Thursday, August 19, 2010

દેશભક્તિ: સ્મશાન વૈરાગ કે સાચી લાગણી?


મિત્રો, હમણાં જ ૧૫ ઓગસ્ટ ગઈ. હિન્દુસ્તાનનો જન્મદિવસ તો ના કે’વાય... પણ હા... નવું જીવતદાન જરૂર મળ્યું હતું એ દિવસે... કઈ કેટલાયે લોકોએ પોતાની આખી જીન્દગી (અને કેટલાકે જીન્દગી, કારણ કે આખી જીન્દગી સુધી તો એ જીવ્યા પણ નથી!).. એની પાછળ ખર્ચી હતી ત્યારે આપણને આજે એ મહામૂલી આઝાદી માણવા મળે છે...


પણ અહી હું આઝાદીની કથા કહેવા માટે નથી બેઠો. એ આપણને બધાને ખબર છે. એ દિવસે બધાને યાદ આવે છે કે "ઓહો... અરે... આજે તો આપનો સ્વતંત્રતા દિવસ છે...આપણે તો ભૂલી જ ગયા હતા સાલું...સારું થયું યાદ આવ્યું". અને ઘણા એવું જ વિચારે કે, "હાશ! ઓફીસ તો નહિ જવું પડે એ દિવસે..ખોટો ધક્કો બચી ગયો...એક રજા મળી ગઈ..." એમાં કોઈ બાકાત નથી.

આપના જેવા સામાન્ય લોકો તો ચાલો ઠીક છે કે એવું વિચારે, કેમ કે એની જોડે કરવા માટે ઘણા કામો હોય. નોકરી-ધંધામાં ઓતપ્રોત રહેતો હોય તો એવું બની શકે. આજના જમાના મુજબ એ બહાનું વાજબી ગણો તો વાંધો નથી. પહેલાં જેવું થોડું છે, જ્યારે લોકોને ખરેખર એ દિવસ યાદ હોય અને દિલથી...માત્ર રજા ખાતર નહિ! પણ આપણા નેતાઓ, એમને શું થાય છે?

કેટલીયે તૈયારીઓ કરશે, કઈક ભાષણો તૈયાર કરશે... જનમેદની ભેગી કરીને લોકોની વાહ-વાહ મેળવવા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ ને નામે મોટી મોટી વાતો કરશે...અને આપણે લોકો તો છીએ જ બાપુ ઉલ્લુ, ઉલટાની તાળીઓ મારવાની ચાલુ! બધાને જાણે શૂરાતન ચડી જાય, જે સ્મશાન વૈરાગથી કમ નથી.

હા, એ જ.. સ્મશાન વૈરાગ. કોઈના મરણ પ્રસંગે સ્મશાનમાં જનારા લોકો એ સમય પૂરતા દુનિયાથી વિમુખ થઇ જાય અને એવું વિચારે કે "જીન્દગીમાં કઈ છે જ નહી, છેલ્લે તો અહી જ આવવાનું છે." અને ત્યાંથી બહાર નીકળીને? ફરી એ જ રોજબરોજ શરૂ. આઝાદીનો પવન પણ એવો જ છે, એ આગળ પાછળના બે ચાર દિવસ હોય, પછી પાછુ ભૂલી જવાનું.

આઝાદીનો મતલબ એ છે કે જે તક આપણને આટલાં મોટા બલિદાનો આપી અને સંકટો સામે ઝઝૂમી અપાવી છે એ લોકોનું માન-મલાજો જળવાય એવાં કામ કરવા, નહિ કે એનાં નામની બૂમ-બરાડા પાડી રેલી-સરઘસો કાઢવા. કદી ભગતસિંહ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર અને કઈ કેટલાયે એવાં લોકો જે ખ્યાતી નથી પામ્યા...જો આપણી જેમ વિચારતા હોત તો? તો હજુ અંગ્રેજોની નીચે જ હોત આપણે. અને જો તેઓ આ દશા જુએ તો સામે ચાલીને અંગ્રેજોને વિનંતી કરીને પાછા બોલાવે એની ખાતરી હું આપું છું!

હાસ્તો, એનાથી મોટી ભૂલ એમને કઈ કરી છે તે એમને સમજાય તો એવું જ કરે ને?એમનાં બલીદાનની તો કોઈ કીમત જ નથી રાખી આજે. દેશ પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો તે કર્મથી બતાવવો જોઈએ, નહિ કે વાણી-વિલાસથી. ખાલી ધ્વજ-વંદન કરવાથી કાઈ થશે નહી.દરેકે પોતાની જવાબદારી સમજીને ચાલવું પડશે.નાની-મોટી વાતોમાં જો એવું થાય તો જ દેશને ફાયદો થાય.


શું ગાંધીજીએ હડતાળ એટલે શીખવાડી હતી કે ગમે ત્યારે, ગમે ત્યાં લોકો કોઈ પણ કારણસર અસ્ત-વ્યસ્તતા ફેલાવે? ના, એ હથિયાર સત્યનો માર્ગ છે, કામચોરીનું બહાનું બનાવવા માટે નથી. ગાંધીનગરમાં કોઈ પણ સમયે કોઈ ને કોઈ હડતાળ ચાલુ જ હોય છે, એનું શું કારણ છે? કર્મચારીઓ અને ધારાસભ્યોની વેતન માટે હડતાળ,શા માટે? વેતન વધારો માંગતા પહેલાં તમે વિચાર્યું કે આપણે એટલું કામ કરીએ છીએ જેટલું માંગીએ છીએ? સરકાર કાઈ પોતાનાં ખિસ્સામાંથી નથી આપતી, એ સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી આવે છે. જે લોકો મહેનત કરીને કમાય છે અને કર ભારે છે એમાંથી આવે છે. જો સરકાર એમાં વધુ ખર્ચો કરે તો વિકાસ કઈ રીતે થાય? આ એક ઉદાહરણ છે, આવું તો કઈ કેટલુંયે ચાલે છે.

પોતાનાં હકો માંગવા માટે આટલાં તૈયાર લોકો કદી પોતાની ફરજો પૂરી કરી કે નહિ એ વિચારે છે?ના, બસ મારો હક છે...એક જ વાત.

બીજું એ, કે નેતાઓ,ધારાસભ્યો, સાંસદોને દોષ આપવાથી કઈ નહિ વળે. એ પણ આપણામાંથી જ છે ને? જ્યાં સુધી દરેક જન પોતાની જવાબદારી નહી સ્વીકારે ત્યાં લગી આમ જ ચાલતું રહેશે. કટાક્ષમાં લોકો કહે છે કે "ભારત રામભરોસે ચાલે છે" પણ હવે તો રામ ને કૃષ્ણ બધા થાકે એટલો ત્રાસ મચ્યો છે. તેઓ પણ નાસી જશે કંટાળીને, પછી કોણ ચલાવશે? लोक-परलोक ફિલ્મમાં देवेन वर्मा કહે છે તેમ,"संसद वो अखाड़ा है, जहां भारतवर्ष के विभ्भिन क्षेत्रो के लोगो द्वारा चुने गए ५०० जन-प्रतिनिधि देशके सारे लोगोंका भविष्य तय करते हैं!". મતલબ સાફ છે, આપણે જ એવા લોકોને પસંદ કરીએ છીએ જેઓ ગંદકી ફેલાવી રહ્યાં છે.

હમણાં ૧૫ ઓગસ્ટના આગલા દિવસે રાજકોટના ક્રિકેટ મેદાન પર ટ્રકોની ટ્રકો કપચી ઠાલવી દેવાઈ,કારણ? કદાચ મુખ્યમંત્રી જવાના હતા...આવા સમાચાર અખબારમાં વાંચ્યા. આને શું કહેવાનું? એમ થોડું કોઈ પણ સરકાર કે સરકારી અમલદાર જાહેર સંપત્તિનો દુરુપયોગ કરી શકે? જાહે ભલે ના હોય, તો પણ સાવ આ હદે ઉપયોગ? અને એનો ખર્ચ ક્યાંથી આવે છે?મારા-તમારા જેવાના ખિસ્સામાંથી જ ને?

આવું જ થયું અમદાવાદના રસ્તાઓનું. કેટલીયે જગ્યાઓએ ખાડા પડી ગયાં... BRTS ની બસોનું પોટલું પણ ખૂલ્યું છે. એમાં પણ ભલીવાર નથી એવા અહેવાલો આપણે વાંચ્યા. આને શું કહેવાનું? કોણ મંજૂરી આપે છે આવા લોકોને? કોણ આવા રસ્તા બનાવવા માટે રાજી થાય છે? એનો જવાબ કોણ આપે? RTI લાગુ પાડવાથી કાઈ થાય નહિ, જ્યાં સુધી એવા લોકોને સજા ના થાય જે પ્રજાના પૈસાનો ધૂમાડો કરે છે.

દેશભક્તિ એ તહેવાર નથી.. એ લાગણી છે... એક ખુમારી છે... એક એવું તીજોરમાં મૂકેલું ઘરેણું જેની કીમત ખૂદ આપણી જ નીતિઓ અને કર્મો રૂપી કાટથી સતત ઘટતી રહે છે...આવું ઘરેણું રોજ પહેરો તો જ એનો મતલબ છે... ખાલી sms કે email કરવાથી કાઈ ન થાય. કોઈ કહે છે કે અમેરિકાને વિકાસ પામતા ૨૦૦ વર્ષ થયા અને આપણે ૬૦ વર્ષ જ! પણ હું કહું છું છે આપણામાં કાઈ વિકાસ? ઘરડાઓ તો એમ કહે છે કે આના કરતા અંગ્રેજો સારા હતા, સોટી મારીને વાત પતી તો જતી હતી! સાવ આવી રીતે તો લોકોને રંજાડાતા નહોતા.

આ વાતોનો કોઈ અંત જ નથી મિત્રો, એટલે અહીં જ અટકું છું. ફરી કંઈક યાદ આવશે તો આમાં ઉમેર કરીશ જ...પણ તમારી મદદ જોઈશે... આગળ વધવા માટે મદદ તો જોઈએ જ ને, એકલાથી કાઈ ન થાય...
સાથે સાથે, આઝાદીના દિન નિમિતે બનાવેલી તસ્વીર અહી રજૂ કરી છે...

Wednesday, August 18, 2010

ધર્મેન્દ્રની બે માર્મિક ફિલ્મો: क्रोधी અને दोस्त...

આજે ધર્મેન્દ્રની ફિલ્મ ક્રોધી જોઈ.આ ફિલ્મની વાર્તા ખૂબ મજબૂત છે અને ધર્મેન્દ્રનો અભિનય તો ધારદાર...એમાં એક એવા ગુસ્સા વાળા માણસની વાત છે જે ક્રોધ આવતા જ પોતાનું ભાન ભૂલીને કઈ પણ કરી બેસે છે. કેવી રીતે ક્રોધ એણે અવળા રસ્તે લઇ જઈ એક મોટો ગુનેગાર બનાવી દે છે જેનાથી આખા શહેરના લોકો ડરે છે..અને છેવટે નસીબ એણે ફરી સારા રસ્તે લઇ જાય છે... ત્યારે એ પોતાની હિમ્મત અને સચ્ચાઈથી લોકોનું ભલું કરે છે...અને અંતે એનું પોત એની જિંદગીથી પણ સારું બને છે...લોકો એણે પ્રેમ કરતા થઇ જાય છે, એનાં માટે જીવ દેવા તૈયાર થઇ જાય છે...

ડોન અને સ્મગલરના રોલમાં ધર્મેન્દ્ર અમિતાભ કરતા પણ ચડી જાય છે આ ફિલ્મમાં. એનો ઘેરો અને પહાડી અવાજ જાણે એમાં મદદરૂપ છે...અને એની અભિનય ક્ષમતા છાતી થાય છે... ખરેખર, આ ફિલ્મ જોઈએ તમે કદાચ અમિતાભની ડોન પણ ભૂલી જશો... અને પછી જયારે એનું હૃદય પરિવર્તન થાય અને એ સાધુ બને છે ત્યારે તો જે વ્યક્તિત્વ અને ચહેરાના ભાવો જોવા મળે છે તે ખરેખર આપણે ચકિત કરી દે તેવા છે...



દોસ્ત ફિલ્મ પણ ખૂબ સરસ છે.. એમાં એક એવા અનાથ માણસની વાત છે જે એક પાદરી જોડે ઉછરે છે અને ખૂબ સંસ્કારી બને છે...એણે લોકોનું ભલું કરવા સિવાય કઈ દેખાતું જ નથી...પછી એનો ભેટો એક ચોર (શત્રુઘ્ન સિંહા) જોડે થાય છે... તે એવું વિચારે છે કે ચોરને હું પોલીસમાં પકડાવવાને બદલે સુધારી દઉં...અને ચોર એવું વિચારે છે કે આ માણસને હું મારા ધંધામાં મેળવી દઉં તો મારો ફાયદો છે! અને છેવટે તેની જીત થાય છે ... ચોર સુધરીને જીદંગીને સમજતો એક સારો માણસ બની જાય છે...

એમાં પણ ધર્મેન્દ્ર એક સરળ માણસના વેશમાં અનોખી આભા ઉભી કરે છે...અને ધારદાર અભિનયથી આપણને મુગ્ધ કરી દે છે...શત્રુઘ્ન એની સામે એવો જ વિપરીત, ચોરનો અભિનય કરે છે... બંને સારા મીઉત્રો બની જાય છે અને અંતે ચોર સુધરી જાય છે... કેવો સરસ મજાનો સંદેશ આપે છે અહી... 

આ બંને ફિલ્મો ખૂબ સરસ કથાનક અને પાત્રો ધરાવે છે.. અને દર્શકોને ખરા અર્થમાં સારી ફિલ્મની મજા આપે છે..આજે ક્યા બને છે આવી ફિલ્મો, જેમાં અશ્લીલતા રહિત અને કુટુંબ સાથે જોઈ શકાય એવી સારી વાત હોય! આના સિવાય પણ ઘણી જૂની ફિલ્મો ખૂબ સારી હોય છે... યાદ આવશે તેમ અહી રજૂ કરતો રહીશ...

Monday, August 2, 2010

સમસ્યાનો સર્જક ખુદ માનવી...

દુખ..ખામી...સમસ્યા.., એ શબ્દ જેને સાંભળીને ભલભલા હલી જાય...મનમાં સો વિચારો આવી જાય... આ દુનિયામાં દરેકને કંઈક ને કંઈક સમસ્યા તો હોય જ, ભલે એ પરની હોય કે માનવી. અને એ જ જીવનની સચ્ચાઈ છે.જો જગતમાં બધું યોગ્ય જ હોય, બધું જેમ આપણે ઈચ્છીએ તેમ હોય તો પછી આ દુનિયા જાણે યંત્રયુગમાં થઇ ગઈ કે’વાય! અરે, ખરેખર તો યંત્રોમાં પણ ખામીઓ હોય છે, એટલે આપણે એને યંત્રયુગ કહેવું પણ અયોગ્ય ગણાશે. તો એણે શું કહેવું? કારણકે આજ દિન સુધી દુનિયામાં સુયોગ્ય તો કોઈ વસ્તુ છે જ નહિ!

જુદાજુદા લોકો માટે સમસ્યાનો મતલબ અલગ હોય. ઘણી વાર એકની સમસ્યા બીજાને દેખાય પણ નહિ... અને ઘણી વાર નાની વાત પર ભારે સમસ્યા જેવડી લાગે...

સોળ આને સાચી વાત કહું તો, સમસ્યાઓ આપણે જાતે જ ઉભી કરીએ છીએ! હા, ભલે તમે આ સત્ય સ્વીકારશો નહિ અને કદાચ એણે ગાંડપણ કે જુઠું કહેશો. એ આપણે જ છીએ જે વાતનું વતેસર કરી નાખીએ છીએ..

ખાલી એક વાત... એ પરિસ્થિતિ .. એ સંજોગો...એ વાતાવરણ અને આસપાસનો વિચાર કરો..જયારે તમે કોઈ સમસ્યા કે દુખનો સામનો કર્યો હોય. અને પછી જરા તમારા દિમાગ પર થોડી યાદો ફંફોળવાની મહેનત કરો...કે એ કયા કારણથી સર્જાઈ હતી?કે પછી... તમે જ એનું કારણ તો નહોતા?એવી તો કઈ વાત થઇ હતી કે આખી વાત બગડી ગઈ હતી... 

માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પાત્ર પણ કોઈ દિવસ તો છલકાઈ જ જાય ને...એમાં માણસનો સ્વભાવ જ કામ કરે છે...અને આપણને એનો જવાબ મળી જ જશે કે આપણે આપણા સ્વભાવ, અનુભવ અને સમજદારીથી ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ..વાતનું વતેસર અટકાવી શકીએ...

પહેલી વાત...જે યાદ રાખવી... કે માનવી એ કુદરતનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ નિર્માણ છે...એટલે માણસ બનીને કઈ નહિ થાય... સારા માનવી બનવાનું ધ્યેય હોવું ઘટે... તો જ કુદરતે આપેલા જન્મનો કઈ તો બદલો આપ્યો ગણાય!

બીજું એ...કે ભલે જીવનમાં આપણે કંઈક કરતા હોઈએ એવું લાગે..પણ એની દોર આપણા હાથમાં નથી...સંજોગો આપણા હાથમાં નથી, પણ એ ટાણે શું કરવું એ તો આપણી ઉપર છે ને? એટલે નકામી નાની બાબતો પર ચિંતા કર્યાં કરતા શાંત મનથી જીવવું જોઈએ. દરેક પળે કંઈકને કંઈક ચિંતા કરી અને વિચારી વિચારીને મગજની કડી કરી નાખવાથી પણ કાઈ ફરક પડવાનો નથી..

જે ચિંતા કર્યાં વગર... કોઈ જાતના ભયથી વ્યતીત નથી થતો...અને દરેક ઘડીને મનથી અને શાંતિથી માણે છે એ આ જગતમાં સૌથી સુખી વ્યક્તિ છે...કોઈ પણ દુખ કે સમસ્યા.. આવવા દો.. થઇ પડશે ભઈલા! એનો સામનો કરવાનો જુસ્સો રાખવો જોઈએ..પણ એનાં વિચારોથી મન વ્યથિત કરવાનો શું અર્થ? આપણે કહીએ છીએ ને..કે ઘોડા વેચીને ઉંઘી શકે ને... એ જ જીન્દગી!

જેવા છો તેવા જ રહી..સાચા અને આનંદિત રહો...અને પછી આપણને ખ્યાલ આવશે કે જે તમને સમસ્યા લાગતી હતી તે ખરેખર એટલી મોટી બાબત હતી જ નહિ! પણ એની માટે મન, તન અને દિમાગ.. ત્રણેય શાંત અને સક્ષમ રાખવું પડે.

હું પણ.. જો એવું કરી શકું તો સારું થાય...પણ મિત્રો, આ જ રીતે...કદાચ... આપણે જિંદગીની રીત બદલી શકીએ...અને તો પછી... શા માટે આ દુનિયા નહિ...? કોણ જાણે... થઇ પણ જાય...