Thursday, October 24, 2013

કઈક નવું જોઈએ છે, એટલે જ જે છે એ નથી દેખાતું...


તમે:    અરે યાર, પેલુ નવું બાઈક લેવું છે 
દોસ્ત: કેમ, શું થયું? આ પ્રોબ્લેમ આપે છે? બરોબર તો લાગે છે...
તમે:   અરે ના યાર, પ્રોબ્લેમ તો કઈ નથી. બસ, લઇ લેવું છે. કઈક નવું હોય તો મજા આવે ને, આમાં કંટાળો આવે છે.

આ વાતચીત બહુ કોમન છે. એટલે વાત એ છે કે, આપણે કોઈ પણ નવી વસ્તુને પામવા માટે આતુર હોઈએ છીએ. પછી એ ઘર હોય, વાહન હોય, કે કોઈ પણ એવી વસ્તુ જેની તરફ આપનું મન લલચાય છે. એ કઈ પણ હોઈ શકે છે, પણ આપણને ભ્રમમાં નાખી જ દે છે.

ઘર છે, પણ થોડુક માપનું છે. એટલે નવું લેવું છે, પણ નવું ઘર મોટું લેવાનું ને? હા, એટલે મોટા ઘર માટે મોટી જમીન-પ્લોટ જોઇશે? એટલે એ મોટા પ્લોટ માટે પોતા બધા પૈસા જોઇશે. મોટા પૈસા તો છે જ નહિ હાલ, જો હોત તો અત્યારે જ ઘર મોટું હોત. એટલે એ મોટા ઘર માટે, મોટા પૈસા કમાવા માટે, હાલ કાર્યરત બધી જ વ્યવસ્થા અને બધા કામને નજરઅંદાજ કરીને તમે કઈક એવું કરવા પ્રયત્ન કરશો જેથી તમારી આ ઈચ્છા પૂરી થાય. એ પ્રયત્નમાં  એટલા બધા રત થઇ જઈએ કે એમાં હાલની પરિસ્થિતિ અને વ્યવસ્થાનું કોઈ મૂલ્ય નથી રહેતું. એ વખતે તમને એના સિવાય કાઈ દેખાશે જ નહિ, અને કોઈ તમને કાઈ સારું પણ કહેશે તો તમને એ ભૂંડું અને ખોટું લાગશે, તમે એ વાત માનશો જ નહિ. એનાથી પણ મોટી વાત, કે એ પ્રયત્નોમાં વપરાતી ઉર્જા અને સમય તમારા મનમાં હાલના ઘર માટે ઉપેક્ષિત લાગણી ઉભી કરે તેવું પણ બને. એટલે ઇન શોર્ટ, તમે હાલના ઘરને બદલવાની એ મૂંઝવણ સતત અનુભવશો જે તમારી કાર્યદક્ષતા અને માનસિક સ્થિતિ પર અસર કરશે.

આ તો એક ઉદાહરણ માત્ર છે, પણ જરાક વિચારો કે આવું કોઈક વાર તો બનતું જ હશે ને? આપણે નવી સ્થિતિ માટે હાલની સ્થિતિની પરવા નથી કરી શકતા અને એટલે જ "વર્તમાન" ને ignore કરીએ છીએ. એ મોટા પૈસા માટે સારી નોકરી કે સારું મોટું કામ કરવું પડશે એમ વિચારીને એની માટે આપણે પોતાના હાલના કામને ઉપેક્ષિત કરે છીએ અને સંતોષ નથી અનુભવતા. પણ આગળ સારું કામ મળશે જ એની શું ખાતરી? અચ્છા, સારું છે એવું તમને અત્યારે લાગે છે પણ એ સારું એટલે લાગે છે કે હમણાં એ તમારી પાસે નથી. અત્યારે જે કામ છે તે તમે સારી રીતે કરશો એટલે એ તમને સારું જ લાગશે। ધારો કે તમને નવું મોટું કામ મળી પણ ગયું, પણ તમારા સ્વભાવ/પ્રકૃતિ પ્રમાણે તમને એ ક્યાં સુધી સારું લાગશે અથવા એની આવક ચાલશે? વળી પાછુ એ જ ભૂત ધૂણશે, કે હજુ મોટું કામ કરીએ।છે એનો કોઈ અંત? અને કાયમ જ આવક ધ્યાનમાં રાખીને કામ કરતા લોકો કદી પણ સારી રીતે જવાબદારી નિભાવી શકતા નથી, અને એ જરૂરી નિષ્ઠા જ જાળવી શકતા નથી. જેથી લોકો પણ તેમનાથી અંતર રાખતા થઇ જાય છે.

સારાની વ્યાખ્યા શું છે? એમ તો દુનિયામાં દરેક બે વસ્તુ વચ્ચે સરખામણી કરો તો ફર્ક ચોક્કસ દેખાશે। પણ એનો મતલબ એવો તો નથી જ કે તમારી પાસેની વસ્તુ બિનઉપયોગી કે ખરાબ છે। અરે યાર, કામ એટલે કામ. સારું કે ખરાબ એવું હોય જ નહિ. અને સારું કે ખરાબ એ સમય પ્રમાણે બદલાતું હોય. કંટાળાજનક કામથી ભાગીને એવું કામ શોધવા પ્રયત્ન કરો, કે જેમાં કદી કંટાળો આવે જ નહિ. એવી વસ્તુ મેળવી શકાય જે કાયમ માટે તમને સારી જ લાગશે? વિચારો, કે છે એ શક્ય? 

દુનિયાની આ ઝાકમઝાળમાં રોજે રોજ નવા ધ્યાનભંગ કરનારા સાધનો જોવા મળશે, અને નવા-નવા આવતા રહેશે. આપણે આપણી જરૂરીયાતની વાત કરવી સારી, પોતાની જાતને પૂછવું કે શું ખરેખર આ વસ્તુ જરૂરી છે? અત્યારે જે ઘર/વાહન/નોકરી/કામ  છે તેમાં કોઈ વિચિત્ર સમસ્યા છે? જો સમસ્યા હોય તો તેને દૂર કરવા પ્રયત્ન કરો અથવા બદલી નાખો।પરંતુ કોઈ જાતની સમસ્યા વગર એને બદલવાનું વિચારીને શું કામ અશાંત બનવું? હા, કામમાં એવું હોઈ શકે કે પોતાની ઉર્ધ્વગતી (Self Development  યુ નો!) કરવા તમે પરિવર્તન લાવો તે જરૂરી છે, પણ તેમાં ફક્ત આવક કે ધન કારણભૂત ન જ હોવું જોઈએ. કારણકે તે તમને ખોટી દિશામાં જ લઇ જશે. ભલે લોકો તમને મેનેજમેન્ટના નામે ગમે તે પાઠ ભણાવે, પણ એ શાંતિ ડહોળી નાખશે.  

અહી minimalist (જે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લે તે) ની વાત નથી, વાત છે ફક્ત બિનજરૂરી દોડાદોડ અને અશાંતિ દૂર કરવાની। એની માટે પોતાના મનને કાબૂમાં રાખવું પડશે।એટલે જ્યારે મન એવી વસ્તુઓ તરફ ફોકટમાં આકર્ષિત નહિ હોય, તો આપોઆપ જ શાંત અને કાબુમાં રહેશે જેનાથી કાર્યદક્ષતા અને શાંતિ જળવાશે।એટલી તમારી ઉર્જા અને સમય પણ ઓછો વેડફાશે, અને કામની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. કોઈ પણ કાર્ય મનથી ધ્યાનપૂર્વક કરશું, તો તેમાં સફળતા પણ અવશ્ય મળશે।તમે તમારી જાત માટે અને વર્તમાન સ્થિતિ સાથે નિયમન જાળવી શકશો, જેનાથી વ્યવસ્થા જળવાશે અને વ્યર્થ સમસ્યાઓ ઉભી નહિ થાય. ભવિષ્યનો વિચાર ભલે કરો અને તેની માટે વ્યવસ્થા પણ ભલે કરો, પણ એને જ ધ્યાનમાં રાખીને બેસી રહીએ એ નહિ પાલવે!

Tuesday, October 22, 2013

પેકેજીંગની જ વેલ્યુ છે, અંદરનો માલ ગમે તેવો હોય...

આજે જરાક જુદા ટોપિક પર વાત કરવી છે. છે તો આપણને બધાલે લાગતું-વળગતું જ, અને આપણે રોજ એ જ કરીએ છીએ.

પેકેજીંગ , કે પછી એને 'Overall Presence' કહીશું તો જરા વધુ સમાજ પડશે। હું થોડું વિસ્તારપૂર્વક વાત કરું।

આજે જ્યાં જોઈએ, જેને જોઈએ એ બસ પોલિશિંગ જ કરે છે, કોઈ પણ વસ્તુ-product હોય, પોતાનો biodata /profile હોય કે પછી પોતે પોતાની જાતની જ વાત કરીએ।ઇંગ્લીશમાં એને framing કહેવાય, એટલે કે વાતને એવી રીતે મૂકવાની કે સામેવાળો સમજી ન શકે થોડી વાર તો... પછી ખબર પડે કે," આ તો અસ્ત્રો મારી ગયો! ". મીન્સ, કામ નીકળે અને આપણી આંગળી ચપટમાં ન આવે! મેનેજમેન્ટ વાળા એનો ભરપૂર ઉપયોગ કરે, સારું કરે તો પોતે કર્યું અને ખોટું થાય તો "બહુ બધા પરિબળો કામ કરે છે,  જેના લીધે નિષ્ફળતા મળે છે." એવી ડાહી વાત કરવાની।...

સવાર પડે એટલે દાઢી બનાવો, બ્રશ કરો, કંગી કરીને શૂટ-બૂટમાં નોકરી પર જવાનું, કેમ? અરે ભાઈ, કોઈ જુએ તો શું કે? થોડુક presentable તો લાગવું જોઈએ ને!

નાના બાળકોની શાળા પણ આજના માં-બાપને hi-fi/ઈંગ્લીશ/હિન્દી  જોઈએ, કેમ? તો કે, કે ભાઈ overall પેકેજીંગ સારું મળે. અરે શું ધૂળ સારું મળે, સાલા ઘરમાં "હું શ.. ચો શ" બોલે, શાળામાં હિન્દી અને અંગ્રેજીમાં બોલે।.. પેલા ધોબીના કુતરા વાળી વાર્તા જેવું થાય તો નવાઈ નઈ. પણ કોણ સમજાવે, કે મહાન લોકો કહી ગયા છે... જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, હું એવા બે મહાનુભાવોને જાણું છું. એક તો ખુદ ચાણક્ય, જે પોતે મહાવિદ્વાન હતા અને બીજા રવીન્દ્રનાથ ટાગોર। તે બંને એ એ જ કહ્યું છે કે બાળશિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ। પણ આજે તો સરકાર પણ અંગ્રેજી ની હિમાયત કરતી થઇ ગઈ છે. મેં તો પોતે high-court માં જોયું છે, કે અંગ્રેજી જ ચાલે છે. કોઈક જ વિરલા હોય, પેલા રાજસ્થાનનાં એક વકીલ જેવા કે જેને court માં પણ ધોતી અને કોટ ને સાચા ઠરાવવા માટે લડત કરી હતી. વાત બદલવી નથી, એટલે બાળવિકાસ કરતા બાળ-પેકેજ કરીએ છે આપણે।

જાહેર ખબરો જુઓ... શું વેચે, અને શું બતાવે... સાલા, કોઈ પણ જાહેરખબર હોય, એમાં છોકરી તો હોય જ.. નોટ ઓફેન્સીવ, બટ શેવિંગ ક્રીમ કે રેઝરની એડ માં છોકરીનું શુ કામ ? પણ બસ, વસ્તુ ગમે તેવી હોય, એની એડ જોરદાર જોઈએ।.. લોકોને ફસાવા માટે ગમે તે કરે આ લોકો। ગાડી હોય, ટાયર હોય, કે પછી ભલેને દૂધ હોય.. એમાં ગમે એવા ચેનચાળા કરતી લલનાઓ તો જોવા મળે જ... પછી વસ્તુ ગમે તેવી હોય કોને પડી છે? અને આપણે બી કાઈ ઓછા નથી હોં, ટેસથી બાપુ જોઈ જવાનું, અને ઘાટ આવે તો લઇ બી લેવાનું, જરૂર હોય કે નાં હોય... ચલચિત્રો પણ એમાંથી બાકાત નથી, C -greDના પણ સારા હોય એવા મુવીસ આવે છે હવે તો... આ સલ્લુ-શાહરૂખ-અક્ષય બધા જ ટાઈમપાસ મુવી કરે છે... એમાં હોય છે કઈ? કોઠા!

કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ ઓફીસ જુઓ, લોકો પોતાનો કક્કો સાચો કરવામાં જ પડ્યા છે. કામની કોઈને પડી નથી, બસ પોતે બહુ કામ કરે છે એ જ બતાડવું છે. પોતે કેમ કરીને છટકી જાય, કેમ કરીને પોતાનું કરેલું કામ વધારે અને સારું દેખાય, કેમ કરીને નવું કામ નાં આવે, કેમ કરીને બોસ ખુશ થઈને વધુ પગાર કરી આપે. પછી ભલેને કંકોડા જેવું કામ કર્યું હોય, કોને પડી છે ****? "આપણું તો બોસ, સારું દેખાઈ ગયું ને? બસ, ખલ્લાસ, આપણે તો રાજા નીકળી ગયા હેમખેમ" એવી પાછી બડાશો મારવાની! સરકારી ઓફિસો અને બેન્કોમાં તો ત્રાસ છે, public ને કોઈ સરખો જવાબ પણ નથી મળતો। મારો પોતાનો જ બેંક ઓફ બરોડાનો અનુભવ છે. એક નાનકડા કામમાં પણ એ લોકો આડોડાઈ કરે! સરકાર પણ ખાલી છબી સુધારવામાં પડી છે, સારું કામ કરીને છબી લેવામાં એમને પણ કોઈ રસ નથી. જ્યાં ને ત્યાં મોટા મોટા બેનરો, ફોટાઓ, ભાષણો! ગુણવત્તા ક્યાં છે? આવું પૂછીએ તો સાલાઓ કે'શે , "એ શું હોય ભાઈ, એવું શું બોલ્યા?"

આ બધી વસ્તુમાં એક જ કોમન વાત છે, કે ગુણવત્તા-ક્વોલીટી પર કામ થતું જ નથી. બસ, ક્વોન્ટીટી જ જોવાની। કેટલું વેચાયું, કેટલું ચાલ્યું, લોકોએ પૈસા નાખ્યા ને.. બસ, પત્યું। જેમ તેમ ગાડું ગબડે છે ને, એટલે બસ.. એવું વિચારવા વાળા બહુ છે... બધાને એમ જ મફતમાં, ઓછુ/નહીવત કામ કરીને પૈસા કમાવવા છે...કામ કરવું નથી, કરતા હોય એને મદદરૂપ થઈને કરાવવું પણ નથી! કોઈએ સાચું જ કહ્યું છે, કે આ દેશ રામભરોસે ચાલે છે...બાકી અમદાવાદના એક રસ્તા પર થતો ટ્રાફિક પણ clear નથી કરી શકતા! (આ મુદ્દો નથી, ઉદાહરણ છે... એટલે પાછા પકડી નાં લે'તા!) . લોકો કમાવામાં પડ્યા છે(ગમે તે રીતે અને ભોગે) અને સરકાર ઉડાવા અને ખાવામાં! 

હમણાં થોડા સમય પહેલા જ વાંચ્યું કે આપણને કોઈ nobel prize નથી મળ્યું। કેમ? કારણકે એ 'નોબેલ' છે... એવું કાઈ કર્યું હોય તો મળે ને? નવું તો કાઈ આપણે કરી નથી શકતા, જે બીજા દેશો કરે એને કોપી કરે જવાનું।.. અને NRI ની વાતો સાંભળીને કૂદાકૂદ કરવાની।. બોસ, આપનો indian  છે. શું ધૂળ indian  છે? સાલા, ત્યાં ગયો ત્યાં સુધી કંકોડા વેચતો તો, એને ત્યાં જવા મહેનત કરી જ હશે, પણ એ ત્યાં અમેરિકા જઈને ત્યાના environment માં કામ કરી શક્યો ત્યારે જ આગળ આવ્યો ને? તો એમાં indian ક્યા આવ્યું? અને એને તો તમારી પડી પણ નથી, એ ત્યાં જ રેવાનો છે, ત્યાનું જ કામ કરવાનો છે, પણ નાં, અમે તો ભાઈ રાજીના રેડ... અલ્યા, રાજી થાવ, પણ પોતે શું કર્યું એ તો જુઓ...જેટલા NRI  છે એ બધાને હવે કઈ લાગે-વળગે નહિ, સિવાય કે 'નામ' મૂવીનું પેલું ગીત, "चिट्ठी आई है, आई है… " અને તહેવારોમાં ઘર યાદ આવે! 

એટલે, આપણે પોતે શું કર્યું અને  કરવું છે એ અગત્યનું છે...સારાની પ્રશંસા કરો, પણ ગુણગાન ના કરો.. નવું કરવાની ભાવના લાવવી પડશે, અંતરમાંથી પોતાના દાયિત્વો પ્રત્યે સભાન બનવું પડશે, અને સારું કામ કરવું પડશે।દેખાદેખીનો કોઈ મતલબ નથી... બધાને IIT/IIM /NASA  અને એવી બધી મોટી જગ્યાઓ પસંદ છે, પણ એ જ લીમીટ છે? અરે, એના પહેલા પણ વિશ્વ હતું અને પછી પણ રહેશે જ ને? NASA એ કીધું કે ફલાણી વસ્તુ શક્ય નથી, તો શું માની લેવાનું? અરે ભાઈ, લેટ્સ  ટ્રાય।.. પ્રયત્ન તો કરો... કોઈકે કીધું કે અહી કુવો છે તો ભૂસકો ન મરાય, પણ જઈને જોવાય તો ખરું કે નઈ? 

જો એવું જ હોત તો કદી ભારત શોધાયો જ ન હોત, કોઈ નવા સંશોધનો થયા જ ના હોત, અને દુનિયા અટકી જ ગઈ હોત? નાં, newton  ના હોત કોઈ બીજો હોત, પણ કાઈ વિકાસ થોડો જ અટકે છે? અને એ આવે છે સતત નવું કરવાની પ્રેરણા અને વિશ્વાસથી, કામ કરવાની અંતરની મહત્વાકાંક્ષાથી... અને સાચા અને સીધા રસ્તે, મનથી કરેલા સંકલ્પ અને પ્રયત્નોથી. તો આપણે હવે શું કરે છીએ અને કેવી રીતે કરીએ છીએ, એની પર વધારે ધ્યાન આપીશું ને? 

Saturday, October 19, 2013

ગામની સંધ્યા...

આજે એમ જ બાજુના ગામે જવાનું થયું। થોડાક સમયનું જ કામ હતું એ પતાવી અને નજીકના સંબંધીને ત્યાં થોડીવાર માટે રોકાયા। થોડી રોજબરોજની વાતો કરી, શું ચાલે છે શું નહિ અને કામકાજ-તબિયત-પાણી...

નાસ્તામાં ઘરે બનાવેલું સફેદ રૂની પૂણી જેવું માખણ, એની જોડે ભાખરી કે રોટલો અને ઉપરથી કડક-મસાલેદાર ચ્હા! સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. અને આપણે ત્યાં ભેળ અને ભૂસાં!

એમ જ આડીઅવળી વાતો, સમય કેમ વીતે એ જ ખબર નાં પડે. ઉપરથી અડોસ-પડોશનાં લોકો પણ ચા-પાણી કરવા બોલાવે એવો લોકોનો મિજાજ... એ જોઇને ખરેખર તમને આમ કઈક વિશેષ હોવાનો અહેસાસ કરાવતા આ લોકો પ્રત્યે માન ઉપજે કે પોતાનો સમય ફાળવીને આ લોકો કેવી સરસ આગતા-સ્વાગતા કરે છે!

બહાર બજારમાં જઈએ, એટલે થોડીક ધૂળ-માટી ઉડતી હોય... ગીચોગીચ એવા બજારમાં વાહનો અને લોકોના ટોળાઓ પોતપોતાની રીતે જગ્યા કરીને (કોઈપણ જાતની માથાકૂટ વગર) જતા હોય... નાનકડા બાળકો દોટમદોટ કરતા હોય...
નાનકડી દુકાનોમાં ગ્રાહકોની ભીડ, સાંજના સમયે થતી અગરબત્તી-ધૂપ-દીવા દુકાનમાં અનેરી સુવાસ અને દિવ્યતા ફેલાવતા હોય...

રસ્તાઓ પર પૂરતી જગ્યા હોય, પણ સાંકડા હોવાને કારણે તમને થોડી ભીડ અનુભવાય પણ એની પણ એક મજા છે. વળી સાંજે ગોધુલી ટાણે (ચરવા ગયેલી ગાયો-ઢોરો પાછા ફરે તે સમય,  જયારે તેમના ચાલવાથી રસ્તાની ધૂળ ઉડતી હોય) ઉડતી ધૂળના રજકણો આથમી રહેલા સુરજદાદાના હળવા હળવા કિરણોના પ્રકાશમાં ચળકીને અનેરી ભાત પાડી રહ્યા હોય... ગાયોની ઝાલર વાગી રહી હોય અને મંદિરોમાં આરતીના સમયે થતા શંખ-નગારા -ઢોલના અવાજથી આખું વાતાવરણ એક અનોખો અહેસાસ આપતું હોય છે.

ધોરીમાર્ગની બંને બાજુ લીલા ખેતરોમાં શિયાળાની શરૂઆતનો સમય હોવાથી આછી આછી ધુમ્મસ જોવા મળે. અને એ ધુમ્મસ અને ઢળતી સંધ્યા ભેળા મળીને આહલાદક ઠંડક ફેલાવી રહ્યા હોય. ધીમે ધીમે ઢળતી એ સાંજ, ખેતરો ઉપરના ખુલ્લા આકાશમાં સરસ મજાની હાર રચીને એકસાથે પાંખો પસારીને એક નિશ્ચિત રીતે ઉડી રહેલા પંખીઓ અને પોતાના માળાઓમાં જવા માટેની એમની ઉત્સુકતા, એ ખરેખર એક સુંદર અનુભૂતિ છે.

થોડા સમય માટે આપણે પોતે એ ભૂલી જઈએ કે આપણે આપણા રસ્તે જવાનો સમય થઇ ગયો છે. ત્યાં બધું ઘણી જ શાંતિથી કોઈ જાતની વગર જોઈતી ઉતાવળ વગર ચાલતું હોય એ સ્પષ્ટ પણે દેખાય આવે છે, અને એટલે જ આપણને પણ શાંતિ અનુભવાય જયારે પોતાના રોજના કામથી મુક્ત અને શહેરથી દૂર હોઈએ. ચાલો હવે ઘર તરફ જઈશું ને?

Friday, October 18, 2013

ભાઈબંધી ભાન ભુલાવે, બાળપણની યાદ અપાવે

હમણા જ ક્યાંક વાંચ્યું હતું કે,

"મિત્રો મળે એટલે જુવાની ખીલી ઉઠે, બાળપણું જાગી ઉઠે અને જિંદગી જીવી ઉઠે..."

વાત તો સાચી છે! આપણે બધા અનુભવીએ છીએ, સમજીએ છીએ છતાં પણ રોજીંદી ભાગદોડમાં દોસ્તી અને દોસ્તો બાજુમાં રહી જાય છે...( બાજુમાં  રહે ત્યાં સુધી ઠીક છે પણ પાછળ  જાય એ જોજો ...)

નોકરી, બૈરી અને બાલબચ્ચા, (છોકરી ન કહેવાય અને 'પત્ની' થોડું સીધું લાગશે, એટલે આ તળપદા શબ્દપ્રયોગ કર્યો છે. કેટલાક લોકો એને outdated ગણે છે, પણ ભાઈ એમ કઈ થોડું outdated  થાય તમારા કીધે?), એ ત્રણમાંથી માણસ નામનું પ્રાણી નવરું પડે તો  બીજું કઈ  વિચારે ને ?

બધા લોકો એમ નસીબદાર નથી હોતા કે જેના મિત્રો  આસપાસ જ છે. એવા કેટલાયે મિત્રો છે જે પોતાના ઘર/વતનથી દૂર રહે છે, જે પોતાની નોકરી/ધંધા માટે બહાર ફરતા રહે છે અને મિત્રો સાથે સમય પસાર નથી કરી શકતા . આનું 'જ્ઞાન' ત્યારે થયું જ્યારે એક એવા મિત્રને મળવાનું થયું જેણે પોતાની વ્યથા કહી, કે ભાઈ એકલા એકલા કામ કરે જઈએ છે અને પાછા અવાતું નથી!

દોસ્તારો મળે એટલે નાં તો સમયનું ભાન રહે, ન કામનું . એમાં પણ જ્યારે "જુના જોગી" ભેગા થાય એટલે વાતોના વડા, હાસ્યની છોળો અને પ્રેમની લ્હાણી થાય . હમણાં બે દિવસથી એવો જોગાનુજોગ થાય છે કે રોજે ખાસ મિત્રોને મળવાનું થાય છે, અને પછી ચ્હા-નાસ્તા -પાણી -વાળું બધામાં મજા આવી જાય .

કૈક કૈક સમયની વાતો નીકળે, જૂની યાદો તાજી કરે, ગામ આખાની વાતો કરે અને દસ જણાને ખબર પડે કે, "નવાઈનાં ભ'ઈબંધો ભેગા થ્યા શી અલ્યા!" :) એ શું કે રોજ એક જ, કામ કરીને ઘરે જઈને ખાઇ-પીને સુઈ જવાનું ? મિત્ર-ગોષ્ઠી વગર તે કાંઈ મજા આવતી હશે? એ વખતે સ્થળ કે માહોલનું નહિ પણ મિત્રોની સોબતનું મહત્વ હોય છે... મિત્રોથી જ એ માહોલ બને છે...મિત્રો હોય એટલે સમય પસાર થઇ જાય,ચાહે સમય સારો-નરસો ગમે તેવો હોય. કોઈ ગઝલકારે સરસ કહ્યું છે કે,

"पूजा में है  नशा, इबादत में है नशा, चाहत में है नशा, मुहोब्बत में है नशा...
पर ईमान से कहूँ तो मुझे मेरे दोस्तो, सबसे ज्यादा यार की सोह्बत में है नशा."

આ બે પંક્તિઓ ઘણું કહી જાય છે... મિત્રતા એ એક એવો સંબંધ છે જે માણસે કમાવો પડે છે,એને ફક્ત જન્મ લેવાથી જ free માં મળતો નથી. એને કમાવા અને એને જાળવી રાખવા ઘણું કરવું પડે છે... એટલે મિત્રોથી વંચિત લોકો ખરેખર દયાને પાત્ર છે, કારણકે મિત્રતા માણસને જીવનમાં ઘણું આપે છે અને ઘણું શીખવાડે છે...

એ મિત્રોને યાદ કરતા કરતા, એમની જોડે વાત કરવાની ઈચ્છા થાય તો તરત જ ફોને ઉપાડીને કે રૂબરૂ મળીને પોતાનું મન હળવું કરો...એનાથી દોસ્તી વધુ ગાઢ બનશે .  એ મિત્રો ફક્ત થોડો સમય જ માંગે છે, બીજું કાઈ નહિ.

મારા સઘળા મિત્રોને આભાર, કે આજે આ લખવા માટે પ્રેરિત થયો... (બસ લ્યા, બધા બૌ ફુલાતા નહિ આ "આભાર" સાંભળીને :) )

Update

એક મિત્રે (અમ્માર) facebook પર share કરેલી આ વાત અહી રજુ કરતા હું  મારી જાતને રોકી ન શકયો..

૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું,...
હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા.
ખબર કેમ ? કારણ કે સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરતા હતા તેના પર આ માણસનું ધ્યાન હતું…! 
મોરલ :જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ના રોકી શકે…! 
DEDICATED TO MY BEST FRIENDS“ખરીદ શકતે અગર ઉનકા સાથ, તો અપની જિંદગી બેચ કર ભી ખરીદ લેતેપર ક્યાં કરે,“દોસ્તી” ઓર “પ્યાર” હમેશા….“કીમત સે નહિ…કિસ્મત સે મિલતે હે…"

Tuesday, March 5, 2013

આપણું જીવન - એક અનંત દોડ ...

કોઈ વખત આપણે એકાંતમાં હોઈએ ત્યારે જુદા જુદા વિચારો મનમાં આવે, અને સાથે જ ઘણા બધા પ્રશ્નો પોતાની જાતને પૂછીએ . એના જવાબો જો કે સરળ નથી હોતા, અને હોય છે તો પણ આપણે એને જવાબ માનતા જ નથી . હા, એ જ તો આપણી મનુષ્યોની ખાસિયત છે , કે પછી નબળાઈ છે? એવો જ એક સવાલ આજે મનમાં ઉદભવ્યો . 

નાનપણમાં જયારે આપણી પાસે સમય હતો, મિત્રો હતા, ગામનું પાદર હતું, રમતનું મેદાન હતું, એ જૂની સાઈકલ હતી ... ત્યારે જે ખુશી અને સંતોષ મિત્રો સાથે રમવામાં અને ગામમાં ફરવામાં થતા, એ હવે મળે છે? 

કોઈ કહેશે કે હા, મળે છે ... કેમ? કારણકે આપણી પાસે ભૌતિક સંપત્તિઓ છે માટે? તો કદાચ તમે બહુ નસીબદાર છો કે એમાંથી ખુશી મેળવી શકો છો, અથવા તો તમે સાચું સ્વીકારતા ડરો છો ...

ભૌતિક સંપત્તિ એ એક જાતની જાળ છે . હા, જાળ ... એટલા માટે કે આપણને સંતોષ જ નથી થવા દેતી . એક વસ્તુ, પછી બીજી વસ્તુ, પછી ત્રીજી  ... અને એ એમ જ ચાલે જ જાય ... કોઈ દિવસ એનો અંત જ નથી આવતો ... આપણે એની પાછળ જ પડ્યા રહીએ છે, પહેલા એને મેળવવા માટે અને પછી એનાથી પણ મનને વધુ લોભાવતી વસ્તુ પાછળ ! આ એક અનંત શ્રુંખલા છે!

ખબર છે શું ફર્ક છે બાળપણમાં અને અત્યારે? એ કે નાનપણમાં આપણી જરૂરિયાતો બહુ માર્યાદિત રહેતી, કારણકે આપણે કુદરતી આનંદ મેળવી શકતા હતા ... રમતો રમીને, મિત્રો સાથે હળીમળીને, ગામને પાદર ધીંગામસ્તી કરીને ... ખેતરો અને તળાવોમાં, નદીઓ અને બજારોમાં ફરીને ... એ નાનપણનો કુદરતી આનંદ યાદ છે? ત્યારે સમય હતો ... :)

સમય, એક એવી વસ્તુ જેનો આપણી જોડે કોઈ ઈલાજ નથી ... જેની સામે મનુષ્ય હારી જાય છે ... મને કહો, ગમે તેટલા પૈસા હોવા છતાં આપણે સમય ખરીદી શકીએ ? ના ... એ શક્ય નથી .

હવે આપણે પૈસા પાછળ દોડીએ છીએ, આગળ વધવાની દોડ અનંત છે . એમાં ને એમાં જ સમય વીતી રહ્યો છે, અને આપણે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ . એ સતત દોડથી કંટાળેલા આપણે ભૌતિક વસ્તુઓથી પોતાની જાતને ખુશ રાખવા મથીએ છીએ . મનને એવું મનાવીએ, કે આનાથી આનંદ મળશે . સમય ઓછો હોય છે, એટલે એવી વસ્તુઓ પાછળ જઈએ જેનાથી ઓછા સમયમાં વધુ આનંદ મળશે એવી આશા હોય !

વધુ પૈસા કમાવી અને પછી વધુ વપરાશ કરે, એવું વિચારીને કે જલસા કરો ને! પણ એ ખરેખર તો એટલા માટે છે, કે તમે તમારા મનને મનાવવા માંગો છો ... પોતાને ન ગમતું કાર્ય કરવું પડે છે, એ વાત ને ભૂલાવવા માટે પૈસાનો  અને ભૌતિક વસ્તુઓનો સહારો લઈએ છીએ ... એટલા માટે, કે ભૌતિક વસ્તુઓમાં જ આનંદ છે એમ માની એની માટે વધુ સંપત્તિ એકઠી કરવા માંગીએ છીએ ... 

પણ એ વસ્તુઓ જરૂરી છે? એનાથી ખરેખર ફર્ક પડે છે? એક ગાડી લાવીએ, પછી એનાથી મોટી ગાડી જ નજરમાં આવે છે . જે હાથમાં છે તે વસ્તુ છોડીને આપણે બીજી વસ્તુનું જ વિચારીએ છીએ . યાદ કરીને કહો, કે એવી કઈ વસ્તુ તમે કરી, જે વગર વધુ પૈસે ના થઇ શકત ... અને તેના ન થવાથી તમને બહુ મોટો ફર્ક પડત ! હું માનતો નથી કે એવી કોઈ વસ્તુ હશે ... અત્યારે તમારી જોડે વધુ સંપત્તિ હશે તો પણ તમે એનો એવો તો ઉપયોગ નથી જ કરતા, કાઈ સોનાની થાળીમાં તો નથી જ જમતા ! ખાલી એકઠી કરવામાં જ લાગેલા હઈશું કદાચ!

આ વસ્તુથી કોઈ બાકાત નથી, ગરીબ કે તવંગર બધાને કોઈ ને કોઈ વસ્તુ પાછળ ઘેલું લાગેલું જ હોય છે . પરંતુ આપણે કોઈ એવું નથી વિચારતા કે ખરેખર જે વસ્તુની આટલી તાલાવેલી છે એ શું અનિવાર્ય છે? કદાચ નથી જ, અને જે વખતે એ સમજાય ત્યારે ઘણું બધું હાથમાંથી નીકળી ગયું હોય છે ... 

એક ઘર લીધું, પછી બીજું લીધું, પછી ગાડી લીધી, ફર્નીચર ... અને એની સામે લોન લોન અને લોન ... અને પછી એ લોન ભરવામાં દર મહિનાનો હપ્તો પૂરો કેમ કરવો એમ વિચારીને વધુ મજુરી કરવાની ... આ તો એક ઉદાહરણ માત્ર છે, બિનજરૂરી એટલે કે જે અનિવાર્ય ના હોય એવી દોડધામ માટેનું ...

આનો એક જ ઉકેલ છે, હાજર સમય અને વસ્તુની કદર અને સદુપયોગ! બિનજરૂરી વસ્તુઓનો પીછો છોડી સંતોષપૂર્વક પોતાનું કામ કરવું .બિનજરૂરી વસ્તુઓ પાછળની દોટ છોડી દેવાથી મનની અને શરીરની કાર્યદક્ષતામાં વધારો થાય છે, એકાગ્રતા અને ધ્યાનપૂર્વક અધ્યાત્મિક સ્તરે આગળ વધવામાં પણ આસાની થાય છે, અને જીવનમાં નિયમિતતા કેળવાય છે .

પોતાના માનસિક, શારીરિક અને અધ્યાત્મિક વિકાસ માટે આપણે દરેકે આ વસ્તુ સમજવાની જરૂર છે અને એની પર અમલ કરવાની પણ!

મહાભારતનું ચિંતન : સ્વામી સચ્ચિદાનંદ

આજે ઘણા સમય પછી કઈક લખવાનું મન થયું, ત્યારે સૌપ્રથમ વિચાર આવ્યો કે છેલ્લે વાચેલું પુસ્તક કયું છે? અને એના વિષે થોડી વાતો કરીએ જેથી બીજા મિત્રો જેમને ખબર નથી તેઓ પણ એનો લાભ ઉઠાવી શકે।

"મહાભારતનું ચિંતન" એટલે ગીતાનો યથોચિત અનુવાદ, જે શ્રીકૃષ્ણનાં વિચારોને સાર્થક કરે છે। જ્યારે અર્જુન યુધ્ધમાં થાકીને સન્યાસીની જેમ વાતો કરે છે, પોતાના હથિયારોનો ત્યાગ કરવાની પલાયનવાદી માનસિકતા પ્રકટ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને એમ કરતા અટકાવે છે। એ માટે તેઓ અર્જુનને જે કર્મનો અને મનુષ્યજીવનનાં કર્તવ્યોનું જ્ઞાન આપે છે તે જ ગીતા છે।

અર્જુન પોતાના બાંધવો-સગાવહાલાઓ સામે યુદ્ધ કરવાની માની એવું બહાનું ધરીને કરે છે, કે લોકો મને શું કહેશે। લોક્લાજથી ડરીને તે યુદ્ધ છોડીને ભાગવાની વાત કરે છે।ત્યારે શ્રીકૃષ્ણ એને સમજાવે છે, કે લોક્લાજથી પણ મોટું કર્તવ્ય પાલન છે।જો ક્ષત્રીય પોતાનું હથિયાર મૂકી દે, તો એ કર્તવ્યનો ત્યાગ થયો કહેવાય। એને પોતાના રાજ્ય, પ્રજા અને શાંતિ માટે શાસ્ત્રો ઉઠાવવા જ પડશે, એના વિના શાંતિ નહિ સ્થપાય। 

"દંડ વગર શાંતિ શક્ય નથી" એવું સમજાવીને તેઓ કહે છે, કે દુષ્ટ લોકો સામે યુધ્દ કરવું એ રાષ્ટ્રના અને પ્રજાના હિતમાં છે . તેની સામે ડાહી ડાહી વાતો કરવાથી કહી નહિ ઉપજે અને ઉપરથી તે તમને જ કાયર સમજશે। તે પ્રજાને રંજાડશે અને દેશનો વિનાશ કરવાના રસ્તાઓ જ શોધશે। 

પાંડવો બધી રીતે કૌરવોને સમજાવવાના પ્રયત્નો કર્યા, છતા તેમની સજ્જનતાને કાયરતા સમજીને હમેશા તેમને ઉપેક્ષિત જ કરવામાં આવ્યા।અને જયારે છેવટે યુદ્ધનો અને ન્યાયનો સમય આવ્યો ત્યારે અર્જુન પીછેહટ કરે છે, જે અત્યારે અસ્થાને છે। શ્રીકૃષ્ણ કહે છે, કે જે સમયે જે કરવાનું છે તે કરવું જ જોઈએ . એવા સમયે ન્યાય જે માંગે છે તે આપવું જ રહ્યું . ત્યારે અહિંસાની પીપુડી વગાડીને ભાગી જવું સૌથી સરળ છે, અને ન્યાય માટે લડીને સંઘર્ષ કરવો એ વીરોનું જ કામ છે .

સ્વામીજી સમજાવે છે કે જેમ અર્જુન ભાગેડુવૃત્તિ બતાવે છે, તેવી જ રીતે ઘણા વર્ષોથી ભારત દેશ સાથે પણ આ જ થતું આવ્યું છે . કેટલાક લોકો દેશના યુવાધન અને પૌરુષને ખોટી દિશા બતાવી રહ્યા છે . અહિંસાના નામે તેઓ દેશને અંદરથી પૌરુષહીન બનાવી રહ્યા છે . એની માટે તેઓ ધર્મનો સહારો લઇ ભગવાનનો ડર બતાવે છે . અહિંસાનો સાચો અર્થ એ છે, કે અર્થહીન હિંસા ના કરવી . નહિ કે સ્વરક્ષણ કે દેશ માટે આપત્તિના સમયે પણ બેસી રહેવું . એ તો ભાગેડુવૃત્તિ અને પલાયનવાદ થયો કહેવાય, જેનાથી સમાજનો વિનાશ જ થાય . અસામાજિક વૃત્તિઓને તેનાથી તાકાત મળે અને સમાજને લાંબે ગાળે નુકસાન જ થાય . તેમાંથી સમાજને બહાર કાઢવો જોઈએ અને તેની માટે યુવાનોને પ્રાચીન હિંદુ ધર્મનું સાચું જ્ઞાન મળે એ જરૂરી છે। 

તેઓ કહે છે, કે જે ધર્મ પોતાના અનુયાયીઓ અને દેશની પ્રજાનું રક્ષણ ના કરી શકે તે લાંબુ તાકી ન શકે . અને તેથી ન તો તે દેશ ટકી શકે . એવા કેટલાયે ધર્મો છે જે અહિંસાને નામે નામશેષ થઇ ગયા, અને કેટલાયે છે જે પોતાની તાકાતથી સમગ્ર વિશ્વમાં પોતાની ધજા ફરકાવી શક્યા  છે . મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોએ પોતાનો ફેલાવો કરવા માટે ઘણા યુદ્ધો કર્યા છે, અને તેથી જ તેઓ આજે પણ સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે . 

અહી વાત ધર્મોની કે સંપ્રદાયોની નથી, કે નથી કોઈ ભગવાનની। વાત છે મનુષ્યના મૂળભૂત અધિકારો અને સામાજિક કર્મો અને કર્તવ્યોની . આપણે આપણી જવાબદારીઓમાંથી "સન્યાસ"નું નામ લઈને છટકી ન શકીએ, સન્યાસ તો ઘરે બેઠા પણ મળી શકે જો મન સ્થિર હોય તો! એની માટે કઈ ઘરેથી ભાગી જવાની જરૂર નથી . અહિંસાનો સહારો લઈને આપણે ન્યાય અને અન્યાય વચ્ચેનો ફર્ક ભૂલી જઈએ તે ખોટું છે, અને સમાજ-દેશનો વિનાશ કરનારી વિચારધારા છે . 

સ્વામીજીએ ખૂબ ચોટદાર દલીલોથી ગીતાનો કર્મ સિધ્ધાંત સમજાવ્યો છે, અને એની માટે તેમને મહાભારતના એક એક પ્રસંગનો ખૂબ સરસ રીતે ઉપયોગ કર્યો છે . તે કહે છે, કે ગીતા એ કોઈ ધર્મ કે સંપ્રદાયથી ઉપર એક વિચારધારા છે, જે સમાજ અને દેશના વિકાસ અને રક્ષણ માટે આપણને પ્રેરણા આપે છે! આ પુસ્તક વાંચવાથી એ વિચારધારાનો એક દ્રષ્ટિકોણ જરૂર નજર  સામે  આવે છે .

સ્વામી સચ્ચિદાનંદ - એક પરિચય 
વધારે જાણકારી તેમની website www.sachchidanandji.com/ પરથી મળી શકશે।

તેઓ મનુષ્યના કર્મશીલ હોવા પર ભાર મુકે છે અને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે અને આ પુસ્તકમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં દર્શાવેલા કુરુક્ષેત્રના યુધ્ધમાં ગાયેલી ગીતાનો મહિમા એ રીતે જ દર્શાવ્યો છે।

Tuesday, January 8, 2013

ગુજરાતનો ઇતિહાસ - ધૂમકેતુની "ચૌલુક્ય નવલકથાવલિ"...

ગરવી ગુજરાત વિશેની ઐતિહાસીક પુસ્તકો ફંફોળતા પહેલી જ વખતે ધૂમકેતુનુ પુસ્તક હાથ લાગ્યુ, અને થયુ કે એમા સોલંકી કુળનો ઈતિહાસ છેક ૭-૮મી સદીથી જોવા મળૅ છે.  પછી તો એક પછી એક એમના પુસ્તકો વાંચવા શરુ કર્યા બાદ, થયુ કે એનો સાર અને પુસ્તક વિશે Review લખવો જેથી વાચકમિત્રોને પણ એક નવુ સારુ વાચન ધ્યાનમા આવે.

તેમનુ લખાણ આપણને દશ્યની છેક અંદર ડોકિયુ અને ઘટનાની રુબરુ ઝાંખી કરાવનારુ બની રહે છે. વાચકો તેને અંતરથી અનુભવી રહે અને પોતે નજરો નજર નીહાળી રહે, તેની પૂરતી કાળજી રાખીને તેમણે એક એક દશ્યનુ લેખન કર્યુ છે. પછી એ પાટણ નગરી હોય, ધારા નગરી હોય કે ભોજરાજની 'સરસ્વતીકંઠાભરણ' ની સભા હોય, આપણને સ્વપ્નમાથી જીવંત થઈને નજર સમષ ઊભી રહેલી જ દેખાય.
ધૂમકેતુ ચૌલુક્ય નવલકથાવલિમા સમાવિષ્ટ થતા પુસ્તકો નીચે પ્રમાણે છે.

૧. પરાધીન ગુજરાત
૨,3. મૂલરાજદેવ - અને
૪. વાચિનીદેવી
૫. અજિત ભીમદેવ
૬. ચૌલાદેવી
૭. રાજસંન્યાસી
૮. કર્ણાવતી
૯. રાજકન્યા
૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
14. રાજર્ષિ કુમારપાળ 
15. નાયિકાદેવી 
16. રાય કરણ'ઘેલો 

૧. પરાધીન ગુજરાત
૭-૮મી સદીમા ગુજરાતના પંચાસરનો રાજા જયશિખરિ, યુદ્ધમા પડે છે અને ગુજરાત પર દક્ષિણના રાજાનો રાજ જમાવે છે. એ વખતે રાજાના રખેવાળો અને સેનાપતિઓ કોઇ રીતે રાજકુમાર વનરાજ ચાવડાને બચાવે છે અને કેવી રીતે વનરાજ ચાવડો જંગલમા રખડીને પણ પોતાનુ રાજ પાછુ મેળવે છે એની વાત છે. એનો ખાસ મિત્ર, અને રાજમાતાની અંગત નારીદળની સેનાપતીનો પુત્ર અણહિલ (જે 'અણહિલ ભરવાડ' ને નામે પ્રચલીત થાય છે, ખરેખર રાજ્પૂત જ હોય છે). વનરાજ યુદ્ધ જીત્યા પછી પોતાના નહિ પણ અણહિલના નામે સરસ્વતી નદીને કાંઠે એક નગર વસાવે છે, જેને "અણહિલપૂર પાટણ" એવુ નામ અપાય છે.

૨,3. મૂલરાજદેવ - અને
ચાવડા વંશજ વીર ચાપોત્કટ (ચાપ+ઊત્કટ=ધનુર્વિધ્યામા નીપુણ, ચાવડા બાણાવળી કહેવાતા..), તેનો ભાણેજ એ મૂલરાજ સોલંકી જે મામાને ત્યા રહીને ઉછરે છે. મામો પાટણનુ રાજ તો ચલાવે છે, પણ રાજા તરીકે પોતાની ફરજો પ્રત્યે સભાન નથી. મૂલરાજ્દેવ મામા સામે યુદ્ધ કરી અને પ્રજાને ખાતર તેનો વધ કરીને પાટણનુ રાજ પોતે લે છે અને પાટણને સમર્થ બનવવા પ્રયત્નો કરે છે. નડૂલની રાજકુમારી માધવી, ખેરાલુનો રાણો જેહુલ અને બીજા પાટણપ્રેમી ચાવડાઓ તેને સાથ આપે છે. તે માધવી સાથે લગ્ન કરે છે.

પાટણનુ નવુ-સવુ રાજ્ય, એનો નાનો એવો વિસ્તાર પણ મૂલરાજદેવ ખૂબ મહત્વાકાંક્ષી હોય છે. તેને હરાવવા તૈયાર બેઠેલા કચ્છનો લાખો ફુલાણી અને જુનાગઢ્નો ગ્રાહરિપુ (તે વખતનો જુનાગઢ્નો રા'). મૂલરાજદેવ સાહસ પર સાહસ કરે છે, સાંભરરાજને તત્કાલિક પોતાની મુત્સદીગીરી અને સાહસિકતાથી મનાવી, તે યુધ્ધ પાછુ ઠેલી એકીસાથે ફુલાણી અને ગ્રાહરિપુ (જે બન્ને એકબીજાના ખાસ મિત્રો હોય છે અને યુધ્ધના જ શોખીન હોય છે.) સાથે દ્વંદયુધ્ધ કરે છે. બન્નેને હરાવે છે, ફુલાણીને હણે છે અને રા' ને વશ કરે છે. 

તેનો પાટવી ચામુંડરાજ, જે ગજશાસ્ત્રનિપુણ છે, યુધ્ધમા અદભૂત શૌર્ય બતાવે છે. એ સાથે જ પાટણનુ મહત્વ, જવાબદારી અને દુશ્મનો વધે છે. વિસ્તારની સાથે સાથે પાટણને કુનેહ પણ રાખવી પડે છે કારણ કે હજુ તો માંડ પહેલુ પગલુ, જ્યા એ કોઇ મોટા રાજ્ય સાથે યુધ્ધ વિચારી જ ન શકે.

મૂલરાજ સિધ્ધ્પુરમા રુદ્ર્મહાલય બંધાવે છે અને અંતે મૂલરાજદેવને પોતાના મામાની હત્યા દેખાતા પ્રાયશ્ચિત સ્વરૂપે અગ્નિસ્નાન (દર્ભાસન પર બેસી ઘી થી સ્નાન કરી પધ્માસનમા બેસીને પગના અંગુઠેથી અગ્નિને પ્રવેશ કરાવે) કરે છે.

૪. વાચિનીદેવી
વાચિનીદેવી અને ચામુંડરાજ, મૂલરાજદેવના બે સંતાનો છે. અહી કેવી રીતે વાચિની પોતાના ભાઈને પાટણની પ્રજા અને મહત્તા ખાતર એક નર્તિકાની પાછળ ન પડીને રાજકાજમા ધ્યાન આપવા સમજાવે છે. છેવટે, તેના સઘળા પ્રયત્નો વ્યર્થ જતા તે ચામુંડને પદભ્રષ્ટ કરી, ભત્રિજા દુર્લભરાજને રાજ સોંપે છે તેની વાત છે. તે બતાવે છે કે રાજનીતીને ખાતર સંબંધો પણ ભૂલવા તે તૈયાર છે અને પાટણથી ઉપર કોઇ નથી.  

અહી નાગદેવ, યોગરાજ અને દુર્લભરાજ ચામુંડના ત્રણ પુત્રોનો પ્રવેશ થાય છે, નાગદેવનો પુત્ર જ ભીમદેવ જે ખૂબ સાહસીક છે. પાટણના ભવિષ્યના અમાત્ય દામોદર પણ અહી જ સોમનાથથી પાટણમા આવીને પોતાનુ મહત્વ વધારે છે, પાટણ અને એની પ્રજા માટે જ નહી કે પોતાના અંગત સ્વાર્થ માટે.

૫. અજિત ભીમદેવ
દુર્લભરાજ સન્યસ્ત લે છે, ભીમદેવ ગાદી પર આવે છે. પણ એ સાહસીક ભીમદેવના માથે કાળી ટીલી જેવો આઘાત થાય છે જ્યારે મહમ્મુદ ગઝની ગુજરાત પર યુધ્ધ લાવે છે. ભીમદેવ સોમનાથમા નીડર બનીને યુધ્ધ આપે છે,પણ વિધાતાની રીત કે તેને પોતાના લોકોને બચાવવા અને ફરી પાટણને સમર્થ કરવા પોતાની ઈચ્છા વિરુધ્ધ સંતાવુ પડે છે.આસપાસના રાજ્યો-માળવા, લાટ(ભરુચ પછીનુ ગુજરાત), અર્બુદમંડ્લ (આબુ), શાકંભરી વગેરેથી સંભાળીને ભીમદેવ ગઝનીને હંફાવવાનુ નક્કી કરે છે

૬. ચૌલાદેવી
પાટણનો રાજા ભીમદેવ, ગઝનીને હંફાવી પોતાનુ સ્થાન મજબૂત કરવાની તૈયારીઓ કરે છે. તેનો મંત્રી દામોદર કુનેહથી પાટણને આગળ વધારવાના રસ્તાઓ શોધે છે, માળવાના ભોજરાજને હંફાવવા માટે યુક્તિઓ બનાવે છે. આબુ, નડૂલ અને લાટને વશમા કરે છે.  ભીમદેવ ચૌલાદેવી નામની નર્તિકાના પ્રેમમા છે અને દામોદરે એને રા' ની દીકરી ઉદયમતી સાથે પરણાવે છે. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે પણ ચૌલા પાટણ માટે પોતાના વારસો ગાદી નહી સ્વીકારે એવુ વચન આપે છે. એ ચૌલા પાટણ માટે મોટુ બલિદાન આપે છે એ વાત બહુ ઉંડાણથી વણી લેવાઈ છે.

૭. રાજસંન્યાસી
ભીમદેવના કાકા, દુર્લભરાજનો સહારો લઈને ગઝનીને ભોળવી તેને પાછો વાળવા ભોમિયા આપે છે જે ખોટા રસ્તે લઈ જાય છે. ભોમિયાઓ ગુજરાતને માટે મરી ફીટે છે અને ભીમદેવ ગઝનીના સૈન્યને હંફાવે છે. ગઝનીના ગુજરાતમા કાયમી પોતાનુ થાણુ અને ખંડિયુ બનાવતા અટકાવે છે ત્યારે ભીમદેવનો જયજયકાર થઈ રહે છે. દામોદર ચેદિ સાથે સંધી કરે છે અને માળવાને એ બધાના સાથથી હરાવે છે. ચેદિથી ડર્યા વગર એ તેમા પોતાનુ અને પાટણનુ મહત્વ સ્થપિત કરે છે.

૮. કર્ણાવતી
ચૌલ્ક્ય પરંપરા મુજબ ભીમદેવ સન્યસ્ત લે છે. તેની પાછળ દામોદર પણ સન્યસ્ત લઈ અને બધો કારભાર સાંતુ મહેતાને આપવાનુ નક્કિ કરે છે. પણ જતા પહેલા તે રાજસિંહાસનનો વારસ નક્કી કરે છે. ભીમદેવના બે પુત્રો, ઉદયમતીનો કર્ણદેવ અને ચૌલાદેવીનો ક્ષેમરાજ. ભીમદેવ ક્ષેમરાજને પરંપરા મુજબ રાજ આપે છે પણ ઉદયમતી પોતાના પુત્રને રાજા ઝંખે છે. કર્ણદેવ મોટાભાઈને જ રાજ આપવા કહે છે, પણ ક્ષેમરાજ પોતાના મા-વિહોણા પુત્ર દેવપ્રસાદને મુકીને સન્યસ્ત લે છે. અંતે દામોદર વિદાય લે છે અને સાંતુ મહેતા અમાત્યપદ સ્વિકારે છે. કર્ણદેવ રાજા બને છે અને કર્ણાવતી નગરીના બીજ રોપાય છે. તે વખતે આશાભીલનો ત્રાસ વધતો જાય છે,છેક સ્તંભતીર્થના (ખંભાત) દરિયાથી લઈ, સાબરમતીના જંગલો સુધી તેનો ત્રાસ રહે છે.

૯. રાજકન્યા
કર્ણદેવ પાટણનો રાજા છે. લાટ, માળવા અને કર્ણાટકનુ ભડકેલુ જણાય છે. સાંતુના ધ્યાનમા ગોપકપટ્ટનની (ગોવા) કુમારી (મિનળદેવી) આવે છે, જે કર્ણાટકના મંડલેશ્વર છે. સાંતુ પોતાના માણસોને ત્યા મોકલે છે અને મીનળદેવીને કર્ણદેવ અને ગુજરાત વિશે વિચારવા પ્રેરિત કરે છે. સોમનાથ પ્રત્યેની ભક્તી અને કર્ણદેવને મનથી વરી ચુકેલી મીનળ પાટણ આવે છે. તેને જોતા કર્ણદેવનુ મન દુભાય છે અને લગ્ન કરવાની ના પાડે છે. છેવટે બન્નેના લગ્ન થાય છે પણ કર્ણદેવ મીનળને બદલે નર્તિકામા પ્રેમ રાખે છે. કર્ણદેવ આશાભીલને નાથવા જાય છે પણ આશો ભાગી જાય છે, દેવપ્રસાદ કર્ણદેવનો ખડેપગે પ્રતિહારિ રહે છે. અંતે, કર્ણદેવ અને મીનળનુ મિલન થાય છે અને તેમને ત્યા ચક્રવર્તિ પુત્ર જન્મની આગાહી  સાચી પડવાની રાહ જોવાય છે.

૧૦. બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ અને મીનળનો પુત્ર સિધ્ધરાજ જયસિંહ ગાદી પર આવે છે. કર્ણદેવે કર્ણાવતી નગરની (હાલનુ અમદાવાદ)સ્થાપના કરી દીધી છે, જ્યા પહેલા આશાભીલનુ નગર હતુ ત્યા સાબરમતીને કિનારે. તે વખતે બર્બરક પોતાનો આતંક મચાવી રહ્યો છે. જુનાગઢનો રા' નવઘણ અને બર્બરક મળેલા હોય છે અને પાટણની વિરુધ્ધ ષડયંત્ર રચીને જયસિંહને હરાવવા ઈચ્છે છે. જયસિંહની દાદી, રાણી ઉદયમતીનો ભાઈ મદનપાલ બર્બરક સાથે મળેલો છે તે ખબર પડતા જયસિંહ મદનપાલને જનોઈવઢ કાપી નાખે છે અને એનો અંત આણે છે. આ વાત જાણતા નવઘણ આકળો થઈ જાય છે અને પાટણની વિરુધ્ધ પડે છે. જયસિંહ સાંતુ, મીનળ અને મંત્રીમંડળની સમજાવટ છતાં પોતાનો માર્ગ સ્પષ્ટ બતાવે છે કે તે જુનાગઢ, લાટ, માળવા કોઇથી ડરશે નહી અને સદા યુધ્ધ માટે તૈયાર છે.  જયસિંહ પાટણથી ભાગી રહેલા નવઘણને પકડે છે અને તેને બંધનમા મુકી દે છે, પણ તે જેમ-તેમ કરીને ભાગી જાય છે પણ પકડાઈ જાય છે.

તે દરમિયાન, બર્બરકની મેલી વિધ્યા વિશે સાંભળીને જગદેવ પરમાર મદદે આવે છે જે મહકાલીની ઉપાસનાથી 'અજિત્તાસિધ્ધી કંકણ' મેળવે છે જે જયસિંહ નજરોનજર નિહાળે છે. 'અજિત્તાકંકણ સિધ્ધી'ની ઉપાસના નજરે જોનાર પણ અજેય થઈ જાય છે એ જયસિંહ જાણે છે. બર્બરક સામે મલ્લ્યુદ્ધ કરીને જયસિંહ બર્બરકને વશ કરે છે અને તેનો વધ ન કરતા તેની પાસેથી આજીવન પોતાનો મદદગારને અનુચર બનવાનુ પાણિ લેવડાવે છે. ત્યારથી જયસિંહ 'બર્બરકજિષ્ણુ' ની ઉપમા પામે છે.

નવઘણનો દીકરો, રા' ખેંગાર પ્રતિજ્ઞા કરે છે  કે તે ચાર પ્રતિજ્ઞા પાળશે,
- પાટણનુ નાક કાપશે
- ભોયરાનો ગઢ ભાગશે.
- પાટણનો દરવાજો તોડશે
- મહીડાને મારશે.
ખેંગાર આ ચારેય પ્રતિજ્ઞા પૂરી કરે છે અને દેવડાની પુત્રી દેવડી, સોનલ દે, ને ભગાડી જાય છે. આ દેવડીને જયસિંહ પણ ઝંખતો હોય છે. દેવડી જુનાગઢ્ના રાણક સાથે રાણકની રાણી 'રાણક દેવી' બને છે. અને અહીંથી યુધ્ધની રણભેરી વાગે છે.

૧૧. ત્રિભુવનગંડ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ ખેંગાર સામે જુનાગઢ યુદ્ધ લઈને જાય છે, એની વિશાળ સેના સામે કોઇ ટકી શકે તેમ નથી પણ જુનાગઢનો અજીત દુર્ગ વર્ષો સુધી ટકી શકે છે એ તેને ખબર પડતા સમય લાગે છે. સોમનાથની સાક્ષીએ એ પ્રજામા રહેલો રા' પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ નિહાળે છે, પોતે રા' ને સમજાવે છે પણ રા' માને એવો નથી. રા' ની બહેન લીલી બા અને ભાણેજ પર સિધ્ધરાજ જયસિંહ અને મુંજાલ મહેતાની નજર છે.

રા' ને તો કોઈ વસ્તુનો ભય નથી એ એને સમજાય છે એટ્લે એ ખેંગારના ભાણેજ દેશળ-વિશળ ને સામ-દામથી વશ કરી દુર્ગમા દાખલ થવાનો માર્ગ ગોતાવી લે છે. જુનાગઢના અજેય દુર્ગને આ ભારે પડી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ દુર્ગમા પ્રવેશી ખેંગારને દ્વંદયુધ્ધ આપે છે. ખેંગાર હારી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ એને બંધક બનાવે છે.

સિધ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવાનુ ગોઠવે છે, પણ રાણકદેવી વગર રા' દેહ છોડે છે. તે સિધ્ધરાજ જયસિંહને પણ ગમતુ નથી, અને રા' ની પાછળ રાણકદેવી સતી થાય છે.

૧૨. અવંતીનાથ સિદ્ધરાજ જયસિંહ
સિધ્ધરાજ જયસિંહ હવે 'બર્બરકજિષ્ણુ' અને 'ત્રિભુવનગંડ' કહેવાયો છે, અને હવે તે પોતે અવંતિનાથ થવાના સ્વપ્ન જોઈ રહ્યો છે. અહી હવે બે પ્રશ્નો ઉભા છે,
- સિધ્ધરાજ જયસિંહનો વારસ કોણ, કોણ આ મહાન પરંપરા અને પાટણના રાજ્યને સંભાળી શક્શે?
- અવંતિને (માળવા) કેવી રીતે હરાવવુ?

ઉત્તરાધીકારી તરીકે સિધ્ધરાજ જયસિંહનો ભત્રીજો કુમારપાળ (ભીમદેવની બીજી રાણી ચૌલાદેવીનો પુત્ર ક્ષેમરાજ, તેનો દેવપ્રસાદ, તેનો ત્રિભુવનપાલ અને તેનો કુમારપાળ) જ છે અને સિધ્ધરાજ જયસિંહને પોતે પુત્ર જ નથી. સિધ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી અજમેરના આનકરાજ સાથે પરણી છે, તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ (પ્રુથ્વીરાજ ચૌહાણ તે આ સોમેશ્વરનો પુત્ર છે.) અને કુમારપાળ બે વચ્ચે ગાદીનો પ્રશ્ન છે. 

આનકરાજ પાટણ પોતાના પુત્રને મળે તેવી ઈચ્છા ધરાવે છે અને ઉદયન મહેતા, કાક ભટ્ટ, ક્રુષ્ણરાજ વગેરે કુમારપાળના પક્ષના. ત્યા વળી ત્રિજો જણ નિક્ળ્યો, સિધ્ધરાજ જયસિંહના ભુવનેશ્વરી નામની એક નર્તિકા સાથેના સંબંધ તરીકે તેનો પુત્ર ચારુભટ્ટ (ત્યાગભટ્ટ પણ કહેવાય છે) જે ગજશાસ્ત્રમા નિપુણ છે.

સિધ્ધરાજ જયસિંહ ત્યાગભટ્ટ સાથે કાંતિનગરી જઈ માળવાનો દક્ષિણી દરવાજો તોડવા માટે વિશાળકાય હાથી લઈ આવે છે, ત્રણ હજાર હાથીઓમાથી ત્યાગભટ્ટ શ્રેષ્ઠ હાથીને પસંદ કરી લે છે અને તેના સહારે અવંતીનો દ્વાર તોડે છે. ઘોર યુધ્ધ થાય છે, સોલંકી અને પરમાર યોધ્ધાઓ શોણિતભીના શરીરમા થતા દુખ ભૂલીને અંતિમપળ સુધી લડે છે પણ અવંતિવિજય કરીને સિધ્ધરાજ જયસિંહ પાટણ પાછો ફરે છે, અવંતીના રાજા યશોવર્મા અને તેના પુત્ર જયવર્માને કેદ કરી સાથે લાવે છે.

કુમારપાળ ભાગતો ફરે છે કારણકે કાકા સિધ્ધરાજ જયસિંહને તે ભાવતો જ નથી. હજુ પણ ઉત્તરાધીકારીનો પ્રશ્ન તો એમ નો એમ જ છે, કારણ કે રાણી લક્ષ્મીદેવી ત્યાગભટ્ટ્ની વાત ઉદયન મહેતા દ્વારા જાણે છે અને તેનો વિરોધ કરે છે. હજુ તેને અને સિધ્ધરાજ જયસિંહને આશા છે કે સોમનાથ ભગવાનની ક્રુપાથી તેમને ત્યાં પણ પુત્ર થશે જ...

૧૩. ગુર્જરેશ્વર કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામે છે...રાજાના મૃત્યુથી શોકગ્રસ્ત અને નિસહાય-નિરાધાર, કદાચ અનાથ કહો તો પણ અતિશયોક્તિ નથી, થયેલી પાટણ નગરી અને એના પ્રજાજનો નજર સમક્ષ ઉભા રહે છે. સાથે જ એ ચિંતા પણ છે કે સિદ્ધરાજ જયસિંહ જેવા, સાક્ષાત વીર વિક્રમના બીજા અવતાર સમા મહાન, રજાનો વારસો કોણ આગળ વધારશે અને કોણ આ મહાન ગુર્જરદેશને આસપાસના રાજ્યોથી રક્ષણ આપીને ટકાવી શકશે?

સિદ્ધરાજ જયસિંહના વારસદારોમાં ત્રિભુવનપાલના ત્રણ પુત્રો, યશપાલ-મહિપાલ અને કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહનો પ્રપન્ન પુત્ર ત્યાગ્ભટ્ટ, સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર ચૌહાણ છે.

સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી એમની પાદુકાઓ સિંહાસન પર મુકેલી છે અને નવો વારસ નક્કી કરવા રાજ્સભાનું આહવાન થાય છે. કુમારપાળને રોકવાના અથાક પ્રયત્નો છતા કુમારપાળ ત્યાં આવે છે અને ઉદયનની મદદથી રાજા બને છે.

આનક રાજ સામે યુદ્ધ થાય છે એમાં કુમારપાળ વિજેતા થાય છે. અજમેર હારે છે અને પાટણ જીતે છે. આનક રાજની પુત્રી જલ્હણા સાથે કુમારપાળના બીજા લગ્ન થાય છે અને પાટણની સત્તા મજબૂત બને છે, સ્થિર રહીને કુમારપાળ એને આગળ ધપાવશે એવી પટ્ટણીઓને ખાતરી થાય છે.

14. રાજર્ષિ કુમારપાળ
કુમારપાળ પાટણમાં રાજય કરે છે. પણ તેના ભત્રીજા અજયપાલ સાથે આંતરિક ઘર્ષણને લીધે પાટણમાં એક જાતની ભયંકર પરિસ્થિતિ ઉભી થાય છે જેનો લાભ દુશ્મનો કોઈ પણ ક્ષણે ઉઠાવી શકે છે. અહી ઉદા મેહતા કુમારપાળને મદદ કરે છે અને ઘર્ષણ અટકવાના બધા ઉપાયો કરે છે.

અહી જ ગુરુ હેમચંદ્રાચાર્યનો પ્રવેશ થાય છે. મંત્રી અને શ્રેષ્ઠીઓનો આગ્રહ રાજા અમારિ (પશુ પક્ષીઓનો વધ, મધ્ય-માંસ વગેરે અટકાવવું) ઘોષણા કરે એવો છે અને એ રીતે જૈન ધર્મ પ્રબળ બને એમ તેઓ ધારે છે, પણ ગુરુ એમ થતું અટકાવે છે અને ધીરે ધીરે લોકોના મન-મસ્તિષ્કને સમજાવે છે. અહી કુમારપાલના બે ધર્મો વચ્ચે પોતાના રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે, પાટણ ટકે એ માટેનાં પ્રયત્નો ખુબ સરળતાથી સમજાય છે.

છેવટે રાજા દોહિત્ર પ્રતાપમલ્લ, જે રાજા થવા નથી ઈચ્છતો, એની બદલે ભત્રીજા અજયપાલને જ રાજ સોંપવાની વાત વિચારે છે.

15.નાયિકાદેવી 
કુમારપાળનો ભત્રીજો અજયપાલ રાજા બને છે. અહી એ સ્પષ્ટ નથી કે કુમારપાળ કેવી રીતે મૃત્યુ પામે છે, પણ એવું જણાય છે કે  અજયપાલે તેને હણ્યો હશે કારણકે કુમારપાળ જૈન ધર્મ માટે થઇને પાટણમાં ફેરફારો કરે છે જે આપણે આગળ જોયું.

કુમારપાળના મૃત્યુનો બદલો લેવા તેના સેવકો અજયપાલને હણી નાખે છે. અજયપાલના બે પુત્રો, મૂળરાજ અને ભીમદેવ, વ્યાકુળ થઇ ઉઠે છે. ભીમદેવ પિતાનો બદલો લેવા કઈ પણ કરવા તૈયાર છે પણ નાયીકાદેવી તેને સમજાવે છે, રોકે છે અને પાટણની દોર પોતાના હાથમાં લે છે.

તે સમયે પાટણના સામંતો અને માંડલીકો ફાયદો ઉઠાવવા તૈયાર છે, પણ નાયીકાદેવી રાજનીતિ જાણે છે માટે કોઈ ચસકી શકતા નથી.

અચાનક, મુલતાનથી ગર્જનક (શાહબુદ્દીન ઘોરી) આવી રહ્યો છે એવા સમાચાર મળે છે અને ગુજરાતના ગુપ્તચરો એની ખબર કાઢવા ચાલી નીકળે છે. અજમેર જઈને તેઓ ગર્જનકની ખબર આપે છે અને એનો રસ્તો કયો છે તેની ભાળ મેળવી લે છે. પાટણનો ભીમદેવ અને અજમેરનો પૃથ્વીરાજ ગર્જ્નક સામે લડવા તૈયાર છે.

નાયીકાદેવી પોતે પાટણના સૈન્યને યુદ્ધમાં દોરે છે, ગર્જ્નક સામે ભયાનક યુદ્ધ થાય છે. પૂરતી તૈયારી અને સાહસી સેનાના ભયંકર આક્રમણથી ગર્જ્નાકની સેના હારી જાય છે અને ભાગે છે.

છેવટે નાયીકાદેવી વિચાર કરે છે, કે તેના પછી તેના પુત્રોની જોડે કોણ ઉભું રે'શે? કોણ પાટણની દેખભાળ કરી શકે એવું છે અને કોણ આવડું મોટું રાજ્ય સાચવીને રક્ષણ કરશે? કોણ ભારતવર્ષની આ સરહદનો પેહરેગીર બનશે અને ગુજરાત દેશનો સીમાડો સાચવશે? મૂળરાજ બીમાર છે અને ભીમદેવ જ રાજા બનશે, પણ ભીમદેવની રણઘેલી યોધ્ધાની મહત્વાકાંક્ષા પાટણને ક્યાં સુધી સાચવી શકશે એ ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે, એ રાજનીતિમાં કેવી રીતે ટકશે એ પ્રશ્ન એને સતાવે રાખે છે.

16. રાય કરણ'ઘેલો