમજ આવી ત્યારે ખબર પડી કે કદાચ એ સાચું જ હશે. કારણકે અત્યારે જે પણ કાઈ થઇ રહ્યું છે અને જે પરિસ્થિતિ છે તેનું કારણ છેલ્લે તો પેટ જ છે ને?

એક વાર થયું એવું કે પૃથ્વીનું નિર્માણ થઇ ચુક્યા પછી, પૃથ્વી પર બધાં મનુષ્યો એક વાર વાતવિચાર કરી રહ્યાં હતા. એમાંથી પ્રશ્ન એ ઉદભવ્યો કે,

"ભગવાને આપણને અહી મોકલી તો દીધા, પણ એ તો બતાવ્યું નથી કે આપની દિનચર્યા અને જીવનની રીત શું?"

છેવટે બધાએ વિચાર્યું કે શિવના નંદીને પૂછી જોઈએ.એ રોજ ભગવાન જોડે જાય છે અને સેવામાં રહે છે, તો એને ખબર હશે. નંદીને પણ દ્વિધા થઇ. તો મનુષ્યોએ તેને શિવ-પાર્વતી પાસે વાતનું નિરાકરણ કરવા મોકલ્યો.નંદીએ કૈલાસ પર આવીને ભગવાન સમક્ષ આખી વાત વર્ણવી.

શિવે કહ્યું,

"સાદુ અને નિર્મળ જીવન જીવીને જ મનુષ્ય મોક્ષ પામી શકે છે. અને તો જ મોહથી મુક્ત રહી શકશે. માટે જે કઈ કરે, તે માત્ર જરૂર પૂરતું જ! તેણે એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું જોઈએ. ને તો જ તે ધ્યાન અને આધ્યાત્મ પાછળ વધુ સમય આપી શકશે."

નંદી ત્યાંથી નીકળ્યો પણ તેને યાદ રહેતું નહોતું. તે આખી વાતનું રટણ કરતો કરતો આવી રહ્યો હતો. ગોખતા ગોખતા તેની જીભ લપસી ગઈ અને અર્થનો અનર્થ થઇ ગયો. “એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું જોઈએ” નાં બદલે તેને “ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું જોઈએ” યાદ રહી ગયું. પાછો પૃથ્વી પર આવીને તેને બધાં મનુષ્યોને આ વાત જણાવી. કેટલાકને નવાઈ લાગી, પણ ભગવાનનો આદેશ સમજીને વાત માની લીધી.

અને આજે આખી દુનિયાના બધાં મનુષ્યો એનું ફળ ભોગવી રહ્યાં છે. એટલે જ મોંઘવારી, ગુનાખોરી, ભૂખમરો જેવા દાનવો આપણને પીડી રહ્યાં છે. અને સાથે સાથે નંદીના વંશજો પણ એ ભૂલનું પરિણામ ભોગવીને બળદના રૂપે મનુષ્યની ભૂખ સંતોષવા મહેનત કરીને પોતાની જિંદગી ગુજારી રહ્યાં છે...

Friday, July 9, 2010

ખીલવા ન દે તે ભય ...

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.
અને હારવા ન દે તે ભક્તિ...માં શક્તિ પ્રત્યેની આસક્તિ...

Friday, July 2, 2010

જિંદગીનું અંતિમ ફળ શું હોય?

એવું નથી કે દરેક વખતે લોકો જ જિંદગીમાં બદલાવ લાવવા માંગતા હોય છે, 
ઘણી વાર ખુદ જિંદગી તેમને એવું કરવા માટે પ્રેરિત અથવા તો અધીરા કરી નાખે છે.

કેટલીક વાર આપણે જે ઈચ્છીએ છીએ તે આપણી ઈચ્છા નથી હોતી, 
પણ એ હોય છે આપનો ઘમંડ અને અદેખાઈ જે માત્ર અને માત્ર બીજાને બતાવવા માટે જ કરતા હોઈએ છીએ. 

જિંદગી હમેશા એની રીતે જ ચાલે છે, આપણા મુજબ નહિ. ભલે આપણે એવું રાખીએ મનમાં કે, "આ મેં કર્યું છે." પણ એ જિંદગીએ આપણને આપેલો એનો નિર્ણય છે, જેને આપણે પોતાનો સમજીને પાર પાડીએ છીએ.

ઘણી વાર લોકો કંઈક કરવાનું વિચારે છે. અને છેલ્લે જો એમાં નિષ્ફળતા મળે તો એમાં કોઈ બીજાનો કાં તો પછી નસીબનો વાંક કાઢે...ખરખર તો જિંદગીએ આપણી માટે રસ્તો નક્કી જ કરેલો હોય છે. જોવાનું એ છે કે આપણે તે સ્વીકારીએ છે કે નહિ. જો આપણે એ સ્વીકારીએ કે આપણે શું છીએ અને શું ધરાવીએ છીએ, તો જીવન ઘણું જ સરળ થઇ જશે. જેમ પ્રભુ શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ,

"કર્મ કરતો જા... ફળની ઈચ્છા રાખીશ નહિ...કારણકે તે મનુષ્યના મસ્તિષ્કમાં સતત ચિંતા અને વિચારોના વમળ સર્જે છે...જે અંતમાં મનુષ્યની બધી જ સમસ્યાઓનું મૂળ બને છે."

આ વસ્તુ જ આપણને છેલ્લે અંતિમ ફળ સુધી પહોંચાડે છે... જે છે ઈશ્વરનો સાક્ષાત્કાર... મનની શાંતિ... મનમાં નથી કોઈ સમસ્યાઓ અને નથી કોઈ ખોટા-બિનજરૂરી પ્રશ્નો...નથી કોઈ શંકા કે જેને કારણે મન વ્યગ્ર બને... આ ભાવના જ આપણને એ અધ્યાત્મિક સ્થિતિ માં લાવીને સફળ કરે જે માત્ર નિર્મળ હૃદય અને ખુલા ચિત્ત ને જ લભ્ય છે...જેને પોતાની જાત પ્રત્યે અભિમાન નથી...કોઈ સાચા-ખોટા વિકારો નથી...

Thursday, June 10, 2010

ધર્મ એટલે ...

ધર્મ એટલે ભયને જીતી લેવો. ધર્મ એટલે કોઈપણ નિષ્ફળતાના ઈલાજ માટેનું અમૃતફળ. ધર્મ એટલે મૃત્યુને જીતી લેવાનો માર્ગ.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Wednesday, June 9, 2010

ગુરુ દક્ષિણા ...

જ્યારે પણ કોઈ શિષ્ય ગુરુ પાસેથી દીક્ષા મેળવતો તો તે કહેતા, તેં મને
તો મેળવી લીધો, હવે થોડા દિવસ મારા વિરોધી પાસે જઈને રહે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Sunday, June 6, 2010

વ્યક્તિની સફળતા પાછળ માની ભૂમિકા ...

તુલસીદાસજી બતાવવા માગે છે કે દરેક વ્યક્તિની સફળતા પાછળ માની ભૂમિકા
મહત્વની હોય છે. મા અંજનિએ હનુમાનજીને તૈયાર કર્યા હતા. સંસારના તમામ
સંતાનો તેમની માના ઋણી હોય છે. હનુમાનના રોમ-રોમમાં રામનામ વસેલું છે.
ભક્તિ કરનારા હનુમાનજી પાસેથી પાઠ લઈ શકાય છે કે ભૌતિક યુગમાં તન અને મનનો
સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જીવનમાં સફળતા માટે શરીર અને આત્...મા વચ્ચે
સુમેળ સાધવો અત્યંત જરૂરી છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

સંત પરંપરા ...

મહાત્મા બુદ્ધ, મહાવીર સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા
ગાંધી જેવા મહાપુરૂષોએ અહિંસાને પરમ ધર્મ ગણી જીવનભર તેનું આચરણ કર્યુ
હતું. જે બધા જ માનવોને પ્રેરણા આપતા રહે છે. મન, વચન અને કર્મથી કોઈને પણ
નુકશાન ન પહોચાડવું તે જ અહીંસા છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Thursday, June 3, 2010

સરળ સ્વાભાવની વાત ...


સરળ સ્વાભાવની વાત છે. માણસ અહમ્નું વિસર્જન કરે, કપટનો ત્યાગ કરે અને સરળ
સ્વાભાવ ધારણ કરે તે ભગવાન રામના મતે ભક્તિનું નવમું અને છેલ્લું લક્ષણ છે.
માણસે ભક્તિ કરવી હોય તો ધર્મસ્થાનમાં જઈને કલાકો સુધી પૂજા-અર્ચના કરવી જ
પડે એવો નિયમ નથી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન
રામના મુખેથી શબરી સમક્ષ જે ભક્તિસૂત્રોની ચર્ચા કરી ...છે એનું પાલન કરવાથી
પણ ભક્તિયોગ
સિધ્ધ થયો ગણાશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Monday, May 31, 2010

ભક્તિનો સૌથી મોટો ફાયદો...

ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને.
કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત
હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો
દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે,
સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે ...કામ કરવાની
ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

Wednesday, September 3, 2008

ભાદરવી પૂનમ આવી...જય અંબે...

હા મિત્રો,ભાદરવી પૂનમ આવી.ચારે તરફથી માતાજીના ભક્તો નિકળી પડ્યા છે.

ગામે ગામ અને દરેક શહેરમાંથી સંઘો અંબાજી તરફ રવાના થઈ રહ્યા છે.રસ્તામાં યાત્રાળુઓની સેવા માટે મંડપો બંધાઈ રહ્યા છે.અને ભક્તિનુ વાતાવરણ જામી રહ્યું છે.

આપણે પણ આ સમયે માં શક્તિને યાદ કરી લઈએ અને રસ્તે મળતા લોકોને "જય અંબે" કહીયે?

જય અંબે...

Thursday, July 31, 2008

તસ્વીર : માં બહુચરાજી મંદીર...

માં બહુચરાનું આ મંદીર મહેસાણા જીલ્લામાં આવેલું છે.અને તેની મહીમા અપાર છે.લાખો ભક્તો પોતાના દુખો લઈને અહીં આવતા હોય છે.



તસ્વીરમાં એની ધજાનાં દર્શન કરી લો... :)





Tuesday, July 22, 2008

શુભ સવાર - ઈશ્વરને ના કહીશ કે...

ઈશ્વરને ના કહીશ કે તારી તકલીફો કેટલી મોટી છે,

તકલીફો ને બતાવી દે કે તારો ઈશ્વર કેટલો મોટો છે.

ઈશ્વરની નજીક રહીને તકલીફો નાની લાગશે!

શુભ સવાર...