Friday, December 11, 2009
તુંજ મારી મૉસમ
આંખ મા ભિજવતા,
મૂશળધાર વરસાદ ની મૉસમ,
તુંજ મારી મૉસમ,
કાન મા ચળક્તા કૉયલ ના અવાજ ની મૉસમ,
બરફ ના ગૉળા પર કેરી ના શરબત ની મૉસમ,
તુંજ મારી મૉસમ,
એક્લતા ના ભારા ને ઉચકેલા પરસેવા ની મૉસમ,
ફુલ ની સુગંન્ધ થી અગરબત્તી ની ધૂપ સુધી ની મૉસમ,
તુંજ મારી મૉસમ,
એક બીજા ને ગમતાંજ રહીયે, એવી આખી જીન્દગી સૂધી ની મૉસમ,
તુંજ મારી મૉસમ
લિ. લીલુડા સાપ
Wednesday, July 29, 2009
જીવન જીવવાની જડીબુટ્ટી
------------ --------- --------- -- -
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ.
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
વધુ @ http://funngyan.com/2009/03/18/jadibutti/
Monday, May 18, 2009
Thursday, March 26, 2009
મારું વડોદરા
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા
વડોદરા મા જાતજાતના લોકો વસતા
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ,ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મીના ખોળાની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા છોકરીઓ દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી વડોદરા ની વસ્તી..
ક્યાં એવી ઉત્તરાયણ,ક્યા એવી હોળી,
તહેવારોમા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરાત્રિ,ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા,ક્યાં એવા ધમાકા.
ક્યાં એવા ગણેશવિસર્જન ની ઠાઠ,
ગણપતિ બાપા મોર્યા હોય આખી રાત.
ક્યા મળે શિવરાત્રી ની મહા આરતી,
ક્યા મળે મંગળબજાર ની રંગીલી સાંજ,
ક્યા મળે સયાજીગાર્ડનની ચટાકેદાર રાત,
ક્યા મળે MSU ની મજા,ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે ડેરીડેન જેવો આઇસક્રીમ,
ક્યા મળે પારસ જેવુ પાન,
ક્યા મળે કેફે કોફી ડે જેવુ પીણું,
ક્યા મળે મહાકાળી નું ચટાકેદાર સેવઉસળ,
ક્યા મળે જગદીશ ની ભાખરવડી,
અને ક્યા મળે લારીલપ્પા ની લસ્સી,
ક્યા મળે આટલા બધા વડલા
તેના પર થી જ નામ પડયું વડોદરા.
વડોદરા નો રંગ નીરાળો, વડોદરા નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી,તો પણ ગર્વથી કહો
અમે છે વડોદરા વાસી….
અમે છે વડોદરા વાસી…..
Monday, February 2, 2009
અમે તો ભઈ ગુજરાતી…!
અમે તો ભઈ ગુજરાતી…! – વિનય દવે
હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ?
એ ‘મહાન વ્યક્તિ’ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે ! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ ! આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતી’, પણ આપણે માત્ર વેપારી જ નથી વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતી, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે. વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું !! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને. મનીમાઈન્ડેડ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ’ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે. આ ‘કબૂતરો’નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ ?!!’)
આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે. આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે. (ઓ…કખે… ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ…. હું છું… ત..મા…રો…. દો…સ્ત… ઍન્ડ… હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડ તમે લિસન કરી રહ્યા છો…. રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ… રો…કિં…ગ…) આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ’ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)
પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ’. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા (!) અને ફરાળી પિઝા (!!!) મળે છે ! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે ! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાના શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા’ના પણ શોખીન છે. આ ‘પીવા’નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય’ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ. ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં, પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ !)
આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને ! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં. વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ….ક્રિકેટ…. અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે ‘અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ !’ વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ !)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં, ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ !)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક-ટુ વ્હીલર અને બીજો-મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે તો એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ… કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ…. ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા નથી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો ? બરાબરને ભઈ ?)
Tuesday, January 13, 2009
મકરસંક્રાતીની શુભકામના...
એ વખત ખરેખર પતંગની જેમ જ ઊડવાનો હતો. આજે આપણામાથી ઘણા પાસે સમય નથી અને કદાચ એ મસ્તી તો નથી જ!પણ મિત્રો, સમય છે ભલે થોડોક..પણ માણી લેવામા જ મજા છે ને? ૧ દિવસ કે ૨ દિવસ્.. મજા માણીએ તો જ મતલબ છે ઉતરાયણનો. એ વ્હેલી સવારથી ધાબા પર જઈને, ચીકી ને શેરડી ખાવાની...અને એ શીયાળાની જોરદાર ઠંડી પણ સહન કરીને..પતંગ ચગાવીને પેચ લગાવવાના...મિત્રો ને સગાઓની સાથે,ઊંધીયુ-જલેબીની જ્યાફત ઊડાવવાની...આખો દિવસ ધાબા પર રહીને...ભલે ગોરો વાન શ્યામ થઈ જાય,છતાંય થાક્યા વગર બૂમો પાડવાની :).
હજુ પણ એ શોખ તો છે જ, પણ એવો સમય નથી કે તમારી જેમ રોજ પતંગ જોવા પણ મળે:). છતાંય હું બાકી નથી,તમારી જેમ જ હું પણ તૈયાર જ છું. અમદાવાદની સરસ મજાની ઘસાવેલી દોરી આવી ગઈ છે, અને આજે પતંગ પણ આવી જ્શે.બસ હવે કાલના દિવસની જ રાહ જોવાય છે ને?બે દિવસ આપણે બધાં મજા કરીશું...
પણ...ચાઈનીઝ દોરી નહી વાપરવી,જે જીવલેણ સાબિત થાય છે...ધ્યાનથી પતંગ ઉડાવશો, કપાય આપણો કે બીજાનો ખુશ થશો...બરાબર કે નહી? :)
ચાલો તો...તમને મકરસંક્રાતીની ખૂબ ખૂબ શુભકામનાઓ... :).
Monday, January 12, 2009
હરિયાળી ગિર છે...
ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ...
એ... લાલ પાઘડીએ લાડકો રૂડો વીર ઊભો વરરાજ, વાદળિયું વારણા લેતી જાનડિયું જાનમાં કે'તી...
વાયુ ઝપાટે ઝાડવાં ઝૂલે હાલતા હિંચક લઈ...
એ... જમના કાંઠે જાદવા સાથે ગોપીઓ ઘૂમી રઈ, શાદુળાની ડણકું થાતી જાણે જશોદાની છાશ ફેરાતી...
કેસુડાં કે'રી કળીયું ખીલી જાણે ઊગતો સૂરજ રૂખ,
એ... ડુંગરા ટોચે ચાંદલો ઊગ્યો જાણે શિવ શિરે ગંગમુખ,રીંછડીયું ડુંગરા ટૂંકે જોગી બેઠો ચલમું ફૂંકે...
સાયબો છે ગોવાળિયો રે મારો...
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી...
સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો,
હું ડુંગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી...
સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો,
હું ચકોરી વનરાની નિરખું વાલીડાને નયનથી...
સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો,
હું વાદળ કેરી વીજળી રે માર વાલમ સાથે દીપતી...
સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો,
હું મોંઘી મરજાદ વાલીડાના સંગમાં હું તો શોભતી...
સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો,
હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે...
સાયબો છે ગોવાળિયો રે મારો સાયબો છે ગોવાળિયો,
હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી...
Sunday, January 11, 2009
મોજમાં રે'વું રે...
અગમ અગોચર અલખધણીની ખોજમાં રે'વું રે...
કાળમીંઢ પાણાના કાળજા વીંધી કૂંપળો કૂટે રે...
આભ ધરા બીચ રમત્યું હાલે એનો ખેલ ન ખૂટે રે...
લે'ર આવે લખલાખ રત્નાકર લૂંટતા રે'વું રે...
કાળ કરે કામ કાળનું રે, એમાં કોઇનું ન હાલે રે...
મરવું ઈ તો મરજીવા જાણે રમતા તાલે રે...
અંત આદિ નવ જાણવા તારે તો તરતાં રે'વું રે...
સંસાર ખોટો કે સ્વપ્નું ખોટું એમાં સૂઝ પડે નઈ રે...
યુગ વિત્યા અને યુગની પણ સદીઓ વહી ગઈ રે...
મર્મી પણ મર્મ ન જાણે કૌતુક કેવું રે...
લાય લાગે તો'યે બળે નઈ એવાં કાળજા કીધાં રે...
વીરડો મીઠો ને દરિયો ખારો એવાં દાખલાં દીધાં રે...
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે...
ગોતવા જાય તો'યે મળે નહી ગોત્યો ગહન ગોવિંદો રે...
હરિભક્તોને હાથવગો છે પ્રેમ પરખંદો રે...
એવા દેવને દીવો કે ધૂપ શું દેવા દીલ દઈ દેવું રે...
રામકૃપા એને રોજ દીવાળી રંગના ટાણા રે...
કામ કરે એની કોઠીએ કોઇ 'દી ખૂટે નહિ દાણા રે...
કદી'યે આળસુ થઈને નવ આયખું ખોવું રે...
મોજમાં રે'વું, મોજમાં રે'વું, મોજમાં રે'વું રે...
જવાબદારી...આપણી ફરજ નથી?
આપણે ત્યાં ઘણી વાર એવી વાતો થાય છે કે,
"દેશમાં ઘણી સમસ્યાઓ છે...સરકાર કાંઈ કરતી નથી...ગુંડાગર્દી વધી છે...આતંકવાદ,ચોરી,લૂટ્ફાટ વગેરેના લીધે સામાન્ય માણસો હેરાન થાય છે..."આના સિવાય પણ ઘણી સમ્સ્યાઓ આપણને નડે છે જેમ કે, ટ્રાફિક,પાણી,રસ્તાઓ,બસ-રેલ,ગંદકી વગેરે વગેરે. અને આપણે લોક કાયમ એમ જ વિચારશું કે આ બધું આપણું કામ નથી. બધા લોકો એમ જ વિચારે છે અને એટલે જ કદાચ આપણે પોતે જ રોજેરોજ અમુક હેરાનગતિઓનું કારણ બનીએ છીએ?
સવારથી ચાલુ કરીએ, તો પાણી પ્રથમ આવે. દરેક ઘરમાં એક વાર તઓ એવું થતું જ હશે, કે પાણીનો બગાડ થાય. અને પાણીની તંગી પડે ત્યારે એમ વિચારીએ કે બાજુવાળા પાડોશીને લિધે ટાંકી ખાલી થઈ ગઈ!અરે ભાઈ,પહેલા પોતે તો વિચારો કે આપણે શું કર્યું?
એના પછી જ્યારે તમે કામ પર જવા નીકળો છો,અને રસ્તામાં ટ્રાફિકને લીધે પડતી તકલીફથી તમે ગુસ્સે થઈ ને લોકો ને અપશબ્દો બોલો, કે મોડું થતું હોવાથી પૂર ઝડપે વાહન હંકારો.અને બધા એમ વિચારે,
"મારા એક્લાના આમ કરવાથી શું થશે?"અને આમ જ આપણે હેરાન થઈએ.એન કરતાં થોડાક વહેલા નિકળીને,વાહન નિયમીતતાથી ચલાવીને શાંતીથી કામ પર સમયસર ન પહોંચી શકાય?
જરાક વિચાર કરો, કે આપણે કોઇને કાંઈ કહીયે એના પહેલા પોતે જ એનો અમલ ન કરવો જોઇએ?આપણે પોતે ફક્ત પોતાની જ જવાબદારી સમજવાની જરૂર છે. આપોઆપ બધી જ સમ્સ્યાઓનું નિરાકરણ આવી જશે અને બધું વ્યવસ્થિત બનશે. જેમ બસ કે રેલમાં જતી વેળા બીજાને આગળ કરીએ છીએ (पहेले आप, पहेले आप...), તેમ રસ્તા પર વાહન ચલાવતી વખતે પણ કરીએ તો? એમ જ કચરો પણ્ જ્યાં કચરાપેટી હોય ત્યાં જ નાખવો જોઇએ અને પાણીનો બગાડ પણ અટકાવવો જોઇએ. વાહનમાં હેલ્મેટ/પટ્ટો રાખવો જ જોઇએ અને નિયમથી જ વાહન ચલાવવું જોઇએ.
સુખ સાધનો અને સગવડતાઓ જોઈતી હોય, તો એની સામે પોતાની ફરજો અને જવાબદારીનું ભાન પણ આપણને હોવું જ જોઇએ. તો જ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. માત્ર કર ભરી દેવાથી આપણું કામ અટકતું નથી, બીજી બાબતોમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. કદાચ એનાથી બધું તો નહી, પણ થોડું તો સુધરી જ શકે છે!