Tuesday, July 29, 2008

મારે ફરી એકવાર શાળાએ જવું છે...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

3 comments:

  1. Nice poem

    Eventhough every month i was waiting for the last day of month ........... bec in schools the month last day is half day so.. :)

    ReplyDelete
  2. @nilesh-book1- સાચી વાત છે નિલેશ તમારી...શાળાના દીવસો જલસા વાળા હતા નહી?:)

    @િલલુડા સાપ-આભાર રવિશ...બચપણ ખરેખર યાદ આવે છે નહી?:)

    ReplyDelete