તમે: અરે યાર, પેલુ નવું બાઈક લેવું છે
દોસ્ત: કેમ, શું થયું? આ પ્રોબ્લેમ આપે છે? બરોબર તો લાગે છે...
તમે: અરે ના યાર, પ્રોબ્લેમ તો કઈ નથી. બસ, લઇ લેવું છે. કઈક નવું હોય તો મજા આવે ને, આમાં કંટાળો આવે છે.
આ વાતચીત બહુ કોમન છે. એટલે વાત એ છે કે, આપણે કોઈ પણ નવી વસ્તુને પામવા માટે આતુર હોઈએ છીએ. પછી એ ઘર હોય, વાહન હોય, કે કોઈ પણ એવી વસ્તુ જેની તરફ આપનું મન લલચાય છે. એ કઈ પણ હોઈ શકે છે, પણ આપણને ભ્રમમાં નાખી જ દે છે.
ઘર છે, પણ થોડુક માપનું છે. એટલે નવું લેવું છે, પણ નવું ઘર મોટું લેવાનું ને? હા, એટલે મોટા ઘર માટે મોટી જમીન-પ્લોટ જોઇશે? એટલે એ મોટા પ્લોટ માટે પોતા બધા પૈસા જોઇશે. મોટા પૈસા તો છે જ નહિ હાલ, જો હોત તો અત્યારે જ ઘર મોટું હોત. એટલે એ મોટા ઘર માટે, મોટા પૈસા કમાવા માટે, હાલ કાર્યરત બધી જ વ્યવસ્થા અને બધા કામને નજરઅંદાજ કરીને તમે કઈક એવું કરવા પ્રયત્ન કરશો જેથી તમારી આ ઈચ્છા પૂરી થાય. એ પ્રયત્નમાં એટલા બધા રત થઇ જઈએ કે એમાં હાલની પરિસ્થિતિ અને વ્યવસ્થાનું કોઈ મૂલ્ય નથી રહેતું. એ વખતે તમને એના સિવાય કાઈ દેખાશે જ નહિ, અને કોઈ તમને કાઈ સારું પણ કહેશે તો તમને એ ભૂંડું અને ખોટું લાગશે, તમે એ વાત માનશો જ નહિ. એનાથી પણ મોટી વાત, કે એ પ્રયત્નોમાં વપરાતી ઉર્જા અને સમય તમારા મનમાં હાલના ઘર માટે ઉપેક્ષિત લાગણી ઉભી કરે તેવું પણ બને. એટલે ઇન શોર્ટ, તમે હાલના ઘરને બદલવાની એ મૂંઝવણ સતત અનુભવશો જે તમારી કાર્યદક્ષતા અને માનસિક સ્થિતિ પર અસર કરશે.
આ તો એક ઉદાહરણ માત્ર છે, પણ જરાક વિચારો કે આવું કોઈક વાર તો બનતું જ હશે ને? આપણે નવી સ્થિતિ માટે હાલની સ્થિતિની પરવા નથી કરી શકતા અને એટલે જ "વર્તમાન" ને ignore કરીએ છીએ. એ મોટા પૈસા માટે સારી નોકરી કે સારું મોટું કામ કરવું પડશે એમ વિચારીને એની માટે આપણે પોતાના હાલના કામને ઉપેક્ષિત કરે છીએ અને સંતોષ નથી અનુભવતા. પણ આગળ સારું કામ મળશે જ એની શું ખાતરી? અચ્છા, સારું છે એવું તમને અત્યારે લાગે છે પણ એ સારું એટલે લાગે છે કે હમણાં એ તમારી પાસે નથી. અત્યારે જે કામ છે તે તમે સારી રીતે કરશો એટલે એ તમને સારું જ લાગશે। ધારો કે તમને નવું મોટું કામ મળી પણ ગયું, પણ તમારા સ્વભાવ/પ્રકૃતિ પ્રમાણે તમને એ ક્યાં સુધી સારું લાગશે અથવા એની આવક ચાલશે? વળી પાછુ એ જ ભૂત ધૂણશે, કે હજુ મોટું કામ કરીએ।છે એનો કોઈ અંત? અને કાયમ જ આવક ધ્યાનમાં રાખીને કામ કરતા લોકો કદી પણ સારી રીતે જવાબદારી નિભાવી શકતા નથી, અને એ જરૂરી નિષ્ઠા જ જાળવી શકતા નથી. જેથી લોકો પણ તેમનાથી અંતર રાખતા થઇ જાય છે.
સારાની વ્યાખ્યા શું છે? એમ તો દુનિયામાં દરેક બે વસ્તુ વચ્ચે સરખામણી કરો તો ફર્ક ચોક્કસ દેખાશે। પણ એનો મતલબ એવો તો નથી જ કે તમારી પાસેની વસ્તુ બિનઉપયોગી કે ખરાબ છે। અરે યાર, કામ એટલે કામ. સારું કે ખરાબ એવું હોય જ નહિ. અને સારું કે ખરાબ એ સમય પ્રમાણે બદલાતું હોય. કંટાળાજનક કામથી ભાગીને એવું કામ શોધવા પ્રયત્ન કરો, કે જેમાં કદી કંટાળો આવે જ નહિ. એવી વસ્તુ મેળવી શકાય જે કાયમ માટે તમને સારી જ લાગશે? વિચારો, કે છે એ શક્ય?
દુનિયાની આ ઝાકમઝાળમાં રોજે રોજ નવા ધ્યાનભંગ કરનારા સાધનો જોવા મળશે, અને નવા-નવા આવતા રહેશે. આપણે આપણી જરૂરીયાતની વાત કરવી સારી, પોતાની જાતને પૂછવું કે શું ખરેખર આ વસ્તુ જરૂરી છે? અત્યારે જે ઘર/વાહન/નોકરી/કામ છે તેમાં કોઈ વિચિત્ર સમસ્યા છે? જો સમસ્યા હોય તો તેને દૂર કરવા પ્રયત્ન કરો અથવા બદલી નાખો।પરંતુ કોઈ જાતની સમસ્યા વગર એને બદલવાનું વિચારીને શું કામ અશાંત બનવું? હા, કામમાં એવું હોઈ શકે કે પોતાની ઉર્ધ્વગતી (Self Development યુ નો!) કરવા તમે પરિવર્તન લાવો તે જરૂરી છે, પણ તેમાં ફક્ત આવક કે ધન કારણભૂત ન જ હોવું જોઈએ. કારણકે તે તમને ખોટી દિશામાં જ લઇ જશે. ભલે લોકો તમને મેનેજમેન્ટના નામે ગમે તે પાઠ ભણાવે, પણ એ શાંતિ ડહોળી નાખશે.
અહી minimalist (જે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લે તે) ની વાત નથી, વાત છે ફક્ત બિનજરૂરી દોડાદોડ અને અશાંતિ દૂર કરવાની। એની માટે પોતાના મનને કાબૂમાં રાખવું પડશે।એટલે જ્યારે મન એવી વસ્તુઓ તરફ ફોકટમાં આકર્ષિત નહિ હોય, તો આપોઆપ જ શાંત અને કાબુમાં રહેશે જેનાથી કાર્યદક્ષતા અને શાંતિ જળવાશે।એટલી તમારી ઉર્જા અને સમય પણ ઓછો વેડફાશે, અને કામની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. કોઈ પણ કાર્ય મનથી ધ્યાનપૂર્વક કરશું, તો તેમાં સફળતા પણ અવશ્ય મળશે।તમે તમારી જાત માટે અને વર્તમાન સ્થિતિ સાથે નિયમન જાળવી શકશો, જેનાથી વ્યવસ્થા જળવાશે અને વ્યર્થ સમસ્યાઓ ઉભી નહિ થાય. ભવિષ્યનો વિચાર ભલે કરો અને તેની માટે વ્યવસ્થા પણ ભલે કરો, પણ એને જ ધ્યાનમાં રાખીને બેસી રહીએ એ નહિ પાલવે!