Showing posts with label વર્ણન. Show all posts
Showing posts with label વર્ણન. Show all posts

Saturday, October 19, 2013

ગામની સંધ્યા...

આજે એમ જ બાજુના ગામે જવાનું થયું। થોડાક સમયનું જ કામ હતું એ પતાવી અને નજીકના સંબંધીને ત્યાં થોડીવાર માટે રોકાયા। થોડી રોજબરોજની વાતો કરી, શું ચાલે છે શું નહિ અને કામકાજ-તબિયત-પાણી...

નાસ્તામાં ઘરે બનાવેલું સફેદ રૂની પૂણી જેવું માખણ, એની જોડે ભાખરી કે રોટલો અને ઉપરથી કડક-મસાલેદાર ચ્હા! સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. અને આપણે ત્યાં ભેળ અને ભૂસાં!

એમ જ આડીઅવળી વાતો, સમય કેમ વીતે એ જ ખબર નાં પડે. ઉપરથી અડોસ-પડોશનાં લોકો પણ ચા-પાણી કરવા બોલાવે એવો લોકોનો મિજાજ... એ જોઇને ખરેખર તમને આમ કઈક વિશેષ હોવાનો અહેસાસ કરાવતા આ લોકો પ્રત્યે માન ઉપજે કે પોતાનો સમય ફાળવીને આ લોકો કેવી સરસ આગતા-સ્વાગતા કરે છે!

બહાર બજારમાં જઈએ, એટલે થોડીક ધૂળ-માટી ઉડતી હોય... ગીચોગીચ એવા બજારમાં વાહનો અને લોકોના ટોળાઓ પોતપોતાની રીતે જગ્યા કરીને (કોઈપણ જાતની માથાકૂટ વગર) જતા હોય... નાનકડા બાળકો દોટમદોટ કરતા હોય...
નાનકડી દુકાનોમાં ગ્રાહકોની ભીડ, સાંજના સમયે થતી અગરબત્તી-ધૂપ-દીવા દુકાનમાં અનેરી સુવાસ અને દિવ્યતા ફેલાવતા હોય...

રસ્તાઓ પર પૂરતી જગ્યા હોય, પણ સાંકડા હોવાને કારણે તમને થોડી ભીડ અનુભવાય પણ એની પણ એક મજા છે. વળી સાંજે ગોધુલી ટાણે (ચરવા ગયેલી ગાયો-ઢોરો પાછા ફરે તે સમય,  જયારે તેમના ચાલવાથી રસ્તાની ધૂળ ઉડતી હોય) ઉડતી ધૂળના રજકણો આથમી રહેલા સુરજદાદાના હળવા હળવા કિરણોના પ્રકાશમાં ચળકીને અનેરી ભાત પાડી રહ્યા હોય... ગાયોની ઝાલર વાગી રહી હોય અને મંદિરોમાં આરતીના સમયે થતા શંખ-નગારા -ઢોલના અવાજથી આખું વાતાવરણ એક અનોખો અહેસાસ આપતું હોય છે.

ધોરીમાર્ગની બંને બાજુ લીલા ખેતરોમાં શિયાળાની શરૂઆતનો સમય હોવાથી આછી આછી ધુમ્મસ જોવા મળે. અને એ ધુમ્મસ અને ઢળતી સંધ્યા ભેળા મળીને આહલાદક ઠંડક ફેલાવી રહ્યા હોય. ધીમે ધીમે ઢળતી એ સાંજ, ખેતરો ઉપરના ખુલ્લા આકાશમાં સરસ મજાની હાર રચીને એકસાથે પાંખો પસારીને એક નિશ્ચિત રીતે ઉડી રહેલા પંખીઓ અને પોતાના માળાઓમાં જવા માટેની એમની ઉત્સુકતા, એ ખરેખર એક સુંદર અનુભૂતિ છે.

થોડા સમય માટે આપણે પોતે એ ભૂલી જઈએ કે આપણે આપણા રસ્તે જવાનો સમય થઇ ગયો છે. ત્યાં બધું ઘણી જ શાંતિથી કોઈ જાતની વગર જોઈતી ઉતાવળ વગર ચાલતું હોય એ સ્પષ્ટ પણે દેખાય આવે છે, અને એટલે જ આપણને પણ શાંતિ અનુભવાય જયારે પોતાના રોજના કામથી મુક્ત અને શહેરથી દૂર હોઈએ. ચાલો હવે ઘર તરફ જઈશું ને?

Tuesday, March 5, 2013

મહાભારતનું ચિંતન : સ્વામી સચ્ચિદાનંદ

આજે ઘણા સમય પછી કઈક લખવાનું મન થયું, ત્યારે સૌપ્રથમ વિચાર આવ્યો કે છેલ્લે વાચેલું પુસ્તક કયું છે? અને એના વિષે થોડી વાતો કરીએ જેથી બીજા મિત્રો જેમને ખબર નથી તેઓ પણ એનો લાભ ઉઠાવી શકે।

"મહાભારતનું ચિંતન" એટલે ગીતાનો યથોચિત અનુવાદ, જે શ્રીકૃષ્ણનાં વિચારોને સાર્થક કરે છે। જ્યારે અર્જુન યુધ્ધમાં થાકીને સન્યાસીની જેમ વાતો કરે છે, પોતાના હથિયારોનો ત્યાગ કરવાની પલાયનવાદી માનસિકતા પ્રકટ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને એમ કરતા અટકાવે છે। એ માટે તેઓ અર્જુનને જે કર્મનો અને મનુષ્યજીવનનાં કર્તવ્યોનું જ્ઞાન આપે છે તે જ ગીતા છે।

અર્જુન પોતાના બાંધવો-સગાવહાલાઓ સામે યુદ્ધ કરવાની માની એવું બહાનું ધરીને કરે છે, કે લોકો મને શું કહેશે। લોક્લાજથી ડરીને તે યુદ્ધ છોડીને ભાગવાની વાત કરે છે।ત્યારે શ્રીકૃષ્ણ એને સમજાવે છે, કે લોક્લાજથી પણ મોટું કર્તવ્ય પાલન છે।જો ક્ષત્રીય પોતાનું હથિયાર મૂકી દે, તો એ કર્તવ્યનો ત્યાગ થયો કહેવાય। એને પોતાના રાજ્ય, પ્રજા અને શાંતિ માટે શાસ્ત્રો ઉઠાવવા જ પડશે, એના વિના શાંતિ નહિ સ્થપાય। 

"દંડ વગર શાંતિ શક્ય નથી" એવું સમજાવીને તેઓ કહે છે, કે દુષ્ટ લોકો સામે યુધ્દ કરવું એ રાષ્ટ્રના અને પ્રજાના હિતમાં છે . તેની સામે ડાહી ડાહી વાતો કરવાથી કહી નહિ ઉપજે અને ઉપરથી તે તમને જ કાયર સમજશે। તે પ્રજાને રંજાડશે અને દેશનો વિનાશ કરવાના રસ્તાઓ જ શોધશે। 

પાંડવો બધી રીતે કૌરવોને સમજાવવાના પ્રયત્નો કર્યા, છતા તેમની સજ્જનતાને કાયરતા સમજીને હમેશા તેમને ઉપેક્ષિત જ કરવામાં આવ્યા।અને જયારે છેવટે યુદ્ધનો અને ન્યાયનો સમય આવ્યો ત્યારે અર્જુન પીછેહટ કરે છે, જે અત્યારે અસ્થાને છે। શ્રીકૃષ્ણ કહે છે, કે જે સમયે જે કરવાનું છે તે કરવું જ જોઈએ . એવા સમયે ન્યાય જે માંગે છે તે આપવું જ રહ્યું . ત્યારે અહિંસાની પીપુડી વગાડીને ભાગી જવું સૌથી સરળ છે, અને ન્યાય માટે લડીને સંઘર્ષ કરવો એ વીરોનું જ કામ છે .

સ્વામીજી સમજાવે છે કે જેમ અર્જુન ભાગેડુવૃત્તિ બતાવે છે, તેવી જ રીતે ઘણા વર્ષોથી ભારત દેશ સાથે પણ આ જ થતું આવ્યું છે . કેટલાક લોકો દેશના યુવાધન અને પૌરુષને ખોટી દિશા બતાવી રહ્યા છે . અહિંસાના નામે તેઓ દેશને અંદરથી પૌરુષહીન બનાવી રહ્યા છે . એની માટે તેઓ ધર્મનો સહારો લઇ ભગવાનનો ડર બતાવે છે . અહિંસાનો સાચો અર્થ એ છે, કે અર્થહીન હિંસા ના કરવી . નહિ કે સ્વરક્ષણ કે દેશ માટે આપત્તિના સમયે પણ બેસી રહેવું . એ તો ભાગેડુવૃત્તિ અને પલાયનવાદ થયો કહેવાય, જેનાથી સમાજનો વિનાશ જ થાય . અસામાજિક વૃત્તિઓને તેનાથી તાકાત મળે અને સમાજને લાંબે ગાળે નુકસાન જ થાય . તેમાંથી સમાજને બહાર કાઢવો જોઈએ અને તેની માટે યુવાનોને પ્રાચીન હિંદુ ધર્મનું સાચું જ્ઞાન મળે એ જરૂરી છે। 

તેઓ કહે છે, કે જે ધર્મ પોતાના અનુયાયીઓ અને દેશની પ્રજાનું રક્ષણ ના કરી શકે તે લાંબુ તાકી ન શકે . અને તેથી ન તો તે દેશ ટકી શકે . એવા કેટલાયે ધર્મો છે જે અહિંસાને નામે નામશેષ થઇ ગયા, અને કેટલાયે છે જે પોતાની તાકાતથી સમગ્ર વિશ્વમાં પોતાની ધજા ફરકાવી શક્યા  છે . મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોએ પોતાનો ફેલાવો કરવા માટે ઘણા યુદ્ધો કર્યા છે, અને તેથી જ તેઓ આજે પણ સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે . 

અહી વાત ધર્મોની કે સંપ્રદાયોની નથી, કે નથી કોઈ ભગવાનની। વાત છે મનુષ્યના મૂળભૂત અધિકારો અને સામાજિક કર્મો અને કર્તવ્યોની . આપણે આપણી જવાબદારીઓમાંથી "સન્યાસ"નું નામ લઈને છટકી ન શકીએ, સન્યાસ તો ઘરે બેઠા પણ મળી શકે જો મન સ્થિર હોય તો! એની માટે કઈ ઘરેથી ભાગી જવાની જરૂર નથી . અહિંસાનો સહારો લઈને આપણે ન્યાય અને અન્યાય વચ્ચેનો ફર્ક ભૂલી જઈએ તે ખોટું છે, અને સમાજ-દેશનો વિનાશ કરનારી વિચારધારા છે . 

સ્વામીજીએ ખૂબ ચોટદાર દલીલોથી ગીતાનો કર્મ સિધ્ધાંત સમજાવ્યો છે, અને એની માટે તેમને મહાભારતના એક એક પ્રસંગનો ખૂબ સરસ રીતે ઉપયોગ કર્યો છે . તે કહે છે, કે ગીતા એ કોઈ ધર્મ કે સંપ્રદાયથી ઉપર એક વિચારધારા છે, જે સમાજ અને દેશના વિકાસ અને રક્ષણ માટે આપણને પ્રેરણા આપે છે! આ પુસ્તક વાંચવાથી એ વિચારધારાનો એક દ્રષ્ટિકોણ જરૂર નજર  સામે  આવે છે .

સ્વામી સચ્ચિદાનંદ - એક પરિચય 
વધારે જાણકારી તેમની website www.sachchidanandji.com/ પરથી મળી શકશે।

તેઓ મનુષ્યના કર્મશીલ હોવા પર ભાર મુકે છે અને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે અને આ પુસ્તકમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્રના યુધ્ધમાં ગાયેલી ગીતાનો મહિમા એ રીતે જ દર્શાવ્યો છે।

Tuesday, November 30, 2010

સનેડો સનેડો...

મિત્રો... નવરાત્રી તો સિંગાપોરમાં ગઈ...એટલે ગરબાની રમઝટ હું માની શક્યો નથી... પણ આ એક સનેડો અહી રજૂ કરું છુ. એમાં તમારા વિચારો અને પંક્તિઓ પણ આવશે એવી હું આશા રાખું છુ... :)
 
એ.... સિંગાપોરમાં વરસાદ અને ગરમી પડે.... ઠંડીનું નહિ નામોનિશાન.....
લોકો બધા iPhone/iPod વાપરે....વ્યક્તિમાં નહિ કોઈ ભાન/ધ્યાન...
કોઈ કોઈની પરવા નો કરે.... બધા પોતાનું તરભાણું ભારે લાલ સનેડો...
સનેડો સનેડો... સનેડો સનેડો.. સનેડો સનેડો સનેડો લાલ સનેડો...
ગુજરાતની વાર્તા માંડે લાલ સનેડો...ગુર્જર ધરાને યાદ કરાવે લાલ સનેડો...
એ.. internet જ છે સઘળું અહી...બાકી કઈ રાખ્યું નથી...
અહી બધું નકલી નકલી લાગે...એ મારો..ભારત દેશ મહાન લાલ સનેડો....
સનેડો સનેડો... સનેડો સનેડો.. સનેડો સનેડો સનેડો લાલ સનેડો...
ગુજરાતની વાર્તા માંડે લાલ સનેડો...ગુર્જર ધરાને યાદ કરાવે લાલ સનેડો...

Friday, July 30, 2010

મનમાં વિચારોને બદલે ત્રાજવાં ...

કેટલાકના મનમાં વિચારોને બદલે ત્રાજવાં જ રમતાં હોય છે.
કોઈપણ વાતને બસ, ત્રાજવે તોળવા જ બેસી જાય.
પછી આંગળીઓના વેઢ ગણવા લાગી જાય.

'આમાં લાભ કેટલો થાય ? શું મળે ?
મોટા ભાગના માણસોની ભીતરમાં એક વેપારી પેસી ગયો છે.
ને અંદર બેઠેલો આ વેપારી એક જ કામ કરે છે

'શું મળે ? એનો જવાબ મેળવવાનું !
લાભનાં ત્રાજવાં લઈને જે બેઠો હોય છે...
પછી 'આમાં તો ઓછા મળે' 'આમાં તો કંઈ જ ન મળે' એવી બૂમરાણો લગાવવા બેસી જાય છે ! નફો

Thursday, July 15, 2010

તસ્વીર: પુનીતવનની મુલાકાતે...

મિત્રો,હમણાં રથયાત્રાના દિવસે રાજા હતી. તો અહી નજીક જ આવેલા એક ઉદ્યાનમાં જવાનું નક્કી કર્યું.એકલા જ વળી...હું મારો કેમેરા લઈને નીકળી પડ્યો...ઘણા સમયથી કંઈક સારી ફોટોગ્રાફી કરવાનું વિચારતો હતો...તો એ દિવસે ચાન્સ મળી ગયો... અહી એમની કેટલીક તસ્વીરો રજૂ કરું છું...આશા છે કે તમને ગમશે...અને તમારા પ્રતિભાવોની રાહ જોઇશ...

(મોટી સાઈઝમાં જોવા માટે ચિત્ર પર  click કરજો...)



Thursday, July 8, 2010

મેઘધનુષનાં રંગો...


કાલે સાંજે વરસાદે સરસ માહોલ જમાવ્યો હતો. હવામાં ખૂબ સુંદર તાજગી.. અને એક અનોખી ખુશનુમા અદા...

એવી ઠંડક કે જાણે આભાલામાંથી બરફનાં નાનાં નાનાં કરા પડી રહ્યા હોય અને ભોમકાને ભેળાં થવા ઉતાવળાં થઈને હવામાં પોતાની સુવાસ ફેલાવીને ઓગળી રહ્યાં નાં હોય!

વાદળો એવાં તો ઘેરાયેલાં ... સંધ્યા થઇ હોય અને એ સુંદર આકાશમાં કોઈએ ઘેરા રંગની પીંછીંથી જાણે શેરડા માર્યા હોય...એનો રંગ તો આપણી આંખો ધરાય નહિ એવો સરસ...અને જોઈ રહેવાનું જ મન થયા કરે...

અને ઉંચા મકાનના ધાબા પરથી જોતાં એવું રમણિય દ્રશ્ય સર્જાય... અહી કાલે ખેંચેલી તસ્વીર રજૂ કરું છું. એમાં ખાસ આભાર કૃણાલ સોનીનો..જેને મેઘધનુષની આ તસ્વીર ખૂબ સુંદર રીતે ખેંચીને આપણા બધાં માટે રજૂ કરી છે...



અને  સાથે સાથે મારી એક નાનકડી રચના.. જે તમને ગમશે એવી આશા છે. :)


વરસાદની આ મોસમમાં...મેઘધનુષ દેખાયું છે, 
એના ડીલની ચારેકોર...જાણે રંગોની મિજબાની છે...

સૂકું આકાશ એને મન...કોરું એક પાનું છે, 
જેને દિલ ભરીને રંગવાની...મેઘરાજાએ ઠાની છે...

એમાં વળી સંધ્યાએ પણ...મસ્ત મહોલત આપી છે, 
સૂરજને પણ ઊંઘતા પહેલાં...એને ખૂબ માણી છે...

ગામ આખું જોઈ રહ્યુ... કૂદરતની કરામત છે, 
આવી આવી આવી... મેઘરાજાની સવારી છે...

Saturday, July 3, 2010

ધરતીની તરસ બુઝાઈ ગઈ...

છેવટે જે વરસાદની આપણે કેટલાંય દિવસોથી રાહ જોતા’તા એ વર્ષારાણી આખરે પોતાની દયા વરસાવતા આવી પહોંચ્યાં. છેલ્લા બે-અઢી કલાકથી વરસાદે જાણે રમઝટ બોલાવી હોય એવું લાગે છે.


જે ધરતી છેલ્લા કેટલાયે સમયથી સુર્યની અગનજવાળાઓથી દાઝતી હતી...પોતાની એ સ્થિતિથી કંટાળી ગઈ હતી... એ ધરતીને આજે આખરે ઠંડા પાણીના ફોરાઓ સ્પર્શ્યા..,જાણે એની વર્ષોની તપસ્યાનું ફળ મળ્યું હોય...એમ ધરતી પણ ખુશ ખુશ થઇ ગઈ... પોતાની એ ખુશી જાણે ભીની માટીની સુગંધરૂપે પ્રદર્શિત કરી રહી ના હોય!

ઉનાળાના તાપથી તપેલી માટી અને ઠંડા પાણીનાં ટીપાંનું મિલન થાય ત્યારે માટીની તપીશ વરાળ સ્વરૂપે ઉડી જાય...પણ પાણી એ તાપીશને ઉડવા દેતું નથી...એને પોતાનામાં સમાવી લે છે...અને એમાંથી સર્જાય છે એ ખુશ્બુ...જેનાથી બધા પશુ-પંખીઓ અને મનુષ્યો આહલાદકતા અનુભવે છે...

પાણીનાં ફોરાનો એ ટ્પ ટ્પ અવાજ...સરસ મજાની વહેતી ઠંડી હવા...ગરમીને કારણે ઉકળી ઉઠેલા અને આંધીથી ગંદા થયેલાં ઝાડ પલળીને ચોખ્ખાં થઈ ગયાં...પંખીઓ પોતાનાં માળાઓમાં ભરાઈ ગયાં...કોયલનો ટહુકાર શરૂ થઇ ગયો....પશુઓ ઝાડ નીચે એકઠાં થઈ ગયાં...

બધું શાંત થઇ ગયું... માત્ર અને માત્ર સંભળાય છે તો ... વરસાદનો અવાજ... એને બસ સાંભળી રે’વાનું જ મન થાય... એમ થાય કે આખી રાત બસ ધોધમાર વરસાદ પડતો રહે... અને એને જોતા રહીએ...

વાતાવરણમાં જાણે એક અનોખી મસ્તી છવાઈ ગઈ છે...રોડ પરથી વહેતું પાણી...જેને જોઈને ઘર આંગણે જાણે કોઈ નદીનું ઝરણું આવ્યું હોય એવું લાગે...એમાં છ્બછ્બીયાં કરવાનું મન થાય...ઠંડી હવાને શ્વાસમાં ભરી લેવાનું મન થાય...બધું ભૂલીને બસ...આ મૌસમ માણવાનું મન થાય...

શહેરનાં રસ્તાઓ એક દમ ચોખ્ખાં થઇ ગયાં હોય... અને જ્યારે એની પરથી કોઈ વાહન પસાર થાય ત્યારે પાણીની બુંદો હવામાં ઉછાળા મારે...ત્યારે એને અનુભવવાની પણ એક મઝા છે... ઘણા લોકો પોતાનાં બાઇક પર ઠંડા પવનની મઝા માણવા નીકળી પડ્યાં છે...

તો મિત્રો, આવો આપણે પણ એ ભીનાશને આવકારીએ?થોડા ભીંજાઈને ગરમ ગરમ ચા પીએ...?

Wednesday, June 30, 2010

સૌરાષ્ટ્રની મુલાકાતે (ગીર, સોમનાથ અને દીવ)...


મિત્રો, આ લખવા માટે હું ખુદ ઘણો આતુર હતો, પણ કામને લીધે થોડુંક મોડું થઈ ગયું.

હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી. સૌરાષ્ટ્ર એટલે... કાઠીયાવાડ, ઝાલાવાડ, ગોહીલવાડ અને સોરઠનો સમન્વય... અને મારી ભૂલ થતી હોય તો યાદ કરાવજો...

(જૂનાગઢના પાદરે...)
અમારો પ્રવાસ અમદાવાદથી શરૂ કરીને રાજકોટ થઈને જૂનાગઢ થઈને ગીરના જંગલ સુધી પહોંચ્યો.

સવારે ૭ વાગ્યે અમદાવાદથી ગાડી લઈને નીકળ્યા. વચ્ચે થેપલાં, મસાલાવાળી પૂરી અને અથાણાંની મિજબાની ચાલી.

જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યે એક ઓળખીતાને લાભ આપ્યો જમવાનો! અને ત્યાંથી સાસણ તરફ ગાડી હંકારી...


આગળ જતાં ખબર પડી કે સિંહ જોવા હોય તો દેવળિયા જવું પડશે...એટલે અમે એ તરફ વળ્યા...

જૂનાગઢથી લઈને સાસણ જતાં વચ્ચે દેવળિયા આવે, જ્યાં ગીરનાં જંગલમાં જો સિંહના ખબર હોય તો તંત્ર દ્વારા બસમાં બેસાડીને જંગલમાં ૩૫ થી ૪૦ મીનીટ ફેરવવામાં આવે છે.

અને એક સીમા પછી આપણાં વાહનો પ્રતિબંધિત છે.

અને અમારા સદનસીબે ત્યાં સિંહ જોવા મળી ગયા! સિંહને જોઈને જ આંખો ચાર ને જીભડા બાર! આનંદની તો સીમા જ નહોતી...

(દેવળિયાના જંગલમાં...)

એ વનરાજીમાં એવા સોરઠના સાવજને...વનરાજને જોઈને એમ થયું કે આ જ જંગલનો રાજા! શું એની છટા... શું એની બેફિકરાઈ...અને શું એની ઊદારતા...


(સોરઠનો સાવજ... લાક્ષણિક પળોમાં...)

 (સાવજ્થી દૂર... ડર્યા વિના...)

વાહન એની એકદમ લગોલગ હોવાં છતાં એને તો જાણે કાંઈ પડી જ નથી!

જાણે કે આપણને જોઈને વિચારતો હોય કે," જુઓ જુઓ.. પિંજરામાં મનુષ્યોનું ટોળું આવ્યું...આપણી જેમ એને પણ કોઈક દિવસ તો પુરાવું પડ્યું!"...

પોતાની મસ્તીમાં મસ્ત એવા આ રાણાને જોઈ એની તસ્વીરો લેતાં મન નો'તું ધરાતું...પણ છતાંય બહાર તો જવું જ પડે ને...

ગીરથી લગભગ ૫.૩૦ જેવા નીકળીને અમારી ગાડી હાલી સોમનાથ તરફ...



સોમનાથ... આપણા ચાંદામામાએ જેની સ્થાપના કરી હતી તે... ભારતનાં ૧૨ જ્યોર્તિલીંગોમાંનું એક...

અરબી સમુદ્રના કિનારે... દરિયાદેવ જેની સતત પૂજા કરતા રહે છે...અને એનાં પગમાં અભિષેક કરતાં થાકતાં નથી...

(જય સોમનાથ...)
સોમનાથનો દરિયો... ભયંકર તોફાની...ઊંચા ઊંચા મોજા ઊછાળતો...જાણે કે શિવના તાંડવની યાદ ના અપાવતો હોય?

અને એમાંય વળી ચૌદસ-પૂનમના દિવસો... એટલે તો જાણે દરિયો, "મારું કે મરૂં... લઈ જાંઊ કે ખાઈ જાંઊ..."

અહીં દરિયા કિનારે ન્હાવાની મનાઈ હોવા છતાં લોકો પોતાની જાતને રોકી શકતાં નથી...

અને શિવ-શંભુ...ભોળાનાથનાં દર્શનનો લ્હાવો...રોજ સવારે અને સાંજે ૭ વાગ્યે થતી આરતીમાં માનવ મહેરામણ આજે પણ ઊભરાતો જ રહે છે...

શિવલીંગની સામે ઊભા રહિયે તો જાણે કોઈ અલૌકિક આનંદ મળે...એમ શાંતિ અનુભવાય...ત્યાંથી હટવાની ઈછ્છા જ ન થાય...

ત્યાંની હવામાં જાણે શિવતત્વ જ સમાયેલું છે..જે મનને ખૂબ જ શાંતિ અને નીર્મળતા આપનારું છે...

ખબર નથી કેમ... ભગવાનને તો કોઈનો ડર ન હોય.. પણ છતાંય અહીં ઘણી બધી પોલિસ ખડકી દેવાઈ છે...

અને બીજું એ... જે દરેક હિંદુ ધર્મસ્થાનની સમસ્યા છે... ગંદકી...આટલું મોટું ધામ હોવા છતાં ગંદકીનું પ્રમાણ વધી જ રહ્યું છે...

સવાર-સાંજ શિવને ભજી... આરતીમાં શિવનાં ગુણ-ગાન કરી અને બીજી સવારે અમે નીકળી પડ્યા... દીવ તરફ...



દીવ... નામ સાંભળતાં જ દરિયો...પાણી... સરસ મજાનાં કિનારા યાદ આવી જાય...

અને સાથે સાથે...પેલું ગીત પણ, "की पीने वालों को... पीने का... बहाना चाहिये..." મોટે ભાગે... દીવનું નામ આવે એટલે એ જ વાત હોય...

 (ગંગેશ્વર મહાદેવ...)

(દીવની જેલ...)

(ફોર્ટ...)

પણ એના સિવાય પણ દીવમાં ઘણી ફરવા લાયક જગ્યાઓ છે...

દીવ પોર્ટુગીઝોએ વસાવેલું શહેર છે એટલે એમાં એની ઝલક છતી થાય છે..વાસ્તવમાં અહીં ગુજરાતી લોકો જ વધુ છે, છતાં પણ એ વીતેલા જમાનાની યાદ અપાવે છે...

દીવનો કિલ્લો અને જેલ એ પોર્ટુગીઝોનાં જમાનાની મોટી અમાનત છે...અને એ એવું મજબૂત બાંધકામ છે કે આટઆટલાં વર્ષો પછી પણ અડીખમ ઊભી છે...

એનાં સિવાય સરસ દરિયા કિનારાઓ...જ્યાં લોકો ન્હાવાની મજા માણે... અને અહીંનો દરિયો શાંત છે... જાણે ઉદારતાથી આપણને ન્હાવાની પરવાનગી આપતો ના હોય...

અહીં નાગોઆ બીચ અને ઘોઘલા બીચ બહુ જ વિખ્યાત છે... એ સિવાય ગંગેશ્વર મહાદેવ્નું મંદિર, સનસેટ પોઈંટ, સમર હાઊસ અને બીજી એવી જગ્યાઓ જે બહુ લોકો નહી જાણતા હોય...

એવા બીચ પણ છે જ્યાં માંડ દસથી પંદર લોકો પણ જોવા નથી મળતા...ત્યાં વિદેશી મુસાફરો તડકો ખાતા હોય છે...

દરિયામાં ન્હાવાની મજા જ ઓર છે...

દરિયો જાણે આપણી સાથે રમત કરતો હોય એમ દર વખતે કપડાંનાં ગજવામાં ભીની માટી ભરી દે...

એક વાર ધીરે તો બીજી વાર જોરથી..એમ કરીને વધુને વધુ પલાળતો રહે...

મારું માનો... તો ગોવા કરતાં પણ દીવ વધું સુંદર અને સ્વચ્છ છે...અને અહીંના લોકો પણ સરળ છે...

આપણને ગોવાની જેમ અહીં ખોટી ભીડ નહિ લાગે...અને ખરેખર "રજામાં મજા" સાર્થક છે...


બસ... ત્રણ દિવસનો આ પ્રવાસ દીવથી જ પતાવી અમે પાછા અમદાવાદ તરફ નીકળી પડ્યાં...

પાછાં આપણી રોજબરોજ શરૂ...કામ કાજ અને નોકરીઓ.. એ જ ખરૂં...

પાછાં આવવાનું મન તો કોઈને ન થાય પણ...આવવું તો પડે જ ને...

તન અને મનથી એકદમ તાજાં થઈને હવે કામ તરફ વળવાનો પ્રયત્ન કરીશું ને...